Nandkumar Pathak Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નંદકુમાર પાઠક

કવિ, નવલકથાકાર અને નાટ્યલેખક

  • favroite
  • share

નંદકુમાર પાઠકનો પરિચય

કવિ, નવલકથાકાર અને નાટ્યલેખક નંદકુમાર પાઠકનું મૂળ વતન પંચમહાલ જિલ્લાનું ગોઠ, તેમનો જન્મ 25 જાન્યુઆરી, 1915ના રોજ થયો હતો. તેમણે મુંબઈની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું અને ચાર વર્ષ સુધી દિલ્હી સેન્ટ્રલ ન્યૂઝ ઑર્ગેનાઇઝેશનમાં અનુવાદક અને પ્રવક્તા તરીકે કામ કર્યું.

આકાશવાણીના વિવિધ કેન્દ્રોમાં 1944થી 1973 સુધી કાર્યક્રમ સહાયક અને સહાયક કેન્દ્ર નિયામક તરીકે સેવા આપી. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડમાં ગુજરાતીના જ્ઞાનકોશના સંપાદન માટે 1974માં જોડાયા. તેમનું અવસાન 3 જાન્યુઆરી, 1993ના રોજ અમદાવાદમાં થયું.

નંદકુમાર પાઠકે ‘સંવેદના’ (1942) અને ‘લહેરાતાં રૂપ’ (1978) નામના કાવ્યસંગ્રહો આપ્યા હતા. તેમાં સૉનેટ, ખંડકાવ્ય, ગીત અને છાંદસ-અછાંદસ રચનાઓ આપી છે. ‘મોભનાં પાણી’ (1947) નામની નવલકથામાં તેમણે લગ્નજીવનની સમસ્યાઓનું વર્ણન કર્યું છે. યુસુફ મહેરઅલીની અંગ્રેજી રચનાનો અનુવાદ ‘આપણા નેતાઓ’ (1944) તથા ‘સમાજવાદની પુનર્વિચારણા’(1944)ના નામે કર્યો છે.

નંદકુમાર પાઠકે નાટ્યલેખન અને નાટ્યવિવેચન ક્ષેત્રે અગત્યનું યોગદાન આપ્યું છે. સ્ત્રીઓના જીવનની સમસ્યાઓની છણાવટ કરીને સમાજના દંભી વણલોની ટીકા કરતું નાટક ‘પારકી જણી’ (1950) લખ્યું છે. ‘ભાડે આપવાનું છે’ (1956) તેમનું ત્રિઅંકી પ્રહસન છે. ‘વૈશાખી વાદળ’ (1959)માં અનેક એકાંકીઓ છે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નાટક, સંગીત અને નૃત્ય વિભાગના વિદ્યાર્થીઓને નાટક પર વ્યાખ્યાનો આપ્યા હતા. જે પાછળથી ‘એકાંકી - સ્વરૂપ અને સાહિત્ય’(1956)ના નામે પ્રકાશિત થયા. આ પુસ્તક નાટ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓને ઘણી મદદ કરી શકે છે. આ વ્યાખ્યાનોમાં તેમણે સંસ્કૃતના વિવિધ નાટ્યપ્રકારો તથા પશ્ચિમના નાટ્યપ્રકારોના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરી છે. આ ઉપરાંત એકાંકીનું સ્વરૂપ, રેડિયો નાટક અને ગુજરાતી એકાંકીઓના ઇતિહાસની પણ ચર્ચા કરી છે. નંદકુમાર પાઠકે એરિસ્ટોટલ શરૂ કરીને આધુનિક સમયની નાટ્યપરંપરાઓ પર ચર્ચા કરતો ગ્રંથ “પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો” (1968) આપ્યો છે. બે ખંડના આ ગ્રંથમાં ટ્રેજેડી અને કૉમેડીના પ્રકારો, તેનાં સ્વરૂપ તથા વિકાસ અને ‘થિયેટર ઑવ એબ્સર્ડ’ને લગતા 18 ગ્રંથો છે.