ગુજરાતી કવિ, વાર્તાકાર અને વિવેચક.
ગુજરાતી કવિ, વાર્તાકાર અને વિવેચક. તેમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ ગામ. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. 7માં અને માધ્યમિક શિક્ષણ ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલમાં થયું હતું. 1954માં તેઓએ મૅટ્રિક કર્યું હતું. 1956માં અંગ્રેજી–ગુજરાતી વિષયો સાથે બી.એ. અને 1959માં ગુજરાતી–અંગ્રેજી વિષયોમાં એમ.એ.ની પદવીઓ મેળવી હતી. ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કર્યા બાદ બી.ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. 1993માં તેઓ નિવૃત્ત થયા હતા.
તેમની કવિતાઓનું પ્રતીક-કલ્પન, તેમનું વૈચારિક સૌંદર્ય અને લયનું સૂક્ષ્મ કામ કે જેમાં પરંપરિત લયની સાથે સંસ્કૃત વૃત્તોના ટુકડાઓને બખૂબી રીતે વણી લેવાની કુનેહ, આ તેમની કવિતાની ઓળખ છે.
તેમના સાહિત્યક્ષેત્રે પ્રદાન વિશે વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળા નીચે પ્રમાણે ટૂંકી નોંધ આપે છે :
“‘ઉદ્ગાર’ (1962) એમની એકવીસ રચનાઓનો લઘુસંગ્રહ હોવા છતાં એમાં કેટલીક આધુનિક નગરસંવેદનની કસબયુક્ત અભિવ્યક્તિઓ મળે છે. સમયને, વૃદ્ધત્વને કે મુંબઈ યા ભરૂચ જેવા શહેરને લક્ષ્ય કરતાં કાવ્યો પરિણામગામી છે. ‘અવકાશ’ (1972) કાવ્યસંગ્રહમાં પણ સુબદ્ધ રચનાઓ એમની સ્વકીય મુદ્રાઓ સાથે મળે છે. અભિવ્યક્તિની સ્વતંત્ર શિસ્ત અને પ્રશિષ્ટ રંગદર્શિતા એમની કૃતિઓની ઓળખ છે. ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ જેવા કાવ્યની અછાંદસ અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. ‘સ્વપ્નલોક’ (1977) એમનો વાર્તાસંગ્રહ છે. સોળ વાર્તાઓમાં કોઈ એક સ્તરે અંકાયેલી પડેલી સ્વપ્નરેખા ગ્રંથશીર્ષકને સાર્થક કરે છે. વાર્તામાં શબ્દ સ્વયં ઘટના છે એવી પ્રતિજ્ઞા સાથે અંદર-બહારની ગતિથી વાર્તાકાર અહીં કથાવસ્તુનો અનન્ય અંશ કાવ્યાત્મક રીતે ઉપસાવવા મથે છે. ‘પાશ્ચાત્ય કવિતા’(1973)માં ગ્રીકકવિતાથી શરૂ કરી અમેરિકન કવિતાનો ભાવનસંદર્ભ છે; તો ‘અનુભાવ’ (1975) વિવેચનગ્રંથમાં કવિતા સાથેના અંગત માર્મિક સંબંધમાંથી જન્મેલાં લખાણો છે. કાવ્યભાવનના હાર્દમાં સુલભ બનેલા પ્રવેશનો રોમાંચ એમનામાં વર્તાય છે. ‘પ્રિયકાંત મણિયાર’(1976)માં મૈત્રીના સંવેગથી કરાવેલો કવિતાપરિચય બહુધા વિવેકપૂર્ણ અને જીવંત છે. ‘સિંધી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (1977) એમનો અનુવાદ છે.”
ગુજરાતી સાહિત્યમાં તેમનાં નોંધપાત્ર પ્રદાન બદલ તેમને ‘કવીશ્વર દલપતરામ પુરસ્કાર’ (2010), ‘નરસિંહ મહેતા પુરસ્કાર’ (2013), ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (2013) વગેરે જેવા પુરસ્કારો એનાયત થયા હતા.