‘મસ્ત કલંદર’ ઉપનામધારી અને બહુધા ‘મુસાફિર’ પાલનપુરી તરીકે ઓળખીતા આ સર્જકનું મૂળ નામ અમીરમહંમદ દિનમહંમદ સિંધી છે. તેમનો જન્મ 21 જૂન 1943માં પાલનપુરમાં થયો. નાની વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોઈ વેઠવી પડેલી અગવડોને કારણે ધોરણ છથી આગળ અભ્યાસ અશક્ય હતો. પછી મોટા ભાઈની સાથે ઓરિસ્સા (હવે ઓડિશા) જવાનું થયું. પરભાષી પ્રદેશમાં વતનનો ઝુરાપો અને માતાપિતાના સ્નેહના તલસાટમાંથી જીવનની પ્રથમ કવિતા ટપકી. ઈ.સ. 1960માં ઓરિસ્સાથી પાલનપુર પાછા આવીને પાલનપુરના મદરેસામાં બાળકોને ઉર્દૂ ભાષાનું જ્ઞાન આપનાર મૌલવી તરીકે માસિક 30 રૂપિયાની નોકરી સ્વીકારી, સાથોસાથ અધૂરો રહેલો અભ્યાસ શરૂ કર્યો. વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષા પાસ કરી. પી.ટી.સી. અને રાષ્ટ્રભાષા-રત્ન સુધીનો તેમણે અભ્યાસ કર્યા બાદ અન્યની સલાહથી ઈ.સ. 1966માં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષક તરીકેનું ઇન્ટરવ્યૂ આપી 1966થી જ તેઓ પ્રાથમિક શિક્ષક તરીકે ઝેરડા ગામે જોડાયા. જાણીતા ગઝલજ્ઞ સ્વ. જમિયત પંડ્યાએ તેમને ઈ.સ. 1962માં સૌપ્રથમ વાર અમદાવાદ બતાવ્યું અને 1965માં માઉન્ટ આબુમાં સાહિત્યિક કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના મોટા ગજાના સર્જકો સાથે પરિચય થયો. 1998માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય ઍવૉર્ડ મેળવ્યો.
ગુજરાતી સાહિત્યમાં ગઝલ, નઝમ, કટાક્ષકાવ્યોમાં અને અરૂઝ-પિંગળ જ્ઞાન માટે સર્જકનું પ્રદાન છે. ગુજરાતી સાહિત્યમાં ‘તઝમીન’ કાવ્યપ્રકારનો સૌપ્રથમ સંગ્રહ આપનાર અને વિશિષ્ઠ બોલીમાં લશ્કરખાને આરંભેલા સાહિત્ય સર્જનને વિસ્તારનાર આ સર્જક પાસેથી ‘ચિત્કાર’, ‘અવિરામ’, ‘ઢાઈ અક્ષર’, ‘આગવી ઊર્મિઓ’, ‘ગાંધીથી દિલ્હી સુધી’, ‘કલંદર માળા’, ‘પાલનપુરી બોલી કા બગીચા’, ‘હર લમ્હા ઈક તાજમહલ’, ‘અહીં જ ક્યાંક આપ છો’ અને ‘લૂંટી લે ભાઈ’ આદિ કાવ્યસંગ્રહ, ‘અર્પણ’, ‘ફૂલ ધરી દો એક બીજાને’, ‘દરબાર શૂન્યનો’ અને ‘શૂન્યનું તત્ત્વચિંતન’ નામક સંપાદન, ‘સાન્નિધ્ય સરી જતી ક્ષણોનું’ નામક લેખસંગ્રહ, ‘મારી પ્રથમ ગઝલયાત્રા: બી.કે.થી યુ. કે. સુધી’ નામક પ્રવાસ વર્ણન - વગેરે પુસ્તક ઉપરાંત ‘બનાસકાંઠાની ધરતીનાં કવિરત્નો’ નામે સર્જક પરિચય લેખમાળા આપી છે. તેમને 1998માં યુનો તરફથી મિર્ઝા ગાલિબ ઍવૉર્ડ અને હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા-નડિયાદ તરફથી કવિ ઉમાશંકર જોશી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.