Muldas Profile & Biography | RekhtaGujarati

મૂળદાસ

મધ્યકાલીન ગુજરાતી સંતકવિ

  • favroite
  • share
  • 1675-1779

મૂળદાસનો પરિચય

  • જન્મ -
    1675
  • અવસાન -
    1779

તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં 1675ની સાલમાં પિતા કૃષ્ણરામ અને માતા ગંગાબાઈને ત્યાં થયો હતો. વિવાહ પછી જીવનમાં બનેલા કેટલાક પ્રસંગોએ આત્મજ્ઞાન કરાવ્યું, જેથી વૈરાગ્ય જાગતાં ગૃહત્યાગ કર્યો અને પરિભ્રમણ કરતાં કરતાં ગોંડલના રામાનુજી સંપ્રદાયના સાધુ લોહલંગરી જીવણદાસજી પાસે દીક્ષા લીધી. 1768માં તેમણે અમરેલીમાં આશ્રમ સ્થાપ્યો હતો. તેમના કેટલાક ભજનો અને ગીતો આજે પણ જાણીતાં છે અને ઘરે ઘરે હલકભેર ગવાય છે. 1779માં અમરેલી મુકામે તેમણે જીવતા સમાધિ લીધી હતી.

આ સંતકવિએ પ્રેમલક્ષણા ભક્તિ - ભક્તિનાં વિરહપદો, વૈરાગ્યબોધ અને આત્માવિષયક ટૂંકી આખ્યાનાત્મક કૃતિઓ, આરતી, કીર્તન, ગરબી, બારમાસી, ભજન, પ્રભાતિયાં, રામગરી, ગરબી, ધોળ જેવા પ્રકારોમાં પદમાળાઓ તેમજ છૂટક ભક્તિપદની સધુક્કડી, ગુજરાતી-હિન્દીમાં રચના કરી છે. હિન્દી ભાષામાં 'ચોવીસ ગુરુદત્તલીલા' અને કેટલાંક પદો તથા 'બારમાસી'‚ 'હરિનામલીલા', 'ગુરુગીતા', 'સાસુવહુનો સંવાદ સમસ્યાઓ'‚ ‘મર્કટીનું આખ્યાન’, 'ભાગવત બીજો સ્કંધ', ભજનવાણી 'ચૂંદડી', રૂપકગર્ભ પદો વગેરે રચનાઓ આપી વેદાન્ત જ્ઞાનમાર્ગી અને ભક્તિમાર્ગી ઉભય શાખામાં સમાન રીતે વિહાર કર્યો છે.

વિવિધ સંપ્રદાયોના અધ્યાત્મમાર્ગના સમન્વયકર્તા વૈરાગી ભક્ત, જ્ઞાની-ઉપદેશક, વિચારક અને લોકસંત તરીકેનું બહુમુખી વ્યક્તિત્વ ધરાવનાર મૂળદાસજીએ શ્રીમદ્ ભાગવતના સ્કંધોનો અને શ્રીમદ્ભગવદ્ગીતાનો ગુજરાતી પદબંધોમાં ભાવાનુવાદ આપ્યા છે.