મુકુન્દરાય પારાશર્યનો જન્મ 13 ફેબ્રુઆરી, 1914ના રોજ મોરબીમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કોટડા સાંગાણી, રાજકોટ અને ભાવનગર ખાતે લીધું. બી.એ. અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે 1940માં કર્યું. ધાર્મિક અને સાહિત્યસેવી પરિવારમાં તેમનો ઉછેર થયો. તેમની કવિતાઓ પર સંસ્કૃત પરંપરાનો તથા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતાનો પ્રભાવ દેખાય છે. તેમની કવિતાઓમાં કલાત્મક અભિવ્યક્તિ, અર્થસભરતા, પ્રાસાદિક્તા, મધુર ભાવો અને ભાવોની ઊંડી સમજણ જોવા મળે છે. ભક્તિકવિતામાં અને મુક્તક-સ્વરૂપમાં તેમનું વિશિષ્ટ પ્રદાન છે.
‘અર્ચન’ (પ્રબોધ ભટ્ટ સાથે, 1938), ‘સંસૃતિ’ (1941) અને ‘ભદ્રા’ (1980) કાવ્યસંગ્રહો તેમની પાસેથી સાંપડ્યા છે. ગીતસંગ્રહ ‘ફૂલ ફાગણનાં’(1956)માં કોમળ ભાવોને કલ્યાણકારી અને સુંદર ઢાળમાં રજૂ કર્યા છે. મુક્તકોનો સંગ્રહ ‘દીપમાળા’(1960), ભક્તિપૂર્ણ પદોનો સંગ્રહ ‘કંઠ ચાતકનો’ (1970) અને ‘પ્રાણ પપૈયાનો’ (1979) તેમણે આપ્યા છે. ‘પ્રાણ પપૈયાનો’ને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પુરસ્કાર મળ્યું.
‘મેઘદૂત’ પરથી પ્રેરાઈને ‘અલકા’ (1981) નામનું કાવ્ય અને ભાગવતનાં સુદામા અને ગજેન્દ્રમોક્ષનાં કથાનકોને રજૂ કરતા ‘બે આખ્યાનો’ (1983) તેમની પાસેથી પ્રાપ્ત થયા છે. તેમણે પિતા વિજયશંકરની અને પ્રબોધ ભટ્ટની શિવસ્તુતિઓનો સંગ્રહ ‘शिवस्तुति’(1977) તૈયાર કર્યો છે.
પારાશર્યના ‘સત્યકથા’ : 1, 2, 3, (1966, 1984, 1985), ‘‘સત્વશીલ’ (1978), ‘મારાં મોટીબા અને બીજી સત્યકથાઓ’ (1981) તથા ‘મારી મા’ (1985) વ્યક્તિચિત્રોના સંગ્રહ છે. ‘સત્યકથા : 1’ને તથા ‘મારાં મોટીબા અને બીજી સત્યકથાઓ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ મળ્યું છે. ‘સત્વશીલ’ને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો.
‘પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન’ (1983) જીવનચરિત્ર અરૂઢ શૈલીમાં છે. પ્રેમ અને ત્યાગની લઘુનવલકથા ‘ઊર્મિલા’(1943) તેમણે આપી છે. ‘દેવકુસુમ’(1945)માંની ચાર પૌરાણિક વાર્તા આગવા દૃષ્ટિકોણથી રોચક બની છે.
‘મારા ગુરુની વાતો’ (1976) તથા ‘ગૃહસ્થાશ્રમ અને બીજા નિબંધો’(1991)માં ચિંતનાત્મક નિબંધોને સરળભાષામાં રજૂ કર્યા છે. આ પારાશર્યની વિશિષ્ટ સિદ્ધિ છે. વિવેચનલેખો ‘આલેખનની ઓળખ’ (1980) અને ‘રુચિનો દોર’(1995)ના દ્વારા પારાશર્ય તટસ્થ અને સહૃદય હોવાનો અહેસાસ થાય છે. ઊર્મિલા (1943, 1998) અને ‘ગૌરી’ (2004) એમની નવલકથાઓ છે. ‘સ્વામી રામદાસનો ઉપદેશ’ (1957) અંગ્રેજીમાંથી કરેલો અનુવાદ છે.
પારાશર્ય સંપાદિત પુસ્તકો : વિજયશંકર પટ્ટણીનાં પુસ્તકો ‘જૂના સાથીઓ અને બીજી વાતો’ (1958), ‘બે નિબંધો’ (1960), ‘અનુબાબાની વાતો’ (1965), સંસ્કૃત પુસ્તક ‘अनुचिन्तनम्’ (અનુવાદ સાથે) (1966), ‘ર્જીણમંદિર’ (1968), ‘અધિકાર અને રાજ્યાધિકાર’ (1972). પ્રબોધ ભટ્ટનું કાવ્યોનું ‘સરોરુહ’ (1983) અને ભક્ત કવિ કેશવલાલ હ. ભટ્ટનાં કાવ્યોનું સંપાદન ‘કેશવકૃતિ’ (1983) તેમણે કર્યું છે.
મુકુન્દરાય વિ. પારાશર્ય સ્મૃતિગ્રંથનું સંપાદન કનુભાઈ જાની, દિલાવરસિંહ જાડેજા અને હરિકૃષ્ણ પાઠકે કર્યું છે. તેના ત્રણ ભાગો ‘સ્મૃતિદર્શન’, ‘છીપે પાક્યાં મોતી’ અને ‘પારાશર્યનું ભાવવિશ્વ’ છે.