ગુજરાત, ભારત તરફથી સેક્સોલોજિસ્ટ. તેઓ તેમની ગઝલથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે.
તેમનો જન્મ 21 ડિસેમ્બર, 1959ના રોજ ગુજરાતી શાયર, સુરત અને ગુજરાત જેમને ઉસ્તાદના નામે ઓળખતું એવા ગઝલગુરુ મનહરલાલ ચોક્સી અને મનુબેનને ત્યાં સુરતમાં થયો હતો. વ્યવસાયે સાઇકોલૉજિસ્ટ એવા તેમની ખાનગી ક્લિનિક સુરતમાં છે. ઘરના સાહિત્યિક પરિસરે તેમના ઘડતરમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. ઘરે ભગવતીકુમાર શર્મા, આદિલ મન્સૂરી, મનહર મોદી, ચિનુ મોદી, વગેરેની અવરજવર રહેતી અને બેઠકો જામતી. 1975ની સાલમાં 16 વર્ષની વયે આઠ ગઝલ એકસાથે ‘કવિલોક’માં પ્રગટતા ગુજરાતી ગઝલ આકાશમાં એમનું ઉડ્ડયન શરૂ થયું. એક કવિ તરીકે મુકુલ ચોક્સીના ઉદયમાં એક તરફ ગુજરાતી ગઝલમાં નવો વળાંક લઈને આવેલા આદિલ, ચિનુભાઈ, અને રમેશભાઈ જેવા કવિઓની સંકુલ સંચલનો અમૂર્ત રીતે પ્રગટ કરવાની તાજગીભરી અભિવ્યક્તિ નજર સામે હતી. તો રાજેન્દ્ર શુક્લની પરિશુદ્ધ બાનીની પણ એમને ચાહના હતી. મરીઝની વેધી નાખનારી સરળતા તો આગમન સ્વરૂપે એમના તકિયાની નીચે જ રહેતી. આ જ સમયે મુકુલે ફૈઝ અહમદ ફૈઝ, ફિરાક, અને સાહિર જેવા ઉર્દૂના શાયરોને ખૂબ વાંચ્યા. દુષ્યંતકુમાર અને સૂર્યભાનુય એમના પ્રિય. આવી ખુશનુમા આબોહવાની વચ્ચે એમની ગઝલનો છોડ પાંગર્યો, તેથી એમની ગઝલોમાં આપણા મલકની માટીની મહેક તો છે જ પણ સાથેસાથે આ છોડ ખય્યામથી લઈને રિલ્કે સુધીના વારસાથી સીંચાયો છે. તેમની પાસેથી ચાર દાયકાની એમની આ સફરના પ્રારંભમાં મુકુલ ચોક્સી 1982માં ‘તરન્નુમ’ નામનો 69 ગઝલનો સંગ્રહ, ‘આજે પત્રોને બદલે લખજે નક્ષત્રો, સજનવા!’ 30 ગઝલોનો સંગ્રહ. આ ઉપરાંત છેક 2001માં કવિ સુરેશ દલાલના આગ્રહથી થોડી ગણીગાંઠી નવી ગઝલો અને અગાઉના બન્ને સંગ્રહોમાંથી ચૂંટેલી રચનાઓ લઈ કુલ 76 ગઝલનો સંગ્રહ ‘તાજા કલમમાં એ જ કે’ પ્રગટ થયો. તેમણે અમુક નવલિકાઓ પણ લખેલી. ‘સજનવા’, ‘એ વર્ષોમાં’ મુકુલભાઈની દીર્ઘ ગઝલ છે. તેમણે ગુજરાતીમાં સેક્સ એજ્યુકેશન પર અનેક પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં છે. તેમને 2014માં કલાપી ઍવૉર્ડ અને 2019માં સંગત તરફથી રમેશ પારેખ ઍવૉર્ડ ગુજરાતી ગઝલ–કવિતાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.