Minu Desai Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મીનુ દેસાઈ

ગાંધીયુગીન કવિ, ચરિત્રકાર અને પત્રકાર

  • favroite
  • share

મીનુ દેસાઈનો પરિચય

કવિ મીનુ દેસાઈનો જન્મ નવસારીમાં 1 સપ્ટેમ્બર, 1919ના રોજ એક પારસી પરિવારમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ‘મુંબઈ વર્તમાન’માં જુનિયર રિપોર્ટર તરીકે હતી અને 1948માં તેના મદદનીશ તંત્રી બન્યા હતા. ‘મુંબઈ સમાચાર’માં 1950માં પારસી વિભાગના સંપાદક બન્યા અને 1961માં તંત્રી બન્યા. ઇન્દુલાલ ગાંધીની સાથે મળીને તેમણે ‘સાંજ વર્તમાન’ના વાર્ષિક અંકો, ‘અતિથિ’ અને ‘મંજરી’ જેવાં સામયિકોનું સંપાદન કર્યું.

મીનુ દેસાઈએ લખેલો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પડથાર’ 1943માં પ્રકાશિત થયો. તે આઠ કાવ્યકૃતિઓનો સંગ્રહ છે. મહાત્મા ગાંધીને સંબોધીને લખાયેલી ‘બાપુ’ કવિતા કરુણપ્રશસ્તિ છે. ‘નિમિષ’ (1949) કાવ્યસંગ્રહમાં 72 કવિતાઓ છે. જેમાં મુક્તકો, ગીતો અને લાંબા કાવ્યો છે. ‘નિમિષ’ના કાવ્યોમાં મુખ્યત્વે સાલસ પ્રેમનું વર્ણન કર્યું છે. જોકે અમુક કવિતાઓમાં પ્રકૃતિના સુંદર ચિત્રોનું આલેખન કર્યું છે. આ કાવ્યસંગ્રહ તેમની કવિતાકળાના વિકાસને દર્શાવે છે.

ટાગોરના લાંબા કાવ્યનો ભાવાનુવાદ ‘સોબતી’ના નામે કર્યો છે. પ્રકૃતિકાવ્યો ‘શ્રાવણી વાદળાં’, ‘સોનેરી સંધ્યા’; મુક્તકો ‘કોડિયાં’, ‘કવિતા જેવી’; ગીતો ‘છોગાળો છેલ’, ‘આવી જજે’, ‘પાંપણ પાંદડી’ ધ્યાનાકર્ષક છે.

‘અણસાર’ (1961) એ પહેલાં પ્રકાશિત થયેલી ‘નિમિષ’ની સંવર્ધિત આવૃત્તિ છે. ‘ગુલઝારે શાયરી’ (1964)માં ચૂંટેલી ગઝલો છે. ‘પ્રીત’ (1968) ઊર્મિકાવ્યોનો સંગ્રહ છે.

બાળકોને વિવિધ વિષયોની રોચક માહિતી આપવા ‘વિદ્યાર્થી નાટિકાઓ’ (1966) સંવાદોની મદદથી લખી છે. ‘મોરારજી દેસાઈ’ (1924), ‘સ્વાલ્યર ફરામરોઝ હો. એડનવાલા.’ (1958) ‘સંત દસ્તુરજી દુકાદારુ’ (1958) અને ‘જમશેદજી જીજીબાઈ’ (1959)ના ચરિત્રો તેમણે લખ્યા છે. પ્રવાસવર્ણન પરના તેમના પુસ્તકો ‘જર્મની આવું છે’ (1966) અને ‘મોરિશિયસ’ (1968) છે. ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારિતાની વાત ‘ધન્ય ભૂમિ ગુજરાત’ (1965) નામના પુસ્તકમાં કરી છે.