Meghnad H. Bhatt Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેઘનાદ હ. ભટ્ટ

કવિ, નવલકથાકાર, સમીક્ષક અને અનુવાદક, હરિશ્ચંદ્ર ભટ્ટના પુત્ર

  • favroite
  • share
  • 1935-1997

મેઘનાદ હ. ભટ્ટનો પરિચય

  • જન્મ -
    24 ઑક્ટોબર 1935
  • અવસાન -
    22 એપ્રિલ 1997

તેમનો જન્મ 24 ઓક્ટોબર, 1935ના રોજ પિતા હરિશ્ચંદ્રભાઈને ઘેર માતા હરવિલાસબેનને કુખે થયો હતો. તેમનું વતન સુરત જિલ્લાનું ઓલપાડ ગામ. ગામઠી શાળામાં ચાર ધોરણ ભણ્યા બાદ સેંટ સેબાસ્ટિયન કૉન્વેન્ટ સ્કૂલ-મુંબઈમાં માધ્યમિક શિક્ષણ, 1954માં મૅટ્રિક, 1960માં સિડનહામ કૉલેજ મુંબઈમાં વાણિજ્ય સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. મફતલાલ ગ્રુપમાં 30 વર્ષથી હિસાબનીશ તરીકે કાર્યરત રહ્યા અને 22 એપ્રિલ, 1997ના રોજ પરલોક સિધાવ્યા.

એમની પાસેથી ‘છીપલાં’ (1980), ‘મલાજો’ (1987) અને ‘અમથાભરણ’ (1994) નામક કાવ્યસંગ્રહ, ‘અમથાનુભવ' (1980) અને ‘અવધૂત – સારિકા' (1998) નામક લઘુનવલ, ‘સ્પાઇડરમેન’ નામે શોકાન્તિકા (મૃત્યુ પામેલા સ્વજનને સંવાદશૈલીમાં લખાયેલ વાતો), ગુજરાતી-મરાઠી કૃતિઓના સમીક્ષાત્મક આસ્વાદ લેખોનું ‘શંખઘોષ’ (1991) નામક સંપાદન અને ડૉ. રફીક ઝકરિયાની અંગ્રેજી નવલકથાનો ‘રઝિયાબેગમ’ (1990) નામક અનુવાદ મળી આવે છે. ‘જન્મભૂમિ’ના ‘કલમ અને કિતાબ’ વિભાગમાં તેમણે 200 જેટલા આસ્વાદલેખો લખેલા, જેમાંના કેટલાક ‘શંખઘોષ’ પુસ્તકમાં સંપાદિત થયા છે.

તેમને ‘કવિલોક-1976’ તથા ‘કુમાર’નું શ્રી મોટા પારિતોષિક તેમજ ‘કવિતા’નું શ્રેષ્ઠ કાવ્ય પારિતોષિક માટે એ ત્રણ પારિતોષિક મળ્યાં છે.