રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમીરાંબાઈનો પરિચય
-
જન્મ -1498
-
અવસાન -1565
મીરાંનો જન્મ 1498માં રાઠોડ વંશના જોધપુરના સ્થાપક જોધાજીના પૌત્ર રત્નસિંહને ત્યાં મેડતા નજીક કુડકી મુકામે થયો હતો. 1503માં માતાનું અવસાન થયું અને પિતા યુદ્ધમાં જ રત રહેતા હોવાથી દાદા દૂદાજીએ મેડતામાં પૌત્રી મીરાંનું લાલનપાલન કરી ક્ષત્રિય રાજકુંવરીને યોગ્ય શિક્ષણ આપ્યું. સ્થૂળ વૈધવ્યના અમુક ગાળા પછી મીરાંએ સંન્યાસ લીધેલો. જનશ્રુતિમાં તેમને લઈને વિવિધ ખ્યાલો પ્રચલિત છે. જેમાં માતા દ્વારા મૂર્તિ આપી કૃષ્ણને પતિ તરીકે ઉલ્લેખ્યાનો પ્રસંગ, સંત રૈદાસે (જેમનો મીરાંના એકાધિક પદોમાં ગુરુ તરીકે ઉલ્લેખ છે) આપેલી મૂર્તિથી મીરાંને કૃષ્ણને અવિનાશી પતિ તરીકે પામ્યાની પ્રતીતિનો પ્રસંગ. આમ, નાનપણમાં પરમેશ્વરના અવર્ણનીય અનુભવ મીરાંને થયેલા! મીરાં સંત હતી પણ સાથોસાથ મેડતાની રાજકુંવરી અને મેવાડની ભાવિ મહારાણી હતી, એથી એમનું જીવન સમકાલીન રાજકીય ઊથલપાથલ સાથે જોડાયેલું હતું. તેમણે પારિવારિક (રતનસિંહ અને દિયર વિક્રમાદિત્ય દ્વારા હેરાનગતિ), સામાજિક, રાજકીય અને કંઈક અંશે ધાર્મિક ત્રાસ અનુભવેલો. ભગવાનદાસ, માનસિંહ, અકબર જેવા રાજપુરુષોનું, બીરબલ જેવા કવિનું, તાનસેન જેવા સંગીતકારનું અને તુલસીદાસ જેવા સંત-સાધુનું મીરાં સાથે મિલન થાય એમાં મીરાંની સર્વતોમુખી પ્રતિભાનું દર્શન થાય છે. એટલું જ નહિ, પછીથી આ વિભૂતિઓએ અલગ અલગ ક્ષેત્રમાં જે ઉદાત્ત ભૂમિકા સેવી એ સૌમાં મીરાંની પ્રેરણા રહી હતી. મીરાંના જીવનની રૂપરેખા જોઈએ તો — 1498માં જન્મ, 1516માં લગ્ન (ભોજરાજ સાથે 17 વર્ષની વયે), 1521માં વૈધવ્ય અને સંન્યાસ, 1532માં મેવાડનો ત્યાગ, 1533માં મેડતાનો ત્યાગ, 1536માં વૃન્દાવનનો ત્યાગ, 1546માં દ્વારિકાનો ત્યાગ, 1546થી 1556 દક્ષિણ અને પૂર્વ ભારતની યાત્રા, અજ્ઞાતવાસ, 1556થી 1563-65 ઉત્તર ભારતની યાત્રા, અજ્ઞાતવાસ, 1563-65માં અવસાન. મીરાં ન કેવળ સંત હતા, બલકે, ભારતવર્ષના ઇતિહાસમાં થઈ ગયેલાં અવિસ્મરણીય વિરલ વિભૂતિ છે.
ડૉ. રમેશ એમ. ત્રિવેદી મીરાંના સાહિત્યને બે વિભાગમાં વહેંચે છે : 1) લઘુકાવ્ય પદ કવિતા, અને 2) દીર્ઘ કથાત્મક કાવ્ય.
મીરાંનું જીવન અને મીરાંની કવિતા એ મેડતાની, મેવાડની મરુભૂમિમાં જ નહીં પણ જગત-જીવનની, સંસારની ઊષરભૂમિમાં જાણે કે ધવલોજ્જ્વલ અગનશલાખા છે. મીરાંની કવિતા એ મીરાંના જ હૃદયાત્માની નહીં, પણ માનવહૃદયાત્માની આત્મકથારૂપ છે. મનુષ્યમાત્રના હૃદયમાં ગૂઢ ગોપન પ્રેમ છે અને એ પરમેશ્વરમાં જ પર્યવસાન પામે ત્યારે જ ધન્ય થાય છે, ચરિતાર્થ થાય છે. આ છે મીરાંના જીવનનું અને મીરાંની કવિતાનું રહસ્ય. મીરાંએ દીર્ઘમધ્યમ કદની નાટ્યાત્મક, કથાત્મક કાવ્યકૃતિઓનું, મધ્યયુગમાં પ્રચલિત કાવ્યપ્રકારો – પ્રકરણ, પ્રબંધ, આખ્યાન આદિમાં કાવ્યકૃતિઓનું સર્જન કર્યું નથી એનું આશ્ચર્ય ન થવું જોઈએ. નરસિંહરા માહ્યરા’, ‘સતભામાનું રૂસણું’ આદિ દીર્ઘમધ્યમ કદની નાટ્યાત્મક, કથાત્મક કાવ્યકૃતિઓનું મીરાંનું કર્તૃત્વ નરસિંહ અને કૃષ્ણના જીવનની પ્રેરણાથી જેમ મીરાંએ દ્વારિકાવાસ કર્યો હતો એમ એ જ પ્રેરણાથી મીરાંએ આ કાવ્યકૃતિઓનું સર્જન કર્યું હોય એવા તર્કને આધારે સિદ્ધ કરવાનો પ્રયત્ન થયો છે. ઉપરાંત, ‘ગીતગોવિંદની ટીકા’, ‘રાગ ગોવિંદ’, ‘રાગ સોરઠ’ વગેરે તેમની કૃતિ તરીકે ઉલ્લેખાઈ છે. મીરાંની કવિતામાં પ્રતીકાત્મકતા, રસાત્મકતા, અનાયાસ લયનિર્મિતિ, લાઘવનું કામણ, ગીત-સંગીતનો અભૂતપૂર્વ સમન્વય, અધ્યાત્મ અને જીવનદર્શનનું આગવું કલારસાયણ, પ્રકૃતિ ચિત્રણ-વર્ણન નિમિત્તે ભક્તિનિદર્શન, નિજી ચિંતન-ભાવોત્કટતા, પ્રેમલક્ષણા ભક્તિનું રહસ્યદર્શન આદિ ભાષાના ઓજસ અને માધુર્યથી કાવ્યગિરિમાળામાં એક આગવું કલાત્મક શૃંગ રચે છે.
સમગ્રતયા વ્રજ, રાજસ્થાની, હિંદી, પંજાબી, બંગાળી, ઉડિયા ઉપરાંત, ગુજરાતીમાં 1,400 જેટલાં પદ મળે છે. નિરંજન ભગતના કહ્યા પ્રમાણે, ગુજરાતમાં જ ચારસો જેટલાં પદ મળે છે.
ગાંધીજીએ 1942માં એક સંવાદમાં મીરાં અને મીરાંનાં પદ વિશે કહ્યું હતું : “મીરાંનાં પદ હંમેશા સુન્દર લાગે છે. એ બહુ હૃદયદ્રાવક છે કારણ કે એ સાચાં છે. મીરાંએ એનાથી ગાયા વિના નથી રહેવાયું એથી ગાયું છે. એનાં પદ સીધાં હૃદયમાંથી ફૂટે છે – ફુવારાની જેમ, અન્ય કેટલાંકનાં પદની જેમ એનાં પદ કીર્તિ માટે કે લોકપ્રિયતા માટે રચાયાં નથી. એમાં એની હંમેશની અપીલનું રહસ્ય છે.”
બલવંતરાયે 1928માં નરસિંહના અને મીરાંના કોઈ કોઈ પદ વિશે કહ્યું હતું કે આપણે ગુજરાતીઓ એક અવાજે સ્વીકારીશું કે એ ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ છે.