Meenpiyasi Profile & Biography | RekhtaGujarati

મીનપિયાસી

ગુજરાતી ભાષાના કવિ અને પક્ષીવિદ્, ખગોળવિદ્, થિયોસોફિસ્ટ

  • favroite
  • share

મીનપિયાસીનો પરિચય

  • મૂળ નામ - દિનકરરાય કેશવલાલ વૈદ્ય
  • જન્મ -
    21 સપ્ટેમ્બર 1910
  • અવસાન -
    2000

તેમનો જન્મ 21 સપ્ટેમ્બર, 1910ના રોજ પ્રશ્નોરા જ્ઞાતિના દંપતી કેશવલાલ અને મુક્તાબહેનને ત્યાં જેતપુરમાં થયો. તેમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું ચૂડા ગામ. મુંબઈની ન્યુ ભરડા હાઇસ્કુલમાંથી મૅટ્રિક (1929), પામેલાનેશનલ મેડિકલ કૉલેજમાંથી ઇન્ટર એલ.સી.પી.એસ. થયા. ત્યારબાદ મુંબઈ પરત ફરી પિતાનો વૈદક વ્યવસાય પણ અપનાવ્યો. લગભગ 9 દાયકાનું આયખું ગાળીને વર્ષ 2000માં તેઓ પરલોક સિધાવ્યા.

આ વૈદ્ય-કવિ પાસેથી ‘વર્ષાજલ’ (1966) તથા ‘ગુલછડી અને જૂઈ’ (1986) નામક કાવ્યકૃતિઓના સંગ્રહો મળી આવે છે તો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમની તમામ રચનાઓ-પ્રકાશિત અને અપ્રકાશિત ‘ઝૂલ ઝાલાવાડ ઝૂલ’ (2016) શીર્ષક હેઠળ પુસ્તક રૂપે પ્રગટ થઈ છે. આ ઉપરાંત ચૂડા ગામમાં જ રહીને ખગોળ તથા પક્ષીઓનો અભ્યાસ કરી પક્ષીવિદ્ તરીકે બસ્સોથી વધુ પક્ષીઓને લગતી શાસ્ત્રીય ઢબની વિગતોની નોંધરૂપ ‘નળસરોવરનાં પંખી’ (1969), ‘પંખીજગત’ (1969) અને ‘પંખીમેળો’ (1992) જેવાં રસપ્રદ અભ્યાસ પુસ્તક, ખગોળવિદ્ તરીકે ‘ખગોળની ખુબીઓ’ તેમજ થિયોસોફિસ્ટ તરીકે ‘મરણ તો નથી જ’ (1997), ‘અથ થી ઇતિ’ આદિ પુસ્તક આપ્યાં છે. ‘કબૂતરોનું ઘૂ.. ઘૂ.. ઘૂ..’ જેવી એમની બાળકાવ્ય સરીખી લાગતી રચના અર્થસભર સંદેશ આપીને વિરમે છે.