મૌન બલોલી તરીકે જાણીતા ચંદુલાલ પટેલનો જન્મ 22 સપ્ટેમ્બર 1939ના રોજ મહેસાણા જિલ્લાના કંથરાવીમાં જોઈતારામ પટેલને ત્યાં થયો. બલોલ ગામમાં એસ. એસ. સી. સુધીનો અભ્યાસ કર્યો. કાપડનો વેપાર તેમજ છૂટક નોકરી પણ કરી. સાઇક્લોસ્ટાઇલ સામયિક ‘હું’ (મનીષી જાની, પ્રબોધ જોશી વગેરે સાથે) અને અનિયતકાલીન ‘તોડફોડ'ના સંપાદક રહ્યા. ‘કુમાર’માં પહેલી કવિતા પ્રગટ થઈ અને બુધસભાની સાહિત્યિક પ્રવૃત્તિ થકી કવિતાલેખનને વેગ મળ્યો. એમણે ગઝલ, ગીત, છાંદસ કાવ્ય અને ગદ્યકાવ્ય વગેરે સ્વરૂપમાં કલમ ચલાવી છે. જોકે, વધારે ગઝલો લખી છે. એમની પાસેથી ‘દસ્તાવેજ’ (1988), ‘સમય વચાળે હું' (2007) નામના કવિતાસંગ્રહો, ‘ધર્મસ્થળ વિવાદ' (1992) નામે નિબંધસંગ્રહ, ‘પ્રાકૃતિક ન્યાયાન્યાયના પરિપ્રેક્ષ્યમાં’ (1994-95) નામે ચરિત્ર પુસ્તક મળે છે. આ સર્જકનું દેહાવસાન 25 નવેમ્બર 2012ના રોજ થયું.