ગુજરાતના ગાલિબ ગણાતા અબ્બાસ અબ્દુલઅલી વાસી ઉર્ફે ‘મરીઝ’ ગુજરાતી સાહિત્યમાં ગઝલનો પર્યાય છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે શિક્ષક હતા. તેમણે નાનપણમાં જ પોતાનાં માતાને ગુમાવી દીધાં હતાં. તેમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો જ હતો. શિક્ષાભ્યાસમાં તેમની અરુચિ તેમના શિક્ષક પિતાને મંજૂર ન હતી, તેથી તેમને મુંબઈ રબર ફેક્ટરીમાં કામ કરવા મોકલી દીધા હતા. તેમણે થોડા સમય બાદ ‘વતન’ અને ‘માતૃભૂમિ’ જેવા દૈનિકોમાં પત્રકારત્વ પણ કર્યું.
વાંચનનો શોખ તેમણે પોતાના ટૂંકા પગારમાં પણ પુસ્તકો વસાવીને જાળવ્યો. તેઓ પોતાના મિત્ર આમિન આઝાદને પોતાના ગુરુનું બિરુદ આપે છે. તેઓ આખું જીવન આર્થિક સંકડામણમાં જીવ્યા, અને એમાં પણ નાનપણથી લાગેલી દારૂની લતના કારણે તેમણે પોતાની ઘણીખરી લખેલી ગઝલો વેચી પણ દીધી હતી. આમ, મરીઝે લખેલી અઢળક કવિતાઓમાંથી થોડીક જ તેમના નામે ગ્રંથસ્થ થઈ છે.
તેમનો પ્રથમ સંગ્રહ ‘આગમન’ 1975માં તથા બીજો સંગ્રહ ‘નકશા’ જે 1984માં મરણોત્તર પ્રકાશિત થયો હતો. આ ઉપરાંત અન્યો સાથે મળીને કરેલો એક સંગ્રહ ‘દિશા’ પણ 1980માં મળે છે. મરીઝની આર્થિક ભીંસ અને દારૂની લત સાહિત્યક્ષેત્રમાં ખૂબ જાણીતી હતી. પૈસા માટે થઈને તેઓ પોતાની ગઝલો પાંચ-દસ રૂપિયામાં વેચી દેતા; તો દારૂ માટે થઈને મિત્રોમાં વહેંચી દેતા. આ જ વાતનો દુરુપયોગ કરીને એક ધનવાન વ્યક્તિએ સારી કિંમત આપીને મરીઝ પાસેથી 125 પાનાંનો સંગ્રહ ખરીદી લીધો અને પોતાના નામે ‘દર્દ’ શીર્ષક સાથે પ્રકાશિત પણ કર્યો હતો, પરંતુ ગુજરાતીના સુજ્ઞ વાચકો અને મરીઝના ચાહકો સામે આ વાત ઢાંકેલી ના રહી અને આ સંગ્રહ પાછો ખેંચવો પડેલો.
આ ઉપરાંત તેમણે 2 ધાર્મિક પુસ્તકો પણ લખ્યાં હતાં. ‘મઝલૂમ-એ-કરબલા’ જેમાં ઇમામ હુસૈનને અંજલિ આપી હતી અને બીજું પુસ્તક ‘હૂર’ નામે આપ્યું. તેમણે થોડા સમય સુધી ધાર્મિક સામયિક ‘ઇન્સાફ’નું સંપાદનકાર્ય પણ કર્યું હતું.
1971 અને 1981માં મુંબઈમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના યોગદાન બદલ 1984માં તેમને મરણોત્તર પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પણ આપવામાં આવ્યો હતો.
ગઝલ એ મરીઝનું મુખ્ય કાવ્યસ્વરૂપ રહ્યું છે, પરંતુ એ ઉપરાંત તેમણે નઝમ, કત્અ, રુબાઈ, તઝમીન, મરસિયા વગેરે અરબી-ફારસી કાવ્યપ્રકારો પણ ગુજરાતીમાં સુપેરે વાપર્યા છે. પરંપરિત ગઝલમાં તેમનું સ્થાન મોખરાનું છે. તેમની ગઝલોમાં વિષયવૈવિધ્ય પણ ભરપૂર જોવા મળે છે. પ્રેમની વિવિધ દશાઓ, ધર્મ, દર્શન, સમાજવાદ, મદિરા, રાજકારણ જેવા વિષયો તેમણે ગઝલના સ્વરૂપને અનુરૂપ વ્યંજનાસભર ખેડ્યા છે. સરળ તથા સહજ ભાષામાં સંવેદનની તીવ્રતા તથા વિચારોનું ઊંડાણ મરીઝની ગઝલોને મરીઝપણું આપે છે. ગઝલના સ્વરૂપનું માત્ર આકારગત નહીં, પરંતુ અંતસ્તત્વ-ગત વણાટ મરીઝને ગુજરાતી ગઝલના સૌથી ઊંચા શિખર પર બેસાડે છે.
જાણીતા ગુજરાતી ગઝલકાર અને અભ્યાસુ રશીદ મીર મરીઝ વિશે લખે છે કે, “ગુજરાતી ગઝલ મરીઝમાં લોહીનો લય બનીને ધબકે છે તે ખરેખરું આકાર-સૌષ્ઠવ અને અંતસ્તત્વ ધારણ કરે છે. તેમાં ઊંડાણ અને વ્યંજકતાનો બલિષ્ઠ ઘોષ સંભળાય છે. મરીઝની ગઝલકલા વેધક, સરળ અને ભાવપૂર્ણ છે.”