રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
ગાંધીયુગના મહત્ત્વના કવિ-વિવેચક
ગુજરાતી કવિ, વિવેચક. પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ તેમણે પોતાના વતન જામનગરમાં લીધું હતું અને ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ મેળવી તેઓ એમ.એ. થયા હતા. મુંબઈ, રાજકોટ, પોરબંદર અને કલકત્તાની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુંબઈ આકાશવાણીમાં વાર્તાલાપ-નિર્માતા તરીકે પણ તેમણે સેવા આપી હતી. તેઓએ ઈ.સ. 1966માં ન્યૂ યૉર્ક ખાતે આંતરરાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત, મનસુખલાલે તેમના જીવનકાળ દરમિયાન અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિ કરી હતી.
કવિ, વિવેચક, પ્રવાસકથા-લેખક, સંપાદક અને અનુવાદક તરીકે તેમણે ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઉમેરણ કર્યું છે. ‘ચંદ્રદૂત’ (1929) એ ‘મેઘદૂત’ની અનુકૃતિ તરીકેનું તેમનું દૂતકાવ્ય છે. આ પૂર્વે ‘રામસંહિતા’ના બે ભાગમાં એમણે ધર્મગ્રંથો-પુરાણોમાંથી પસંદ કરેલા શ્લોકોના અનુવાદો પ્રગટ કર્યા હતા. પાછળથી ‘સ્મૃતિભ્રંશ અથવા શાપિત શકુન્તલા’ (1929) અને ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ અનુવાદ-ગ્રંથો એમણે આપેલા. ‘હૅમ્લેટ’ (1967) અને ‘ઑથેલો’ (1978)ના અનુવાદો ઉપરાંત અંગ્રેજી–મરાઠીમાંથી કેટલાંક પુસ્તકો પણ એમણે અનુવાદિત કર્યાં હતાં.
‘ફૂલદોલ’ (1933), ‘આરાધના’ (1939), ‘અભિસાર’ (1947), ‘અનુભૂતિ’ (1956), અને ‘ડૂમો ઓગળ્યો’ (1975) જેવા તેમના કાવ્યસંગ્રહો છે. ‘થોડા વિવેચનલેખો’ (1944), ‘પર્યેષણા’ (1952), ‘કાવ્યવિમર્શ’ (1962), ‘અભિગમ’ (1966), ‘દૃષ્ટિકોણ’ (1978) એ એમના વિવેચનસંગ્રહો છે. ‘ગોવર્ધનરામ’, ‘ન્હાનાલાલ’, ‘કનૈયાલાલ મુનશી’, ‘બ. ક. ઠાકોર’, અને ‘ઉમાશંકર’ પુસ્તિકાઓમાં તે તે લેખક વિશે એમણે લખેલા લેખો છે. ‘ઉમાશંકર જોશી – નાટ્યકાર’ પણ એવો જ એક સંગ્રહ છે. એમના કાવ્યાસ્વાદો ‘આપણો કવિતાવૈભવ’ ભા. 1 અને 2 તથા ‘આપણાં ઊર્મિકાવ્યો’માં સંગ્રહાયા છે. ‘ગુજરાતી ભાષા-સાહિત્ય’માં ગુજરાતી ભાષા-સાહિત્ય વિશે સુરતમાં આપેલાં વ્યાખ્યાનો ગ્રંથસ્થ થયાં છે. ‘ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન’ (1953) એમણે રમણલાલ ચી. શાહ સાથે લખેલો ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. સાહિત્ય અકાદમીએ એમનો અંગ્રેજીમાં લખાયેલો ‘History of Gujarati Literature’ (1978) ગ્રંથ પ્રગટ કર્યો છે.
‘દશમસ્કંધ’ (પ્રેમાનંદ; 1થી 25 અધ્યાય), ‘મારી શ્રેષ્ઠ વાર્તા’, ‘ગુજરાતી ટૂંકી વાર્તા’, ‘નવી કવિતા’ (અન્ય સાથે) જેવાં કેટલાંક સંપાદનો, ‘અમેરિકા – મારી દૃષ્ટિએ’ જેવું પ્રવાસવર્ણન અને સુંદર વ્યક્તિચિત્રો આલેખતું ‘ચિત્રાંકનો’ ઉપરાંત, એમણે વિદ્યાર્થીઓ માટે ભાષા-વ્યાકરણનાં વિશદ પુસ્તકો પણ આપ્યાં છે.