
મનોજ ખંડેરિયાનો પરિચય
તેમનો જન્મ જૂનાગઢમાં પિતા વ્રજલાલ અને માતા વિજયાબહેનને ત્યાં થયો. પિતાની નોકરીના કારણે પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ ધોરાજી, વેરાવળ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, જામનગર, વગેરે વિવિધ શહેરોમાં લીધું. 1961માં એસ.એસ.સી., 1965માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર–વનસ્પતિશાસ્ત્ર વિષયો સાથે બીએસ.સી. તેમ જ 1967માં એલએલ.બી. થયા. 1968થી જૂનાગઢમાં વકીલાત, સાથે લૉના ખંડસમયના વ્યાખ્યાતા તરીકે કેટલાંક વર્ષ અધ્યાપનકાર્ય, 1984થી પથ્થરની ખાણના ક્ષેત્રમાં ઝંપલાવી ઉદ્યોગપતિ બન્યા. અનેક કાવ્યસ્વરૂપો અજમાવી ચૂકેલા કવિ મનોજ ખંડેરિયા આપણા એક મહત્ત્વના અને નીવડેલા ગઝલકાર છે. ઉત્તરકાળે કૅન્સર જેવા અસાધ્ય અને ભારે પીડાકારક રોગના ભોગ બન્યા બાદ સાવ સાજા થઈ જઈને પૂર્વવત્ પ્રવૃત્તિમાં પરોવાઈ જવાને તત્પર એ કવિએ 2003ના ઑક્ટોબરની 27મીએ અણધારી ચિરવિદાય લીધી.
અનુગાંધીયુગના ગાળામાં કાવ્યસર્જનનો પ્રારંભ કરનાર આ કવિ આજીવન સર્જનરત રહ્યા છે. તેમણે ઊર્મિકાવ્યોનાં ગીત અને ગઝલ જેવાં પ્રચલિત કાવ્યસ્વરૂપ, તો છંદોબદ્ધ અને અછાંદસ કાવ્યો, થોડાંક દીર્ઘકાવ્યો, ઘણાંક અંજની કાવ્યો, અને મુક્તકો રચ્યાં છે. આમ છતાં મનોજના કવિકર્મનો ધ્યાનપાત્ર વિશેષ છે તેમનું ગઝલસર્જન. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં પ્રયોગશીલ ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ ધ્યાનાર્હ છે.
સર્જનક્ષેત્રે નૂતનતા, પ્રયોગશીલતા, અપૂર્વતા પ્રગટાવતા આ નવ્ય કવિએ પરંપરાના ખભે રહી, તેને આત્મસાત્ કરતાં કરતાં સર્જન કર્યું છે. એટલે તેમની ગઝલમાં અભિવ્યક્તિની નવી રીતિ, નવા મરોડ, અને તેની વેધકતા સહેજે આવે છે. પ્રયોગશીલ કવિ તરીકે તેમણે ગઝલમાંય અનેક પ્રયોગો કર્યા છે, પરંતુ એ પ્રયોગો પરંપરાની ભૂમિકામાં રહીને, પરંપરા સાથે અનુસંધાન સાધીને તેમ જ ગઝલનાં તત્ત્વને અને તંત્રને વફાદાર રહીને કર્યા છે.
‘અચાનક’ (1970), ‘અટકળ’ (1979), ‘અંજની’ (1991), ‘હસ્તપ્રત’ (1991), ‘કોઈ કહેતું નથી’ (1994 તેમનાં નોંધનીય સર્જનો છે.
મર્મીલા શેર, ઉપમા, રૂપકાદિ અલંકારોની અપાર સૃષ્ટિ, અભિવ્યક્તિના આલંબન તરીકે પોતાના નગરના તેમ જ પોતાના વાતાવરણનો સહજ અનુબંધીય ઉલ્લેખ, નૂતન પ્રતીક-કલ્પન વિનિયોગ, લાંબી ટૂંકી બહરોનું વૈવિધ્ય તેમ જ રદીફ-કાફિયાના અપૂર્વ સુમેળ થકી અનવદ્ય સર્વાંગસંપૂર્ણ ગઝલશિલ્પ સાંપડ્યાં છે. ગઝલપારંગત કવિએ ગીતમાં અપૂર્વ કૌશલ દાખવ્યું છે : ‘પોઢ્યો હું કંપ’, ‘શમણાંનું પગલું’, ‘ડહોળાતાં નીર’, ‘મારી આંખમાં’, ‘સારસના ટહુકા’, ‘આજ હવે’, ‘પળની છાયા’, ‘ક્ષણની ક્યારી’, ‘લીલપની નદિયું’, ‘લજ્જાની મંજરીઓ’, ‘તળિયાનું મૌન’, ‘શમણાંને તીર વસ્યું ગામ’ આદિ કવિનાં સુંદર સફળ ગીતો છે. આપણે ત્યાં કવિ કાન્તે મરાઠીમાંથી આણેલા અંજની ગીતને આ કવિએ પુનર્જીવિત કર્યું છે. ઉપરાંત, ‘જંગલ’, ‘તળાવ’, ‘હું ટેકરીઓ, ભીંત અને લીમડો’, ‘તારા શહેરમાં’ જેવાં અછાંદસ, ‘શાહમૃગો’ અને ‘માધાવાવ’ નોંધપાત્ર દીર્ઘકાવ્યો છે.
તેમને કવિતા માટે આઇ.એન.ટી., મુંબઈ દ્વારા 1999માં કલાપી ઍવૉર્ડ અને 2002માં ધનજી કાનજી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે.
(તસવીર સૌજન્ય: સંજય વૈદ્ય)