Manohar Trivedi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મનોહર ત્રિવેદી

ગુજરાતી કવિ, નવલકથા–વાર્તાકાર, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક

  • favroite
  • share

મનોહર ત્રિવેદીનો પરિચય

મનોહર ત્રિવેદીનો જન્મ અમરેલી જિલ્લાના હીરાણામાં રતિલાલભાઈ અને માનકુંવરબાને ત્યાં થયો. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું નાનું એવું ગામ સુરનિવાસ તેમનું વતન. પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચશિક્ષણ ગામડાંની વિવિધ સંસ્થાઓમાં જ થયું. 1963માં લોકભારતી, સણોસરા, ભાવનગર જિલ્લામાંથી સ્નાતક. માંગરોળથી તાલીમી સ્નાતક (ડી.એડ્) થયા પછી સાવરકુંડલામાં મહિલા અધ્યાપન મંદિરમાં અધ્યાપક તરીકે જોડાયા. 1965થી 1968 સુધી રાજકોટ પાસે કસ્તૂરબા આશ્રમ સંચાલિત વિનયમંદિર, ત્રંબામાં અને 1970થી આર.જે.એચ. હાઈસ્કૂલ, ઢસામાં શિક્ષક તરીકે સુદીર્ઘ સેવા આપીને ઈ.સ. 2000ની સાલમાં નિવૃત્ત થયા. આ દરમ્યાન ગુજરાતી વિષય સાથે 1976-77માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટથી અનુસ્નાતક અભ્યાસ પણ કર્યો.

માતા-પિતા પાસેથી સાંભળેલાં ભજન-કીર્તન, વાર્તાઓ-કથાઓ તેમ જ લીકગીતોનો લયસંસ્કાર, વ્રતો-ઉત્સવો, પૌરાણિક કથાઓ, વગેરેથી ઘરનું આભામંડિત પરિસર, સાવરકુંડલાના ખડસલી લોકશાળામાં લોકભારતી–ભાવનગરનું પ્રેરણાત્મક વાતાવરણ, ઉત્તમ શિક્ષકોનું સાન્નિધ્ય, વિશાળ વાચન—એમ વિધવિધ સંસ્કારોથી મનોહર ત્રિવેદીની સર્જકતા ઘડાતી રહી.

મનોહર ત્રિવેદીના સર્જનમાં પછી તે કવિતા હોય, વાર્તા હોય કે પછી નિબંધ તેમાં ગ્રામજીવન અભિન્ન અંગ બનીને આવે છે. એ વિશે મણિલાલ હ. પટેલ મનોહર ત્રિવેદીને ગ્રામચેતનાના સર્જક ગણાવતા નોંધે છે : “આ માણસનાં બધાં લેખન-સર્જનની ગળથૂથીમાં તળચેતના છે—ગ્રામચેતના છે. ગીતકવિતામાં પણ આ સર્જક કવિ ગ્રામપરિવેશને જીવતો કરી દૈને પછી તરત તળજીવનની ભાવચેતના, જનપદનાં મનેખનાં ઉઘાડાં મન અને એમની બોલી તથા એમનાં ગાણાં-રોણાં બધું સહજ રીતે સંયોજીને કાવ્યત્વ સિદ્ધ કરે છે.” મનોહર ત્રિવેદીએ કવિતા, વાર્તા, નિબંધ, લઘુનવલ, બાલકવિતાઓ અને બાલકથાઓ, વિવેચન તેમ જ સંપાદનની પ્રવૃત્તિથી આગવું પ્રદાન કર્યું છે :

‘મોંસૂઝણું’ (1967), ‘તને સોનાના દેશ ઘણી ખમ્મા' (1971), ‘ફૂલની નૌકા લઈને’ (1981), ‘મિતવા’ (1987), ‘છુટ્ટી મૂકી વીજ’ (1998), ‘આપોઆપ’ (2009), ‘વેળા’ (2012) જેવા કાવ્યસંગ્રહ. ‘ગજવામાં ગામ’ (1998, પહેલાં આ વાર્તાઓ ‘આરામ’, ‘ચાંદની’, ‘નવનીત સમર્પણ’, ‘સંદેશ’, ‘જનસત્તા’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’ જેવાં સામયિકોમાં પ્રગટ થઈ ચૂકી હતી, 1998 પછી 2010માં આ વાર્તાઓની બીજી આવૃત્તિ પણ થઈ છે) ઓગણીસ વાર્તાઓના આ સંગ્રહની દરેક વાર્તા ગામડાનાં જનજીવન, ગ્રામસંસ્કૃતિ, ગ્રામપરિવેશ સાથે સંકળાઈને જનપદના માણસની સંવેદનપટુતાને તથા તેમના પ્રશ્નો અને આંતરિક વિસંગતિઓનું સૂક્ષ્મનિરૂપણ કરતી આવે છે. મનોહર ત્રિવેદીની આ વાર્તાઓમાં ગામ સજીવ અંગ બનીને પ્રગટ થયું છે. ગોહિલવાડી બોલીનો બળૂકો પ્રયોગ, વાર્તા માટે ઉચિત વાતાવરણ પ્રબંધન, વાર્તાકથનની કુશળતા, સંવેદનને ઘૂંટીને પીરસવાની કલા, વાર્તામાં આવતાં ગ્રામતત્ત્વો સાથેની સજીવ એકતા ગ્રામચેતનાની આ વાર્તાઓને સહેજે સુંદર બનાવી દે છે. ‘નાતો’ (2010) એમનો એવો બીજો વાર્તાસંગ્રહ છે. ‘ઘરવખરી’ (1998), ‘તેઓ’ (2014) નામે બે નિબંધસંગ્રહ, નવલકથા : ‘નથી’ (જનક ત્રિવેદી સાથે, 1987), બાળસાહિત્ય : ‘કાચનો કૂપો, તેલની ધા2’ (1988), ‘ટિલ્લી’ (1988), ‘આ લે… લે…’ (2003), વિવેચન : ‘સાહિત્યસર્જન’ (મોહન દાંડીકર, રતિલાલ નાયક સાથે, 1967-70). ‘આજ ફરી પાછા મો2લા બોલે’ (2002, સદ્. કવિ કનુ અંધારિયાનાં કાવ્યો), ‘ખોલ, સખીરી, બારી ખોલ’ (2012, કિસન સોસાનાં ગીતો), ‘કવિતાચયન 2012’ (2014) મહત્ત્વનાં સંપાદન છે. તેમની ‘કાચનો કૂપો, તેલની ધાર’ બાળસાહિત્યકૃતિને 1988માં, ‘ઘરવખરી’ નિબંધસંગ્રહને 1998માં, ‘આ લે… લે…’ બાળકાવ્યસંગ્રહને 2003માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક, ‘છુટ્ટી મૂકી વીજ’ કવિતાસંગ્રહને 1998માં ગુજરાત સાહિત્ય અકાદમી તેમ જ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તથા ‘ટિલ્લી’ બાળસાહિત્યકૃતિને 1988માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એનીબેન સરૈયા પારિતોષિક આપી સન્માનિત કર્યા છે. તેમના પુસ્તક ‘વેળા’ને 2012-13માં ગુજરાત સાહિત્ય પરિષદનો ભાનુપ્રસાદ પંડ્યા (ગીતસંગ્રહ) પુરસ્કાર મળ્યો, 2015ના વર્ષનો નરસિંહ મહેતા ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.