Manisha Joshi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મનીષા જોષી

જાણીતાં કવિ અને પત્રકાર

  • favroite
  • share

મનીષા જોષીનો પરિચય

મનીષા જોષીનો જન્મ 6 એપ્રિલ, 1971ના રોજ કચ્છ જિલ્લાના માંડવી નજીકના એક નાનકડા ગામ ગોધરામાં તારા જોષી અને લક્ષ્મીકાંત જોષીને ત્યાં થયો હતો. ગામમાં ધોરણ નવ પછીનું શિક્ષણ ન હોવાથી, આગળના અભ્યાસ અર્થે વડોદરા આવ્યા. 1989માં ધોરણ 12નો અભ્યાસ અંજાર ખાતે પૂર્ણ કર્યો. તેમણે 1992 અને 1995માં અનુક્રમે મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો. 1993માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ ખાતે ડિપ્લોમા ઇન માસ કમ્યુનિકેશનની પદવી મેળવી. તેમણે યુનિવર્સિટી અભ્યાસ દરમિયાન કૉલેજ અધ્યાપકો લિખિત પુસ્તકો જેમ કે, સિતાંશુ યશશ્ચંદ્ર, ગણેશ દેવી, બાબુ સુથાર આદિનાં પુસ્તકોનું વાંચન ઉપરાંત નીતિન મહેતા, જયદેવ શુક્લ, અને લાભશંકર ઠાકર, પ્રબોધ પરીખ, ગુલામ મોહમ્મદ શેખ, અને અન્ય ગુજરાતી લેખકોના પરિચયમાં આવ્યાં.

તેમણે મુંબઈ અને લંડનમાં પ્રિન્ટ અને ટેલિવિઝન પત્રકાર તરીકે કામ કર્યું છે. લગ્ન બાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા. હાલમાં તે બર્કલે, કેલિફોર્નિયામાં રહે છે.

મનીષા જોષીએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પરીક્ષાઓ પછી અઢાર વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. તેમણે કૉલેજનાં વર્ષો દરમિયાન વિશ્વ સાહિત્ય, ખાસ કરીને આધુનિક સાહિત્ય વાંચ્યું. ત્યાર બાદ તેમની કવિતાઓ ‘ધ વૉલ્ફ’, ‘ઇન્ડિયન લિટરેચર’ ‘ન્યૂ ક્વેસ્ટ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘નવનીત-સમર્પણ’, ‘કવિતા’, ‘તથાપિ’, ‘સાહચર્ય’ વાર્ષિકી, ‘એતદ્’, ‘સમીપે’, ‘વહી’, અને ‘સંધિ’ સહિત અનેક અંગ્રેજી અને ગુજરાતી ભાષાનાં સામયિકોમાં પ્રકાશિત થઈ.

મનીષા આપણી ભાષાનાં એક એવાં ઉત્તમ કવિ છે, જે કેવળ અછાંદસ કવિતાઓ લખે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 1996માં પ્રકાશિત, ચન્દ્રકાન્ત ટોપીવાળાની પ્રસ્તાવના પામેલ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કંદરા’ જે સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રબોધ પરીખ, અને ચિનુ મોદી આદિ દ્વારા વિવેચનાત્મક પ્રશંસા પામ્યો છે. તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘કંસારા બજાર’ 2001માં, ‘કંદમૂળ’ નામે ત્રીજો કાવ્યસંગ્રહ 2013માં પ્રકાશિત થયો. તેમની કવિતાઓ હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદિત થઈ છે. તેમની કવિતા સૂચક અને અતિવાસ્તવ છવિ દ્વારા વર્ગીકૃત થયેલી છે. 2020માં તેમનો ચોથો સંગ્રહ ‘થાક’ પ્રકાશિત થયો. ‘થાક’ સંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે : “મને લાગે છે કે મારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘કંદરા’ની કવિતાઓમાં મુગ્ધતા અને સમષ્ટિની ભયાવહતા છે, તો દ્વિતીય સંગ્રહ ‘કંસારા બજાર’ની કવિતાઓમાં વાસ્તવિકતા અને સ્વીકાર્ય સ્તરની પાછળ રહેલી પ્રતીકાત્મકતા છે. તૃતીય સંગ્રહ ‘કંદમૂળ’માં પોતાના મૂળ અને આત્મીય સુધી પહોંચવાની મથામણ છે. હવે ‘થાક’ સંગહમાં સ્મૃતિ અને કલ્પના વચ્ચે ચાલતા દ્વંદ્વની લાગણી મુખ્ય છે.”

તેમના કાવ્યસંગ્રહ ‘કંદમૂળ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2013નું પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું. આ ઉપરાંત, આધુનિક ગુજરાતી કવિતામાં તેમના યોગદાન માટે 1998માં સંસ્કૃતિ પ્રતિષ્ઠાન દ્વારા તેમને સંસ્કૃતિ ઍવૉર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં.