મણિલાલ દેસાઈનો જન્મ વલસાડ પાસેના ગોરગામમાં પિતા ભગવાનજીભાઈ અને માતા ગજરાબહેનને ત્યાં થયો. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં. અભ્યાસમાં તેજસ્વી હોવાથી મોટા ભાઈ ઠાકોરભાઈ એમને ભણવા મુંબઈ લઈ ગયા. ઘાટકોપરની વા.ચ. ગુરુકુલ શાળામાંથી 1957માં તેઓ મેટ્રિક થયા, ઘાટકોપરની સોમૈયા કૉલેજની વિનયન વિદ્યાશાખામાંથી 1960માં સ્નાતક અને 1962માં અનુસ્નાતક. મણિલાલ ત્યાંની ઝૂનઝૂનવાલા કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક પણ બન્યા. સ્વભાવે નિખાલસ, ઉમળકાવાળા ને તોફાની મણિલાલ દેસાઈને ચિત્રકળામાં ઊંડો રસ. સત્તર વર્ષની ઉંમરથી એમનું કાવ્યસર્જન આરંભાયું.
પ્રથમ કાવ્યસંગ્રહ ‘રાનેરી’ એમના મૃત્યુ પછી જયંત પારેખે સંપાદિત કરી 1968માં પ્રગટ કર્યો. મણિલાલે ‘ચીંગો’ નામની નવલકથા આરંભી હતી, જે તેમના અચાનક નિધનને કારણે અધૂરી રહી. ‘રાનેરી’નાં એકસો આઠ કાવ્યો 1960થી 1966 દરમિયાન એટલે કે માત્ર છ વર્ષના ગાળામાં જ રચાયાં છે. મણિલાલે છાંદસ–અછાંદસ, ગદ્યકાવ્ય, ગઝલ, અને ગીત જેવાં કાવ્યરૂપોમાં પ્રદાન કર્યું છે.
ગુજરાતી સાહિત્યમાં છઠ્ઠા-સાતમા દાયકામાં જ્યારે આધુનિકતાનું આંદોલન ખાસ્સું પ્રભાવક હતું, ત્યારે મણિલાલે પોતાની સંવેદનાને સવિશેષે ગીતસ્વરૂપમાં વહેતી કરી છે. એમનાં કેટલાંક ગીતોમાં, કેટલીક છાંદસ ને અછાંદસ રચનાઓમાં અદ્યતન અભિવ્યક્તિનો પાસ બેઠો છે એ સાચું, પરંતુ તે મુખ્યત્વે તો જરા નોખા વળોટનો રંગદર્શી કવિ છે. મણિલાલની કવિતાને ઓછા શબ્દોમાં ઓળખાવવી હોય તો કહી શકાય કે તે વિપ્રલંભ શૃંગારનો અને પ્રકૃતિનો, એમાંય મુખ્યત્વે તો અંધારાનો કવિ છે.
ગીતોની સરખામણીએ મણિલાલ દેસાઈની ઓછી છાંદસ રચનાઓમાં સર્જકોન્મેષ જોઈ શકાય છે. કવિને શિખરિણી છંદ વધુ ફાવ્યો છે. ‘પૂજ્ય નાનાને’, ‘બાને’, ‘રાત’—આ ત્રણ સૉનેટ અને તેર પંક્તિની રચના ‘તમે નો’તા ત્યારે’માં તથા અન્યત્ર કવિએ શિખરિણીને પ્રવાહી બનાવી ચલાવ્યો છે. ચિનુ મોદીએ યોગ્ય રીતે નોંધ્યું છે કે, ગઝલના બંધારણ સાથે પણ મણિલાલ અનુસંધાન કેળવી શક્યા નથી તો અછાંદસ રચનાઓમાં મણિલાલ ખાસ સફળ થયા નથી. ‘અમદાવાદ’, ’26 ફેબ્રુઆરી 1966નો પ્રશ્ન’, ‘મૌન : શબ્દ’ અને અન્ય ગદ્યરચનાઓ આજે પ્રભાવક નથી લાગતી.
1960ની આસપાસથી એમનું કાવ્યલેખન આરંભાયેલું, કવિતામાં પોતાની આગવી મુદ્રા ઉપસાવી શકે એવું સર્જન થવાની આશા બંધાઈ એ જ વખતે માત્ર 27 વર્ષની વયે ટૂંકી માંદગીમાં અવસાન પામ્યા.