કવિ અને સંપાદક, આધુનિક ગઝલના પુરસ્કર્તાઓમાંના એક
કવિ અને સંપાદક. ગઝલકાર તરીકે તેઓ પ્રમાણમાં વધુ પ્રસિદ્ધ છે. મનહર મોદીનો જન્મ 15 એપ્રિલ 1937ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે શાળાશિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. 1962માં તેમણે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. તથા 1964માં ગુજરાતી અને સંસ્કૃતમાં બી.એ. કર્યા બાદ 1966માં એ જ વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યું હતું.
વિદ્યાર્થીજીવન દરમિયાન તેમણે અનેક વ્યવસાયો અજમાવ્યા. ટેક્સ્ટાઇલ્સ સેલ્સમૅન, પશ્ચિમ રેલવેમાં ક્લાર્ક, ડાકોરની ભવન્સ કૉલેજમાં વ્યાખ્યાતા, વગેરે જેવાં કામો તેમણે કર્યાં. તે પછીથી તેઓ ભક્ત વલ્લભ ધોળા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા.
આઠ વર્ષ સુધી તેઓ ‘નિરીક્ષક’ સામયિકના તંત્રી રહ્યા. તેઓ ‘ઉદ્ગાર’ સામયિકના પણ સંપાદક હતા, જે આર.આર. શેઠ કંપનીનું સામયિક હતું. તેમણે રન્નાદે પ્રકાશનની સ્થાપના કરી અને ‘ઓળખ’ સામયિકની શરૂઆત કરી, અને 16 વર્ષ સુધી તેના તંત્રી રહ્યા. તેઓ કેટલાંક વર્ષ માટે ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ રહ્યા અને તેના વાર્ષિક મુખપત્ર ‘અધીત’નું સંપાદન સંભાળ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ માસિકનું સંપાદન તેમણે થોડો સમય કર્યું હતું. તેઓ અસાઈત સાહિત્ય સભાના પ્રમુખ અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ રહ્યા હતા.
કવિતામાં તેઓ અત્યંત પ્રયોગશીલતાને કારણે જાણીતા હતા. તેમના શરૂઆતી દિવસોથી તેઓ ગુજરાતી સાહિત્યની આધુનિક સાહિત્યિક ચળવળ, રે મઠ સાથે સંકળાયેલા હતા. ‘આકૃતિ’ (1963) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો અને ત્યાર પછી ‘ઓમ તત્ સત્’ (1967) પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે પ્રયોગાત્મક કવિતાને અનર્થતાની ચરમ સીમા સુધી લઈ ગયા હતા. ‘11 દરિયા’ (1986) તેમની ગઝલોનું સંકલન છે. ‘મનહર અને મોદી’ તેમનો બીજો ગઝલસંગ્રહ છે. તેમના અન્ય કાવ્યસંગ્રહો ‘હસુમતી અને બીજા’ (1987), ‘એક વધારાની ક્ષણ’ (1993) છે.
તેમણે રે મઠના અન્ય કવિઓ સાથે ‘ગઝલ ઉસને છેડી’ (1974)નું સંપાદન કર્યું હતું. ‘ગાઈ તે ગઝલ’ (1976)માં તેમણે ચિનુ મોદી અને આદિલ મન્સૂરી સાથે સહસંપાદન કર્યું હતું. ‘સુરેશ જોશી : મૂલ્યાંકન, ગદ્યનું કલાસ્વરૂપ’, ‘અધીત’, ‘વિવેચનના વિવિધ અભિગમો’, અને ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતિકોશ’ (1988) એમનાં સહસંપાદનો છે.
‘11 દરિયા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિકો મળ્યાં હતાં. 2002માંકલાપી પુરસ્કાર મળ્યો હતો. 1998માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.