Manhar Jani Profile & Biography | RekhtaGujarati

મનહર જાની

અનુઆધુનિકયુગના ગીતકવિ

  • favroite
  • share

મનહર જાનીનો પરિચય

ગુજરાતી સાહિત્યભૂમિને રળિયાત કરવામાં સ્વાયત્ત કલમે પદાર્પણ કરતા રહેતા ઉદ્યમશીલ સામ્પ્રત સર્જકો પૈકીના એક મનહર કાનજીભાઈ જાની. તેમનો જન્મ 9 માર્ચ, 1950ના કાનજીભાઈ જાનીને ત્યાં થયો. તેમનું વતન સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું બોરડી ગામ છે. જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં તેમણે મેટ્રિક અને પી.ટી.સી.નો અભ્યાસ પરિપૂર્ણ કર્યો. હાડે શિક્ષક જીવ. વર્ષ 1972થી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે એકાધિક શાળામાં સેવા આપી નિવૃત્ત થયા.

અભ્યાસકાળ દરમિયાન કાવ્યપ્રવૃત્તિમાં પ્રબળ રુચિ દાખવનાર આ સર્જકે કરસનદાસ લુહાર સાથે સમકાલીન પ્રગટ થયેલાં લઘુ સમયિકો પૈકીનું ‘મર્મર’ સામયિક મહુવાથી પ્રગટ કરેલું.

મુખ્યત્વે ગીત સ્વરૂપમાં પોતાનું ગજું કાઢનાર આ સર્જકનો વર્ષ 2001માં ‘સામ્બેલું ચંદણ સાગનું’ નામે સંગ્રહ જે લાભશંકર પુરોહિત જેવા પાંડિત્યસભર રસિક, રસાર્દ્ર વિદ્વજ્જન, વિરલ અભ્યાસીની પ્રસ્તાવના સાથે અપૂર્વ ઘાટ પામ્યો. આ સંગ્રહમાંની રચનાઓની ચતુર્જૂથ તજવીજ, ભાવ-ભાષાની પારદર્શિતા–સૌષ્ઠવતા–સચોટતા અને સફાઈ, લોકજીભની સરાણે ઘસાઈને ધાર પામેલા તળપદ શબ્દોનો બળકટ ઉચિત વિનિયોગ, નારીભાવનાનાં મૃદુ સંવેદનો, ભાવોત્કટતા, અને એની મંજુલ છટાનું મૂર્તિમંત શિલ્પ, ગીતસ્વરૂપને અનુકૂળ લયગૂંથણી, પાત્રોચિત ભાવલાલિમા નિજ વૈભવ પ્રગટાવે છે.

આ સંગ્રહની ચતુર્જૂથ રચનામાં, પ્રથમ જૂથમાં નારીસહજ ભાવોની સૃષ્ટિ, બીજા જૂથમાં સંતપ્ત નાયકની વિષાદોક્તિ, ત્રીજા જૂથમાં રાધાકૃષ્ણના પ્રેમનિરૂપણથી દીપતો શૃંગારશગ, ચોથા જૂથમાં પ્રકૃતિના અંકમાં પાંગરતી વિધવિધ ઋતુ અને પહોરનાં તાદૃશ શબ્દચિત્રો અને સાથે અતીતનું ઓજ આ સંગ્રહનાં ગીતોમાં પ્રગટ્યું છે.

કાવ્યસર્જન ઉપરાંત બાળસાહિત્યમાં રસ છે. કિંચિત્ પુસ્તક પરિચય, કાવ્યાસ્વાદ તેમ જ અનુવાદ ક્ષેત્રે સતત અર્પણ કરતા રહે છે.