સમય ઈ. સ. ૧૫મી-૧૬મી સદી. તેમનો જન્મ ઈ. સ. ૧૪૬૮માં બીરપુર (જિ. ખેડા) મુકામે કાજી હમીદ ઉર્ફે શાહ ચાલંદાને ત્યાં. પિતા હઝરત શાહઆલમના શિષ્ય હતા. કાજી મહમૂદ પીરે આધ્યાત્મિક શિક્ષા-દીક્ષા તેમના પિતા શાહ ચાલંદા પાસેથી પ્રાપ્ત કરી હતી. યુવાનીનો સમય અમદાવાદમાં પસાર કર્યો, ઉત્તરાવસ્થામાં બીરપુર આવી વસ્યા હતા. તેમણે ગૂજરી ભાષા અને ગુજરાતીમાં ઝિકરીઓ અને ભજનોની રચના કરી છે. તેમની ઘણી બધી રચનાઓમાં તેમના ગુરુ પિતાનો ઉલ્લેખ શાહ ચાલંદા અને મોહમ્મદ શાહ તરીકે થયેલો છે. પાછોતર કાળે મૌખિક પરંપરામાં કાજી મહેમૂદ નામ કાજી મામદ શાહમાં ફેરવાયું હોય. તેમની રચનાઓમાં ભક્તિ-વિરહની ઉચ્ચ દશા તેમજ આધ્યાત્મિક બોધ સુપેરે વ્યક્ત થયેલાં છે.