મલયાનિલનો પરિચય
‘મલયાનિલ’ ઉપનામધારી કંચનલાલ વાસુદેવ મહેતાનો જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં વાસુદેવ મહેતાને ત્યાં થયો હતો. અમદાવાદમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, 1908માં મેટ્રિક, 1912માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, અમદાવાદમાં દીવાસળીના કારખાનામાં નોકરી, 1913 અને 1916માં બે એલએલ.બી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. અમદાવાદમાં તેઓ જ્ઞાતિની ‘સુધારક સભા’માં સક્રિય રહ્યા. ઉપરાંત, સાહિત્ય સભા, ગોખલે સોસાયટી, તથા હોમરૂલ લીગ જેવી સંસ્થાઓમાં ભાગ લેવાની મહેચ્છા છતાં વધારે વ્યાપક પ્રવૃત્તિ થઈ શકે તે હેતુથી અમદાવાદ છોડ્યું અને 1916 પછી મુંબઈમાં ભાઈશંકર કાંગા નામે સોલિસિટરની પેઢીમાં નોકરી લીધી અને વકીલાત પણ આરંભી. 24 જૂન 1919ના રોજ સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું.
તેમની સર્જનપ્રવૃત્તિનો પ્રારંભ તત્કાલીન સામયિકો ‘સુંદરીસુબોધ’, ‘વાર્તાવારિધિ’, અને ‘ભક્ત’ આદિ સામયિકોમાં ‘ગોળમટોળ શર્મા’ના તખલ્લુસથી પ્રગટેલી કવિતા અને હાસ્યરસપ્રધાન વાર્તાઓ થકી થયો. 1913થી તેમણે ‘મલયાનિલ’ના તખલ્લુસથી અંગ્રેજી સાહિત્યના પ્રભાવે વાર્તાઓ લખવા માંડી. 1918માં ‘વીસમી સદી’ સામયિકના તંત્રી અલારખિયા હાજી મહમ્મદ શિવજીના પ્રોત્સાહનથી ગુજરાતીમાં સીમાચિહ્નરૂપ બનેલી કલાત્મક ‘ગોવાલણી’ વાર્તા સર્જી, જે 1918માં ‘વીસમી સદી’માં પ્રગટ થઈ. પણ સામાન્ય રીતે મલયાનિલની આ વાર્તાથી ગુજરાતી સાહિત્યમાં કલાત્મક ટૂંકીવાર્તાનો આરંભ મનાય છે. આમ, આધુનિક ટૂંકીવાર્તાના પ્રણેતા મનાતા એવા તેમણે ‘ગોવાલણી અને બીજી વાતો’ સંગ્રહ આપ્યો, જે મૃત્યુ પછી 1935માં એમનાં પત્ની ડૉ. ભાનુમતી દ્વારા પ્રગટ થયો. તેમણે અઢીસો જેટલાં કાવ્યો, હાસ્યરસપ્રધાન અને હળવાં કાવ્યો ઉપરાંત લેખો પણ રચ્યા છે.