જાણીતા ગુજરાતી ગીતકવિ અને નવલકથાકાર
તેઓ જાણીતા ગુજરાતી ગીતકવિ અને નવલકથાકારછે.
તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો. અમદાવાદમાં જ પ્રાથમિક શિક્ષણ પછી, 1973માં તેમણે અમદાવાદની સી.એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટ્સમાંથી કૉમર્શિયલ આર્ટ વિષયમાં ડિપ્લોમા કર્યું હતું. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 1969માં ‘અખંડ આનંદ’ સામયિકના તંત્રીવિભાગમાં, 1969થી 1970 દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન–માસિકપત્રિકાના સંપાદન વિભાગમાં અને 1970થી 1973 દરમિયાન આર.આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી બજાવી. 1973થી તેઓ સી.એન. ફાઇન આર્ટ્સ કૉલેજના ઍપ્લાઇડ આર્ટ વિભાગમાં અધ્યાપક હતા અને ત્યાંથી જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા.
તેઓ ગાંધર્વ સંગીત વિદ્યાલય ટ્રસ્ટ, અમદાવાદ અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપદે રહ્યા હતા. તેઓ દૂરદર્શન, અમદાવાદના સલાહકાર હતા. અમદાવાદના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ ઍન્ડ રિસર્ચ સેન્ટરના માનવ સંશાધન વિભાગના અધ્યક્ષપદે તેમણે કાર્ય કર્યું હતું. તેમણે ત્યાં કિડનીસંબંધિત રોગોની જાગૃતિ માટે 'કિડની થિયેટર'ની સ્થાપના કરી હતી.
તેમની પાસેથી આપણને પ્રથમ કાવ્યસંગ્રહ ‘તમે’ (1972) મળે છે. તેમાંનાં ગ્રામીણ–તળપદા ભાવોનાં ગીતો અને તેમનો રમણીય ઢાળ ઉલ્લેખનીય છે. તે પછી તેમની પાસેથી આપણને ‘અક્ષરનું એકાંત’ (1997) અને ‘અનહદનું એકાંત’ (2013) કાવ્યસંગ્રહો મળે છે. ‘પિંજરની આરપાર’ (1990) અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના સ્થાપક રુબિન ડેવિડના જીવન પર આધારિતનવલકથા છે. ‘સૂર્યપુરુષ’ (1997, 1999) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવન આધારિત નવલકથા છે.
તેમણે ‘પીઠી પીળી ને રંગ રાતો’ (1974) અને ‘દેરાણી જેઠાણી’ (1999) ગુજરાતી ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં, જેને રાજ્ય સરકારના પુરસ્કારો મળ્યા હતા. વિનોદિની નીલકંઠની વાર્તા પરથી બનેલી અને ખૂબ જાણીતી થયેલી ફિલ્મ ‘કાશીનો દીકરો’માં પણ તેમના દ્વારા લખેલું એક ગીત ફિલ્માવાયેલું છે.
‘રાગ-વૈરાગ’ (2000) અને ‘અક્ષરનું અમૃત’ તેમના દ્વારા લિખિત નાટકો છે.
2012માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર અને 2016માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.