સમય ઈ. સ. ૧૯મી સદી. પરબના સંત જીવણદાસજીના સમકાલીન. તેમના દ્વારા તે સંત દેવીદાસજીનાં શિષ્યા બન્યાં હતા. તેમનો જન્મ મોઢવાડા (તા. પોરબંદર) ગામે મેર પરિવારમાં લુણા મોઢવડિયા અને લાખીબાઈને ત્યાં થયો હતો. નજીકના જ કેશવ ગામે કેશવાળા મેર વજસી સાથે પરણાવેલાં. ક્રૂર અને શિકારી સ્વભાવના પતિએ ત્રાસ આપતાં તે મોઢવાડા ગામે રહેતાં. પરબના સંત જીવણદાસજી અને તેમનાં પત્ની સોનબાઈમાને આગ્રહ કરીને મોઢવાડા ગામે રોકી રાખી જગ્યા બાંધી આપેલી. તેમના સત્સંગે સંત દેવીદાસનો પરિચય થયો અને મહાપંથી દીક્ષા સ્વીકારી. ત્રણ સંતાન: પુંજો, પોતો અને પુતીબાઈ. જગ્યાઓ: કેશવ, મોઢવાડા, ગોસા, કંડોરણા. કોઠડી અને સીસલી ગામોમાં. ઈ.સ. ૧૮૭૬ વિ. સં.૧૯૩૨માં મહાસુદ બીજને દિવસે કંડોરણા ગામે લીરબાઈ માતાએ જીવતાં સમાધિ લીધી હતી. એ પછી એ ઈ.સ. ૧૮૭૮માં તેમના પુત્ર પુંજા ભગતે પણ માતાની સમાધના પગથિયા નીચે સમાધિ લીધી. ‘લીરબાઈમાતાનો પંથ' તરીકે ઓળખાતાં તેમના અનુયાયીઓના સંપ્રદાયમાં ઝીણાં સફેદ મોતીની માળા પહે૨વામાં આવે છે, નાત-જાતના ભેદભાવ વિના મહાધર્મ-નિજિયા પંથના સાધના સિદ્ધાંતોને અનુસરતા ભક્તજનો દર અષાઢી બીજનો મહોત્સવ ઊજવે છે. લીરબાઈએ મહાપંથી ઉપદેશપ્રધાન ભજનોની રચના કરી છે.