Lalji Kanpariya Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાલજી કાનપરિયા

કવિ

  • favroite
  • share

લાલજી કાનપરિયાનો પરિચય

લાલજી કાનપરિયાનો જન્મ અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામમાં થયો હતો. મોહનલાલ અને જમનાબહેનના આ પુત્રે ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ. એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ અધ્યાપક બન્યા. હાલ તેઓ નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે.

લાલજી કાનપરિયાએ 'ઝલમલ ટાણું' (1994), 'નવા ચંદ્રની કૂંપળ' (1999), ‘શમણાનાં ચિતરામણ' (2005), 'હરિના હસ્તાક્ષર' (2006) અને 'સૂર્ય- ચંદ્રની સાખે' (2007) નામના કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમની કવિતાઓમાં પ્રેમ, કુદરત અને આધ્યાત્મિકતાને લગતી કવિતાઓ વિશેષ છે. તેમની કવિતાઓમાં ગ્રામ્યસંસ્કૃતિનું પ્રતિબિંબ વિશેષ ઝિલાયું છે. તેમણે મુખ્યત્વે ગીત, ગઝલ, સૉનેટ, અછાંદસ, હાઈકુ વગેરે કાવ્યસ્વરૂપોમાં સર્જન કર્યું છે. ગીત તેમનું પ્રિય સર્જન સ્વરૂપ છે. તેમણે ખેતીવિષયક અનેક કવિતાઓ રચી છે.

તેમનો 'હરિના હસ્તાક્ષર' નામનો કાવ્યસંગ્રહ અધ્યાત્મના રંગે રંગાયેલો છે. ગીતોમાં સુખની ક્ષણભંગુરતા, જીવનદર્શન, ચિંતન, મનોમંથન, ઈશ્વરને પામવાની તાલાવેલી, ઈશ્વર પ્રત્યેની દૃઢ શ્રદ્ધા જેવા વિષયોનું પ્રાધાન્ય છે. અહીં લોકગીત-લોકઢાળમાં રચાયેલી કવિતા વિશેષ આસ્વાદ્ય બની છે. કુદરતના વિવિધ રંગોનું તેમણે પોતાની કવિતાઓમાં સુંદર આલેખન કર્યું છે. તેમનાં કાવ્યો 'અઢી અક્ષરનું ઉખાણું', 'કીડીબાઈનું શ્રદ્ધાગીત', 'અજવાળું રમે, 'જીવણ જુઠ્ઠા', 'એક સવારે', 'તૂટેલો દોર', 'ચાલો આપણે ઘેર', 'ખોરડું ચૂવે છે', 'સીમ કરે સાદ', 'હંસાજી', 'આડા-ઊભા સરવાળા', 'માઢમેડી', 'સગપણ જૂનાં', 'ચૂંદડી' વગેરે કાવ્યરસિકોને ખૂબ પસંદ પડ્યાં છે.