તેમનો જન્મ 30 જૂન, 1877ના દિવસે જૂનાગઢ વડનગરા નાગર કુટુંબમાં મહાશંકર અને સાર્થક ગૌરીને ઘેર થયો હતો. પ્રથમ પત્ની લલિતા પ્રત્યેના ઉત્કટ પ્રેમને કારણે તેમણે ‘લલિત’ ઉપનામ સ્વીકાર્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ જૂનાગઢ અને રાજકોટમાં મેળવ્યું. ઈ.સ. 1903માં તેઓ એસ.ટી.સી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ઉપરાંત, સંસ્કૃત, અંગ્રેજી, વ્રજ અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ પણ કર્યો. વ્યાવસાયિક જીવનની કારકિર્દી આરંભતાં તેમણે લાઠી રજવાડાના રાજપરિવારના શિક્ષક તરીકે કાર્ય કર્યું. જ્યાં લગભગ દસ વર્ષ કાર્ય કર્યા બાદ તેઓ ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રોકાયા. ઈ.સ. 1908થી 1910 દરમ્યાન રાજકોટથી પ્રસિદ્ધ થતા વર્તમાનપત્ર ‘કાઠિયાવાડી ટાઇમ્સ’ના તંત્રી તેમ જ સાથે એજન્સીની સનદથી કોર્ટમાં ભાષાંતર કરવાનું કાર્ય પણ કરતા. 1913થી 1920 તરીકે તેમણે વડોદરામાં લોકોપદેશક તરીકે સેવા આપી. ઈ.સ. 1925થી લેડી નૉર્થકૉટ હિંદુ ઑર્ફનેજ, મુંબઈમાં તેમણે શિક્ષણકાર્ય કર્યું. ઈ.સ. 1921થી 1925 સુધી રાષ્ટ્રીય મહાવિદ્યાલય, મુંબઈમાં તેઓ ભાષાસાહિત્યના અધ્યાપક રહ્યા અને 1938માં નિવૃત્ત થયા.
તેમનાં નારીસંવેદના, દેશભક્તિ, દામ્પત્યજીવન, અને પ્રણય જેવા વિષયો પર આધારિત કાવ્યોના સંચય ‘લલિતનાં કાવ્યો’ (1912), ‘વડોદરાને વડલે’ (1914), ‘લલિતનાં બીજાં કાવ્યો’ (1934), વગેરે છે. તેમના સમગ્ર લેખનને તેમના મરણોપરાંત તેમનાં મોટા ભાગનાં કાવ્યો ‘લલિતનો લલકાર’ (1951) નામના ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.
'ઉત્તરરામચરિતમાનસ'ને સ્રોત તરીકે લઈ તેમણે ‘સીતા-વનવાસ’ (1903–04) નામે એક નાટક લખ્યું તેમ જ કાલિદાસરચિત ‘મેઘદૂત’નો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. કલાપીએ તેમના માટે ‘બાલકવિ’નું કાવ્ય લખ્યું છે.