Labhshankar Thakar Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાભશંકર ઠાકર

કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર

  • favroite
  • share

લાભશંકર ઠાકરનો પરિચય

જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા તાલુકાના સેડલા ગામે જાદવજી અને પ્રભાવતીબેનને ત્યાં થયો. વતન સૌરાષ્ટ્રનું પાટડી ગામ. પાટડીમાં 8 ધોરણ અને બાકીનો અભ્યાસ અમદાવાદના સારંગપુર ચકલામાં. જ્યાં મધુસૂદન પારેખનો શિક્ષક તરીકેનો લાભ મળ્યો. એસ.એસ.સી.નો અભ્યાસ જયહિન્દ હાઈસ્કૂલમાં કર્યો. ગુજરાત કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે 1957માં સ્નાતક, 1959માં અનુસ્નાતક. ઉમાશંકર જોશી, પ્રબોધ પંડિત જેવા તજ્‌જ્ઞોનો પ્રાધ્યાપક તરીકે લાભ મળ્યો. 1964માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવી. સાતેક વર્ષ અમદાવાદની વિવિધ કૉલેજમાં અધ્યાપક. ત્યાર બાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદિય ચિકિત્સક.

‘કલાપીના કેકારવ’થી આરંભી, ‘કુમાર’, ‘સંસ્કૃતિ’ જેવાં સામયિકો, નરસિંહ–મીરાં–દયારામ અને ખાસ તો પ્રેમાનંદથી આરંભી રવીન્દ્રનાથ ટાગોર–સુન્દરમ્–ઉમાશંકર, રાજેન્દ્ર–નિરંજન અને ખાસ કરીને હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રહ્લાદ પારેખ, બાળાશંકર તેમ જ સિતાંશુ, વાર્તા–નવલકથાકાર તરીકે પન્નાલાલ, ચૅહફ, નાટ્યકાર લેખે બૅકેટ–આયનેસ્કો, અને પિન્ટર હૅન્રી, ફિલ્મકાર રૂપે ભારતના સત્યજિત રાય, જાપાનના નાગીસા ઓશિમા, પૉલિશ દિગ્દર્શક ઝાનૂસી, અને જર્મન દિગ્દર્શક વાકર સ્કૉનડ્રોફ, વગેરે પ્રભાવક પરિબળો નીવડ્યાં.

આધુનિક સાહિત્ય 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં યુરોપથી શરૂ થયું. આ સાહિત્ય ચિત્ર રૂપે હતું. ભારતમાં સ્વતંત્રતા પછી આધુનિક સાહિત્યનો આરંભ થયો. એ સમયે ગુજરાતમાં આધુનિક સાહિત્ય માટેનાં મુખ્યત્વે બે મુખ્ય સેન્ટર હતાં, વડોદરા અને અમદાવાદ. જેમાં અમદાવાદમાં લાભશંકર ઠાકરે આધુનિક સાહિત્ય માટે શિલ્પી જેવી ભૂમિકા ભજવી છે. એ સિવાય પણ એ વખતના ઘણા સર્જકોએ આ કામ કયું છે. પરંતુ લાભશંકર ઠાકરનું યોગદાન ઘણુ મહત્ત્વનું છે.

પરંપરાવિરોધી પ્રવૃત્તિઓની સંસ્થા ‘રે-મઠ’ના પ્રણેતા અને ‘આકંઠ સાબરમતી’ નામની નાટ્યલેખકોની વર્કશૉપમાં સક્રિય રસ. ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ જેવાં સામયિકોનું પ્રકાશન.

આરંભમાં પરંપરાનું અનુસંધાન જાળવ્યા બાદ ગાંધીયુગ અને અનુગાંધીયુગના કવિતાપ્રવાહથી ઉફરા રહી પોતાનો અલાયદો ચીલો ચાતર્યો. એમનો આગવો મિજાજ, નિરાળી પ્રયોગાત્મક અર્વાચીન છટા ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ (1965), ‘માણસની વાત’ (1968), ‘કાલગ્રન્થિ’ (1989), ‘કલ્પાયન’ (1998), ‘કિચૂડ કિચૂડ’ (1999), ‘સમય સમય’ (2000), ‘હથિયાર વગરનો ઘા’ (2000), ‘ટેવ’ (2001), ‘છે’ (2002), ‘છે પ્રતીક્ષા’ (2002), ‘આઇ ડૉન્ટ નો સર’ (2002), ‘રમત?’ (2003), ‘મેં કમિટ કર્યું છે શું?’ (2004), ‘આપ’ (2004), ‘કથકનો ક’ (2005), ‘કૅમેરા ઑન છે’ (2009) નામક કાવ્યસંગ્રહોમાં પ્રગટે છે. એમની લઘરાજૂથની કવિતાઓ ખાસ ધ્યાન ખેંચે છે.

આધુનિક યુગમાં સવિશેષ પ્રયોગો થયા, એમાં નાટકક્ષેત્રે થયેલા પ્રયોગ એટલે એબ્સર્ડ. ગુજરાતી ભાષાનું પ્રથમ એબ્સર્ડ નાટક સુભાષ શાહની સાથે રચાયેલું બૅકેટના ‘વેઇટિંગ ફૉર ગોદો’ના સંસ્કારોવાળું ‘એક ઊંદર અને જદુનાથ’ નાટક (1964-65), જે ગુજરાતી ભાષાસાહિત્યનો નોંધનીય પ્રયોગ છે.

‘ઇનર લાઇફ’ (દિનેશ કોઠારી સાથે, 1965), ‘મળેલા જીવની સમીક્ષા’ (મનહર મોદી–ચિનુ મોદી સાથે, 1969) નામે વિવેચના. ‘સર્વમિત્ર’ (1986), ‘એક મિનિટ’ (1986) લેખસંગ્રહો તેમ જ ‘મારી બા’ (1989), ‘બાપા વિશે’ (1993) જેવાં ચરિત્ર પુસ્તક આપ્યાં.

હાસ્ય–રમૂજ–ટીખળભરી કથાકથનની પદ્ધતિ વિશુદ્ધ બાળકથાના સ્વરૂપને સમર્થક ‘મુંબઈની કીડી’, ‘કાગડા અંકલ મમરાવાળા’, ‘નદી કાંઠે ડરાઉં ડરાઉં’, ‘તડકાનો પાપડ’, ‘કાનખાઉ રાક્ષસ’ જેવી પાંચ પુસ્તિકા. દર્દ–દવા–દર્દીને સાંકળતાં ‘ઉપચારશતક’, ‘દિવેલ’, ‘ઓસડિયું’, ‘રોગ પરિચયમાળા’, અને અન્ય પ્રકાશનો ઉપયોગી છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે ‘સુદામાચરિત્ર’, ‘નળાખ્યાન’, અને ‘કુંવરબાઈનું મામેરું’ સંપાદિત કર્યાં છે ને પ્રલંબ પ્રસ્તાવનાલેખ લખી નિજી દૃષ્ટિનો આસ્વાદ કરાવ્યો છે.

1962માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. 1980માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, જે તેમણે અંગત કારણોસર સ્વીકાર કર્યો નહોતો પરંતુ, 1994માં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. 1991માં તેમને ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 2002માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો.