Kusumakar Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કુસુમાકર

ગુજરાતી ઊર્મિકવિ

  • favroite
  • share

કુસુમાકરનો પરિચય

  • મૂળ નામ - શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા
  • જન્મ -
    08 જાન્યુઆરી 1893
  • અવસાન -
    23 ઑગસ્ટ 1962

કુસુમાકરના ઉપનામથી જાણીતા શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા ઊર્મિકવિ છે. તેમને બાળપણથી જ પિતા છેલશંકર અને માતા મહાકુંવર પાસેથી તત્વજ્ઞાન અને ભક્તિના સંસ્કારો મળ્યા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ગોંડલ અને રાજકોટમાં લીધું. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ કરીને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી તત્વજ્ઞાનના વિષય સાથે બી.એ.ઓનર્સની ડિગ્રી 1914માં મેળવી.

ફ્રેન્ચ ભાષાના શિક્ષક તરીકે નવસારીની મદરેસા શાળામાં કામ કર્યા પછી નડિયાદની હાઈસ્કૂલમાં સરકારી નોકરીમાં જોડાયા. ગુજરાતભરની સરકારી શાળાઓમાં નોકરી કર્યા બાદ સુરતની ટ્રૅનિંગ કૉલેજના આચાર્યપદેથી 1948માં નિવૃત થયા. ત્યારબાદ અમદાવાદની કર્વે કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય અને માનસશાસ્ત્રના માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1951થી 23 ઑગસ્ટ, 1962માં અવસાન પામ્યા ત્યાં સુધીમાં અમદાવાદમાં રહીને સંખ્યાબંધ મૌલિક અને અનુવાદિત-રૂપાંતરિત ગ્રંથો તૈયાર કર્યા.

‘કુસુમાકર’ રોમૅન્ટિક કવિ છે. તેમણે લખેલું કાવ્ય ‘સ્વપ્ન વેચણહારી’ કવિ ન્હાનાલાલને ખૂબ પસંદ પડેલું અને તેની જાહેરમાં પ્રશંસા પણ કરી હતી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કુસુમાકરના કાવ્ય ‘મારાં દ્વાર’ને ધ્યાનમાં લઈને એક લેખ લખ્યો જેમાં તેમને ‘એક સાચા અને સારા કવિ’ અને વિદ્વાન કવિ તરીકે નવાજ્યા. જોકે તેમણે તેમની પ્રકૃતિની અને કાવ્યશૈલીની મર્યાદાઓ જણાવી હતી.

‘જાગો જાગો અંતરગાન’, ‘ખ્વાબી ખુશ્બો’, ‘નિર્વાણનું પદ્ય પરાગ ઢોળે’, ‘જાગો વિરાટ જાગો’, ‘આત્માનાં આંસુ’, ‘દક્ષિણાનિલને’, ‘થનગનતું યૌવન’, ‘સ્વપ્ન આરામગાહે’ જેવાં કાવ્યોએ  રસિકોને લાંબા સમય સુધી આનંદ આપ્યો હતો.

ફ્રેન્ચ નવલિકાઓનાં રૂપાંતરોનો સંગ્રહ ‘જીવનના જાદુ’ તેમની હયાતીમાં 1958માં પ્રગટ થયો હતો.

તેમનાં મૃત્યુ બાદ પ્રકાશિત થયેલા સંગ્રહો : ‘સ્વપ્ન-વસંત’ (1963), ટાગોરના ‘ફૂટ ગેધરિંગ’નો ભાવાનુવાદ ‘વિશ્વાંજલિ’ (1964), બાળકોનો કાવ્યસંગ્રહ ‘બાલમુકુંદ’ (1967), ટાગોરના ‘ધ ક્રેસન્ટ મૂન’નું રૂપાંતર ‘ચંદ્રની હોડલી’ (1974), પ્રસિદ્ધ ‘ગીતાંજલિ’નો ભાવાનુવાદ (1984), આશ્રમ ભજનાવલિના શ્લોકો-સૂક્તો, અંગ્રેજી-મરાઠી પ્રાર્થનાઓના ભાવાનુવાદ અને ભક્તિકાવ્યો ‘દીપાંજલિ’-1 (1986), ‘દીપાંજલિ’-2 (1987), ‘દીપાંજલિ’-3 (1988), ટાગોરનું નાટ્યરૂપાંતર ‘ચિત્રા’ (1991), નર્મ-મર્મની નવલિકાઓનો સંગ્રહ ‘આરામખુરશી પરથી ઝૂલતાં ઝૂલતાં’ (1991), ‘રજત મહોત્સવ અને બીજી ટૂંકી વાર્તાઓ’(1992).

‘કુસુમાકર’ના જે બૃહદગ્રંથો પ્રકાશિત નથી થયા તે ‘મહાત્માયન’, ‘ભારતાયન’, ‘જ્ઞાનદર્શન ગીતાઓ’, ‘સુરતાલહરી’, ‘રવીન્દ્રસૌરભ’ છે. તેમના જે બે પુસ્તકો અપ્રગટ છે તે ‘વસંતની સૌન્દર્યશ્રી’ અને ‘મૌનનાં કૂજન’ છે.