Krushnaraam Profile & Biography | RekhtaGujarati

કૃષ્ણારામ

  • favroite
  • share
  • 1768-1840

કૃષ્ણારામનો પરિચય

  • જન્મ -
    1768
  • અવસાન -
    1840

મધ્યકાલીન ભક્તકવિ. અમદાવાદના વતની. જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા ભક્તિરામ. બાળપણમાં પિતાનું અવસાન થતાં કટેલોક સમય મોસાળ ત્રાજમાં ગાળી, પછીથી અમદાવાદ આવી સંસ્કૃત વ્યકરણ, જ્યોતિષ વગેરેનો અભ્યાસ. યુવાનીમાં આજીવિકા માટે પૂના રહ્યા ત્યારે ત્યાંના ગુજરાતી બ્રાહ્મણ સમાજને બાજીરાવ પાસેથી મદદ અપાવી હતી. એ પછી દક્ષિણ ભારતની યાત્રામાં રામદાસશિષ્ય મુકુંદરાજ પાસે દીક્ષા લઈ, અમદાવાદ આવી કીર્તનભક્તિનો અને એ દ્વારા ધર્મમય જીવનનો પ્રચાર કર્યો. તેમને દયારામ સાથે કવિતાની આપલેનો વ્યવહાર પણ ચાલ્યો હતો. રામદાસી સંપ્રદાયના આ કવિભક્તની ધાર્મિક માન્યતામાં રામ-કૃષ્ણભક્તિ ઉપરાંત શક્તિપૂજા, શિવપૂજા અને નિર્ગુણ બ્રહ્મવાદનું મિશ્રણ થયું છે, તેમ જ અલ્લા વિશે કાવ્ય રચવાનો પણ એમને સંકોચ નથી, જે એમની ઉદાર ધર્મદૃષ્ટિ સૂચવે છે.

 

કેટલાક સંદર્ભોમાં ભૂલથી ‘કૃષ્ણરામ’ નામથી નોંધાયેલા આ કવિ પાસેથી ગુજરાતી ઉપરાંત મુસલમાની એટલે કે હિંદી, મરાઠી અને સંસ્કૃતમાં પણ થોડીક રચનાઓ મળે છે. કીર્તનો તરીકે ઓળખાવાયેલાં ૬૦૦ ઉપરાંત પદોમાં વિસ્તરતા કવિના કાવ્યસંચય(મુ.)માં ગરબા, ગઝલ, કવિત, લાવણી, અભંગ વગેરે વિવિધ રચનાબંધો તથા આખ્યાન, સલોકો, તિથિ, કક્કો, સમસ્યા, આરતી, શણગાર, થાળી વગેરે અનેક કાવ્યપ્રકારો પણ જોવા મળે છે. એમાં લાંબી રચનાઓ-જેમાંની કેટલીક તો ૨૫૦ કડીઓ સુધી પણ પહોંચે છે - નોંધપાત્ર સંખ્યામાં છે. પત્ર, સંવાદ વગેરે પ્રકારની રચનારીતિઓનો પણ કવિએ ઉપયોગ કર્યો છે. કવિનાં કીર્તિનો માત્ર ભક્તિવિષયક જ નથી, એમાં ધાર્મિક આચારબોધ ઘણી વ્યાપક રીતે નિરૂપાયેલો છે. કવિની કૃતિઓ ઈ.૧૮૧૧થી ઈ.૧૮૧૮ સુધીનાં રચનાવર્ષો દર્શાવે છે પણ મોટા ભાગની કૃતિઓ ઈ.૧૮૧૭-૧૮૧૮ (સં.૧૮૭૩-૧૮૭૪)માં અને તેમાં પણ ખાસ કરીને ફાગણ માસમાં રચાયેલી છે તે ખાસ નોંધપાત્ર છે.