Kismat Qureshi Profile & Biography | RekhtaGujarati

કિસ્મત કુરેશી

કવિ અને બાળસાહિત્યકાર

  • favroite
  • share

કિસ્મત કુરેશીનો પરિચય

  • મૂળ નામ - ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી
  • ઉપનામ - કિસ્મત
  • જન્મ -
  • અવસાન -
    08 જાન્યુઆરી 1995

ઉમરભાઈ એવું મૂળ નામ ધરાવતા પણ બહુધા ‘કિસ્મત’ કુરેશી તરીકે ખ્યાત એવા આ સર્જકનો જન્મ 20 મે, 1921ના રોજ ભાવનગરમાં ચાંદભાઈ અને દાદુબેનને ત્યાં એક સિપાઈ પરિવારમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં, માધ્યમિક શાળાના અભ્યાસ દરમિયાન શાળાના મુખપત્ર ‘દીપિકા'નું સંપાદન મિત્રોના સહકારમાં સંભાળીને સાહિત્યિક પ્રવૃત્તિનો આરંભ કર્યો. ઈ. સ. 1941માં ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ફારસી ભાષા સાથે મૅટ્રિક, મૅટ્રિક થયા પછી ભાવનગરમાં સેશન્સ કચેરી તથા તાર-ટપાલ ખાતામાં નોકરી, 1944માં સરસ્વતી પ્રેસમાં ‘કહાની' વાર્તા માસિકના સહતંત્રી, ઈ. સ. 1949થી ભાવનગર નગરપાલિકામાં ટાઈપિસ્ટ તરીકે જોડાયા અને 1981માં તેઓ નિવૃત્ત થયા. અંજુમને ઇસ્લામ શિક્ષણ સંસ્થા અને ભાવનગર સાહિત્યસભા અને ‘સુરાલય’ નામની સંસ્થા સાથે પણ સંકળાયેલા રહ્યા. 8 જાન્યુઆરી, 1995ના રોજ 74 વર્ષનું આયુષ્ય ભોગવીને તેઓ જન્નતનશીન થયા.

જ્યારે ઉર્દૂ ભાષામાં ગઝલો લખાતી હતી ત્યારે સંસ્કૃત ભાષાના તત્સમ-તદ્ભવ શબ્દ સાથે ગઝલના ગુજરાતીકરણનું ગૌરવ એવા ગણનાપાત્ર ગઝલકારોમાં કિસ્મત કુરેશીનું નામ પ્રથમ હરોળમાં મૂકવામાં આવે છે. કિસ્મતભાઈએ પોતાની પ્રથમ ‘પદ્મકૃતિ’ ઈ. સ. 1937માં રચી હતી. ગઝલ ઉપરાંત નઝમ, મુક્તક, હઝલ, રુબાઈયાત, તઝમીન, તશ્મીર, મુખમ્મસ, ગીત, સૉનેટ, કથાકાવ્ય વગેરે અનેક સાહિત્યસ્વરૂપોનું સફળતાપૂર્વક ખેડાણ કરતા અનુક્રમે 'આત્મગુંજન' (1948, ગઝલ-નઝમસંગ્રહ), ‘સંગમ’ (1949, રુબાઈઓનો સંયુક્ત સંગ્રહ, સાલિક પોપટિયા સાથે), ‘રેતી અને મોતી' (1954, ગીતસંગ્રહ), ‘સલિલ' (1962), ‘સુરાહી' (1964), ‘વાદળ વિષાદનાં’ (1967, સંગીતરૂપક), ‘વતનવીણા' (1968, રાષ્ટ્રીય ગીતસંગ્રહ), ‘વિરહિણી' (1969, ગઝલકથા), ‘વિરહિણી' (1969), ‘અત્તર’ (1970, ગઝલસંગ્રહ), ‘ઇકા૨’ (1970, ગઝલ, નઝમ અને મુક્તકોનો સંગ્રહ), ‘અત્તર’ (1970), ‘ઈકરાર' (1971), ‘સુરાહી અને અત્તર' (1977), ‘અમાનત' (1978), ‘સોગાત’ (1979), ‘મકસદ’ (1986), ‘અંજામ’ (1987), ‘બક્ષિસ' (1988), ‘નવાજિશ' (1989), ‘અલવિદા' (1990), ‘સજની’ (1992, ગોપીગઝલોનો સંગ્રહ) ‘રુખસત’ (1993), ‘મુલાકાત’ (1995, મરણોત્તર સંગ્રહ) વગેરે પ્રગટ થયેલા સંગ્રહોમાં એમનાં વિપુલ સર્જનની ઝાંખી થાય છે.

એમણે ‘નાચનિયા’ અને ‘નકીબ' એ બે બાળવાર્તાના સંગ્રહો આપ્યા છે, તો ‘ઈશ્વરનું મંદિર' જેવાં નાટ્યાનુવાદ અને ‘કર્ણમંથન' જેવાં કાવ્યાનુવાદનાં ગ્રંથો પણ એમની પાસેથી પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ‘કબરોનો વિલાપ’, ‘અનામત’, ‘સોગાત’, ‘મકસદ’, ‘ગીતપ્રભા', ‘પથારી ચાંદ ઉ૫૨’, ‘નવાજિશ’ અને ‘અલવિદા' વગેરે પુસ્તકો પણ એમની પાસેથી મળ્યાં છે. જ્યેન્દ્ર ત્રિવેદી, અજય પાઠક અને વિનોદ જોશીએ પસંદ કરેલી 50 ગઝલોનું સંપાદન ‘50 ગઝલો : કિસ્મત કુરેશી’ (1997) નામે પ્રગટ થયું છે.

એમના માનમાં ભાવનગર શિશુવિહાર બુધસભા અને ભાગીરથી મહેતા પરિવાર ટ્રસ્ટ તરફથી પ્રતિવર્ષ નોંધપાત્ર કવિને શ્રી કિસ્મત કુરેશી સ્મૃતિ કવિ સન્માન એનાયત કરાય છે.