
કિશોરસિંહ સોલંકીનો પરિચય
કિશોરસિંહ સોલંકીનો જન્મ 1 એપ્રિલ, 1949ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં પિતા હેંદુજીના ઘરે માતા મેનાબાની કૂખે થયો હતો. પિતાશ્રી ખેડૂત. ખેતી કરે એ પણ ચાર મહિનાની, કારણ કે, આખો મલક સૂકો ગણાય તેવો. રણનું પાડોશી ગામ એવું મગરવાડા પાણી ઓછું. આવળબાવળ, થોરિયા, સેંગતરા જેવાં ઓછા પાણીમાં ઊગતાં વૃક્ષો ઊગે. નપાણિયો ગણાય એવા આ પ્રદેશમાં ખેતીની સમૃદ્ધિ તો કેવી હોય પરંતુ સંઘર્ષમય રીતે જીવતાં જીવતાંય પોતાના દીકરાને ખૂબ સારી રીતે ભણાવવા માટે કટિબદ્ધ હતા. નિરક્ષર અને ગરીબ છતાં પેટે પાટા બાંધી દીકરાને ભણાવવાનો એમનો આગ્રહ, કિશોરસિંહના જીવનમાં વળાંક લાવનારો નીવડ્યો. 1969માં મૅટ્રિક, ધોરણ અગિયાર સુધીનો અભ્યાસ પોતાના વતનમાં અને બે વર્ષ પાલનપુર કૉલેજમાં, એ પછીનો અભ્યાસ અધ્યાપકોના સૂચનથી 1972માં એલ.ડી. આર્ટ્સ કૉલેજ અમદાવાદ ખાતે એક વર્ષનો શેષ અભ્યાસ આગળ ધપાવે છે. 1973માં સ્નાતક, 1975માં ભાષાભવન ગુજરાત યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અને સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાંથી પીએચ.ડી થયા. તલોદ અને પ્રાંતિજ કૉલેજમાં પાર્ટ ટાઇમ અધ્યાપક તરીકે તેમની કારકિર્દી શરૂ થઈ. અને મોડાસા આર્ટ્સ કૉલેજમાં પૂર્ણ સમયના અધ્યાપક તરીકે કે પછી 1979થી મહુધા આર્ટ્સ કૉલેજમાં અને 1996માં ગાંધીનગરમાં ‘સમર્પણ આર્ટ્સ કૉમર્સ કૉલેજ’ શરૂ કરીને આચાર્ય પદે રહ્યા. અત્યારે હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાની પ્રેરણાથી 1980થી સક્રિય રીતે રાજકારણમાં જોડાયા. ખેડા જિલ્લાને કાર્યક્ષેત્ર બનાવી લોકકલ્યાણ અને રચનાત્મક કાર્યો સાથે ખેડા જિલ્લાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ, જિલ્લા મંત્રી, પ્રદેશ કારોબારી સભ્ય અને એ પછી ગુજરાત પ્રદેશ ભાજપના મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ તરીકે બે વખત મહુધા વિધાનસભા અને આણંદ તથા કપડવંજ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તો ગુજરાત સરકારના સમૃદ્ધ સાહસરૂપ જી.એન.એફ.સી.ના ચેરમૅન પણ બન્યા. ગૌરવવંતા અને વહીવટી કાર્યદક્ષતા સાથેની તેમની આગવી છાપ છોડી હતી.
સર્જકનું બાળપણ ગામ મગરવાડામાં વીત્યું. આજુબાજુની પ્રકૃતિ અને આ વાતાવરણમાં તેમનો સર્જકપિંડ ઘડાયો. માધ્યમિક કક્ષાએથી જ સર્જકને શબ્દોનો નેડો લાગેલો. કૉલેજ સમયમાં યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં મિત્ર જેઠાલાલ પટેલના આગ્રહથી પાદપૂર્તિ સ્પર્ધામાં ‘ઝાડનું ગીત’ નામે કાવ્ય લખ્યું અને પ્રિયકાંત મણિયાર, નલિન રાવળ, અને પિનાકીન ઠાકોર જેવા નિર્ણાયકોને ખુશ કરી દીધા હતા. આ સમયમાં જ તેમણે ‘ઋતુ’ નામે નવલકથા લખેલી છે ‘શ્રી’માં હપતાવાર પ્રગટ થયેલી. એક આશ્ચર્ય એ પણ છે કે એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન પોતાની કાવ્યકૃતિ અપઠિતના પેપરમાં પણ ભણેલા. કિશોરસિંહ સોલંકીની કવિતા થકી ગ્રામજીવનના તળપદનો અસ્સલ મિજાજ પ્રગટે છે. માનવજીવનને સ્પર્શતા લગભગ દરેક વિષય આલેખવા ઉપરાંત પ્રકૃતિ અને વતનપ્રેમ વિશેષતઃ ઊપસી આવ્યા છે : ‘વિન્યાસ’ (1981), ‘કારણ’ (1989), ‘પ્રેમાક્ષર’ (1995), ‘અજાણ્યો ટાપુ’ (1997), ‘મનસાને મેળે’ (1998), ‘તેજ લિસોટા ત્રાડ’ (2008) એ તેમના કાવ્યસંગ્રહો છે. ‘રાગ-પરાગ’ સમગ્ર કાવ્યસર્જનમાંથી ચૂંટાયેલાં કાવ્યોનો સંચય છે. ‘ધૂપછાંવ’ (2006) એ તેમનો હિંદી કવિતા સંગ્રહ છે. જાપાનનો કાવ્યપ્રકાર હાઈકુ જેમ ગુજરાતમાં આવીને સાહિત્યમાં સ્થાપિત થઈ ગયો એવો જ એક પ્રયોગાત્મક કાવ્યપ્રકાર એટલે ‘હાઈન્કા’. અને આ કાવ્ય પ્રકારનો પ્રથમ પ્રયોગ આપનાર એટલે ડૉ. કિશોરસિંહ સોલંકી.
કિશોરસિંહ સોલંકીએ કવિતા ઉપરાંત વાર્તા, નવલકથા, લઘુકથા, વતનકથા, પ્રવાસકથા, તથા સંપાદન થકી બહુવિધ સર્જકઆયામો બતાવી આપ્યા છે. વર્ષોથી દાનની પ્રવૃત્તિઓ ઉપરાંત ડૉ. કિશોરસિંહ સોલંકી એ 300 ઉપરાંત પુસ્તકો લખી સાહિત્યની કેડી કંડારી છે—એમ સામાજિક, સાહિત્યિક ઉભય જવાબદારી નિભાવી છે. કિશોરસિંહ સોલંકી પાસેથી નવલકથામાં મુખ્યત્વે રૂઢ શૈલીની પ્રસંગપ્રધાન નવલકથાઓ મળે છે. તેમણે 1977માં બે નવલકથાઓ લખી હતી; ‘રઝળતા દિવસ’ અને ‘ઋતુ’. આ પછી ‘મશારી’ (1986), ‘ભાઈચારો’ (1987), ‘ગ્રહણ’ (1992), ‘વીરવાડા’ (1994), ‘અડધા આકાશે ઊગતો સૂરજ’ (1995), ‘વસવસો’ (1997) અને ‘આલય’ (1997) તેમની અન્ય કૃતિઓ છે. ‘ઘર’ (2010) નામે પણ પુસ્તક સુલભ છે. ‘ભાઈચારો’ દસ વર્ષ પહેલાં અનુભવ તરીકે લખાઈ હતી, જેમાં શહેર જતાં પહેલાંના ગામના જીવનના તેમના અનુભવો સામેલ છે. ‘અરવલ્લી’ (2007) એ આત્મકથાત્મક શૈલીમાં લખેલી તેમની પ્રાયોગિક કથાત્મક નવલકથા છે. ‘લવ યુ સન’ નામે પિતા તરીકે પુત્ર સાથેના અનુબંધનું બયાન છે, ‘પાદરમાં ઊગતાં પગલાં’ (1989) એ તેમના વતન પરની કથા છે, જ્યારે ‘સહપ્રવાસી’ (1989)એ તેમનો એકવીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. ‘સુગંધનો સ્વાદ’, ‘ભુતાન’, ‘અંગારો’ તેમનાં અન્ય પુસ્તક છે. લોકબોલીના હાર્દમાં રહેલા વૈશિષ્ટ્યને નિબંધ સરાણે ચઢાવી વધુ પ્રાણવંત બનાવી છે : ‘ભીની માટીની મહેક’ (1988), ‘પંખીની પાંખમાં પાદર’ (1997) અને ‘શબ્દસર’ ભાગ–1, 2 (2008) નિબંધસંગ્રહ સર્જકની દોઢ દાયકાની ‘સંદેશ’ વર્તમાનપત્રમાં ચાલેલી કૉલમની સાધનાનું સુફળ છે. ‘કાળાપાણીના કિનારે’ (આંદામાન અને નિકોબાર ટાપુઓ) (1989) અને ‘દેશ રે જોયા પરદેશ જોયા’ (1999) એ તેમના સેશલ્સ, મોરેશિયસ, જર્મની, રોમ, સ્વિટ્ઝર્લૅન્ડ, લંડન, સિંગાપુર આદિનાં પ્રવાસવર્ણનો છે. તેમણે ‘વિકલ્પની વિસ્તરી ક્ષિતિજો’ (1982), ‘માનવી મરજીવા’ (1987), ‘જાનપદી નવલકથા : વિભાવના અને વિકાસ’ (1994), ‘એકસઠ સૉનેટ’ (2000), ‘ગુજરાતી નિબંધસૃષ્ટિ’ (2006), ‘ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન’ (2006), ‘સુન્દરમ્ શતાબ્દી વંદના’ (2009), ‘ગુજરાતી કવિતાચયન 2014’ (2017, 128 ઉત્કૃષ્ટ કાવ્યોનું સંપાદન), ‘ચિન્મય જાનીની શ્રેષ્ઠ લઘુનવલો’ (2014), ‘ઘૂઘરા ઘમકે સે’ (2017) વગેરેનું સંપાદન કર્યું છે. તેમની ‘મશારી’ નવલકથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ એફ.વાય.બી.એ.ના અભ્યાસક્રમમાં તથા ‘પંખીની પાંખમાં પાદર’ પ્રાથમિક કક્ષાએ મુકાયેલી છે.
‘અરવલ્લી’ નવલકથા મુંબઈ યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, અને ગુજરાત યુનિવર્સિટી અભ્યાસક્રમમાં તથા મહારાષ્ટ્ર માધ્યમિક શાળામાં ધોરણ 11 અને 12માં પણ એક પાઠ અભ્યાસક્રમમાં સ્થાન પામેલો. ‘અરવલ્લી’ નવલકથા પર ‘અરવલ્લી : એક અધ્યયન’ નામે કેતન બુહાએ સંશોધનકાર્ય કરેલું છે.
તેઓ બોર્ડ ઑફ સ્ટડીઝના ગુજરાત યુનિવર્સિટી અને બોર્ડ ઑફ સ્ટડીઝ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સભ્ય તરીકે ગુજરાતની ઘણી બધી કૉલેજમાં વક્તવ્ય આપી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સેનેટ મેમ્બર અને શૈક્ષણિક તથા સાહિત્યિક સંસ્થાઓમાં સલાહકાર અને સભ્ય તરીકે સેવારત રહ્યા છે. તેમના નામે એટલે કે ‘પ્રિન્સિપાલ ડૉ. કિશોરસિંહ સોલંકી વિદ્યાસંકુલ’ પણ સમાજ માટે ઊભું કર્યું છે. જેમાં હાલમાં આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તો તેમના ગામ મગરવાડામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘જ્ઞાનસત્ર’ પણ યોજાયું. જે તેમના વતનપ્રેમનો જીવતોજાગતો, અનહદ લગાવ, અને લાગણીથી લથબથતો ગણી શકાય તેવો ઉત્તમ દાખલો છે.
1984માં નિબંધ માટે ક્રિટિક્સ ઍવૉર્ડ તેમ જ 1989માં કવિતા માટે બલવંતરાય કલ્યાણરાય ઠાકોર પારિતોષિક મળ્યાં છે.