Kisan Sosa Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કિસન સોસા

ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત નામાંકિત કવિ

  • favroite
  • share

કિસન સોસાનો પરિચય

કિસન સોસાનો જન્મ 4 એપ્રિલ, 1939ના રોજ સુરતમાં માતા રતનબેન અને પિતા નાથુભાઈને ત્યાં થયો. વતન ભાવનગર જિલ્લાનું સથરા ગામ. પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કરીને બાર-તેર વર્ષની નાની વયે મજૂરીએ લાગી ગયા. ત્રણ દાયકા સુરત સુધરાઈ અને પછી સુરત મહાનગરપાલિકામાં નોકરી કરીને નિવૃત્ત. ગઝલના મક્કા તરીકે ખ્યાત સુરતમાં રતિલાલ ‘અનિલ’ના પરામર્શનનો લાભ એમની કાવ્યરચનાઓને મળ્યો. અલ્પ અભ્યાસ છતાં કોઠાસૂઝથી નીવડેલા આ સર્જકે ‘કુમાર’ સામયિકમાં પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ ‘ત્રીજા વિશ્વયુદ્ધ પછી’થી સાહિત્યક્ષેત્રે પગરણ માંડ્યાં. ‘સહરા’ તથા ‘એવા વળાંક પર’ કૃતિઓએ કવિને વિશેષ પ્રસિદ્ધિ અપાવી.

જાણીતા અને સિદ્ધહસ્ત ગઝલકાર છતાં ક્લિષ્ટ અભિવ્યક્તિથી એમની ગઝલ ક્યાંક દુર્બોધ પણ બની છે. ગઝલની તુલનાએ ગીતસ્વરૂપમાં ભાષાનું પોત પૂર્ણ સ્વરૂપે પ્રકાશતાં તેમ જ અવનવા ઉન્મેષ અને લયતરેહોથી ગીતો સાદ્યંત આકર્ષક બન્યાં છે : ‘કંકાવટીમાં’, ‘હિન્દનું ગીત’, ‘આકાશી ગાયોને’, ‘મીરાં કે પ્રભુ’, ‘કંકુનાં પગલાં’, ‘વૈશાખી રાત’, ‘ફોરમની ડમરી’, ‘મારા હાથથી’, ‘શબ્દોનાં ફૂલ’, ‘ધજા કરીને મને’ વગેરે ગીતરચનાઓ.

‘દુર્ગમ આરોહણે’, ‘કાર્તિકને’, ‘કોણ’, ‘મારું ઘર’, ‘બત્રીસ હજાર વર્ષની...’, વગેરે કવિની નોંધપાત્ર અછાંદસ રચનાઓ છે. ‘જૂના દિવસોની યાદમાં’, ‘એ કવિઓને’, ‘સિફારિશનો શાપ’, ‘ઇન્દુભાઈ જાનીને’, ‘પીડિત પેઢીઓ’ વગેરે રચનાઓમાં નિબંધ કે અછાંદસનું અસામંજસ્ય છે. આ કવિની વિશિષ્ટ ઓળખ તાન્કા કવિ તરીકેની છે. લઘુકાવ્યસ્વરૂપ તાન્કા ક્ષેત્રે તેમણે દાખવેલ ગજાને નિર્દેશતાં–બિરદાવતાં રાધેશ્યામ શર્મા તાન્કાસ્વરૂપ અને કિસન સોસાને એકબીજાના પર્યાયરૂપ લેખી ‘કિસનતાન્કા’ કહી નવાજે છે.

એકાધિક કાવ્યસ્વરૂપ પર હાથ અજમાવ્યા છતાં તેઓ ગઝલકાર તરીકે વધુ પંકાયા છે. લગભગ ચાર દાયકા(1977–2016)ના ગાળામાં એમણે સત્તર જેટલા સંગ્રહ આપ્યા છે : ‘સહરા’, ‘અનસ્ત સૂર્ય’, ‘અનૌરસ સૂર્ય’ (દલિત કાવ્યો), ‘સૂર્યની જેમ ડૂબી ગયું હાર્મોનિયમ’, ‘કિસન સોસાનાં શ્રેષ્ઠ કાવ્યો’ (સંપાદન), ‘અનાશ્રિત સૂર્ય’ (દલિત કાવ્યો), ‘અડધો સૂર્ય’, ‘ક્ષુધિત સૂર્ય’ (દલિત કાવ્યો), ‘તૃષિત સૂર્ય’, ‘સહરામાં સપ્તસૂર્ય’ (દલિત કાવ્યો), ‘પોસ્ટ સ્ટૅન્ડ પાસે ઊભી છે ગઝલ’, ‘વીંઝું છું હું સૂર્ય ગોફણે’ (દલિત કાવ્યો), ‘બારણું બંધ કરવાની ક્ષણે’ આદિ કાવ્યસંગ્રહ ઉપરાંત, ‘છબ્ છબ્ પતંગિયું ન્હાય’ નામે બાળકાવ્યસંગ્રહ તો ‘અવનિતનયા’ અને ‘અવનિગંધા’ તાન્કાસંગ્રહો છે.

આ પૈકીના ‘અનસ્ત સૂર્ય’, ‘અનૌરસ સૂર્ય’, ‘સૂર્યની જેમ ડૂબી ગયું હાર્મોનિયમ’, ‘અનાશ્રિત સૂર્ય’ અને ‘છબ્ છબ્ પતંગિયું ન્હાય’ સાહિત્ય અકાદમી દ્વારા પોંખાયા છે.