Khalil Dhantejvi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખલીલ ધનતેજવી

ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર, નવલકથાકાર અને નાટ્યકાર

  • favroite
  • share

ખલીલ ધનતેજવીનો પરિચય

તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર, 1935ના રોજ થયો હતો. ખલીલ ઇસ્માઇલ મકરાણીએ ગામના નામ પરથી ધનતેજવી અટક રાખેલી. કુટુંબની વિષમ પરિસ્થિતિઓને કારણે 7 વર્ષની વયે શાળામાં દાખલ થયેલા તેમણે ગુજરાતી ચાર ચોપડી સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. આર્થિક અડચણને લીધે ખેતીનો વ્યવસાય અપનાવી લીધો. બાળમાનસમાં ભેગી થયેલી આ બધી સંવેદનાઓની અભિવ્યક્તિઓ સમયાંતરે ગઝલ સ્વરૂપે બહાર આવવા લાગી હતી. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા રહ્યા. રણમાં ખીલેલ ગુલાબ જેમ અનેક મુસીબતો વચ્ચે સતત ઝઝૂમીને પોતાના કર્મની દીર્ઘ સુવાસ છોડી જન્નતનશીન થયેલ આ વિરલ પ્રતિભા એમના શબ્દ થકી ચિરંજીવ રહેવાની.

સાહિત્યસર્જનની શરૂઆત વાર્તાથી કરી પછી એકંદરે અનેક સાહિત્ય વિધાઓમાં હાથ અજમાવી સફળ થયા. છતાં તેમનું ગઝલપ્રદાન ઝળહળા થતા છોગા સમાન છે. ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ લેખાતા આ કવિ પાસેથી ‘સગપણ’, ‘સોપાન’, ‘સરોવર’, ‘સોગાત’, ‘સાંવરિયો’, ‘સારંગી’ અને ‘સમગ્ર’ જેવા ગઝલસંગ્રહ. ‘શાયદ’ અને ‘ધીરે બોલ’ નામથી ઉર્દૂ-હિંદી ગઝલસંગ્રહો પણ પ્રસિદ્ધ થયેલા. અનુભવજગતમાંથી સહજ આવેલી એમની ગઝલો એટલી જ ધારદાર, સચોટ, મર્મીલી અને હૃદયસ્પર્શી રહી છે.

‘મુકામ પોસ્ટ ઝાકળ’, ‘ભરચક એકાંત’, ‘એક મુઠ્ઠી હવા’, ‘છૂટાછેડા’, ‘સાંજ પડે ને સૂનું લાગે’, ‘લીલોછમ તડકો’, ‘મોત મલકે છે મીઠું મીઠું’, ‘સન્નાટાની ચીસ’, ‘લીલા પાંદડે પાનખર’, ‘મીણની આંગળીએ સૂરજ ઊગ્યો’, ‘લોહીભીની રાત’, ‘કોરી આંખમાં ભીનાં સ્વપ્નાં’, ‘સાવ અધૂરા લોક’, ‘કોરી કોરી ભીનાશ’, ‘તરસ્યાં એકાંત’, ‘સળગતો બરફ’, ‘સફેદ પડછાયા’, ‘ડૉ. રેખા’, ‘સુંવાળો ડંખ’ જેવી ત્રીસેક નવલકથાઓ આપી. આ પૈકીની ઘણી નવલકથા પરથી ઍવૉર્ડ વીનિંગ ફિલ્મ અને નાટક બન્યાં. ‘સાવ અધૂરા લોક’, ‘લીલા પાંદડે પાનખર’, ‘પારકી તોયે પાડોશણ’ વગેરે નાટકો તેમ જ ‘સોગંદનામું’ એમની કારકિર્દી કથા/આત્મકથા આપી.

તેઓ જાણીતા કૉલમિસ્ટ હતા; ગુજરાત સમાચારની બુધવારની શતદલ પૂર્તિમાં ‘ત્રિકોણનો ચોથો ખૂણો’ તથા રવિવારની પૂર્તિમાં ‘ખુલ્લા બારણે ટકોરા’ નામે કૉલમ લખતા. આકાશવાણી અને દૂરદર્શન પર ગઝલને લગતા પ્રસારણ કાર્યક્રમ, ઉપરાંત અનેક સાહિત્યલક્ષી કાર્યક્રમો, મુશાયરાઓ તેમ જ સંમેલનોમાં પોતાની ગઝલો અને કવિતાઓની રજૂઆત કરી હતી. ‘ખાપરો ઝવેરી’, ‘ડૉ. રેખા’, ‘ચૂંદડી ચોખા’, ‘છૂટાછેડા’ અને ‘મન માનતું નથી’ વગેરે ફિલ્મ માટે કથા–પટકથા, સંવાદ, ગીતો અને દિગ્દર્શન કાર્ય કરેલું છે.

તેમને 2004માં કલાપી પુરસ્કાર, અમૃતા પુરસ્કાર, મેઘાણી પુરસ્કાર, 2007માં હરીન્દ્ર દવે મેમોરીયલ ઍવૉર્ડ અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘છૂટાછેડા’ ફિલ્મ માટે ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ લેખક–દિગ્દર્શકના બે ઍવૉર્ડ્સ મળેલા. તેમને સયાજીરત્ન ઍવૉર્ડ પણ મળ્યો હતો. 4 એપ્રિલ, 2021ના રોજ 85 વર્ષની વયે વડોદરા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા, એ જ વર્ષે તેમને મરણોત્તર ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

(તસવીર સૌજન્ય: સંજય વૈદ્ય)