Keshubhai Desai Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કેશુભાઈ દેસાઈ

નવલકથાકાર અને વાર્તાકાર

  • favroite
  • share

કેશુભાઈ દેસાઈનો પરિચય

કેશુભાઈ નાથુભાઈ દેસાઈનો જન્મ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં 3 મે, 1949ના રોજ થયો હતો. શાળામાં ભણતા હતા તે દરમિયાન ચિત્રકામની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. એસ. એસ. સી.ની પરીક્ષામાં તેઓ વિસનગર કેન્દ્રમાં પ્રથમ આવ્યા હતા. શાળામાં ભણતી વખતે તેમણે લખેલી પહેલી ટૂંકીવાર્તા ‘જટાળો ભૂત’ જાણીતા સામાયિક ‘ચાંદની’માં પ્રકાશિત થઈ. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.સી.ની (1972) ડિગ્રી મેળવીને સતલાસણ ખાતે ‘અરવલ્લી ક્લિનિક’ શરૂ કર્યું. તેઓ 1975ના ઑગસ્ટથી સાબરકાંઠાના તલોદમાં સ્થાયી થયા. વ્યવસાયે ડૉક્ટર પરંતુ સાહિત્યસર્જનમાં મન હંમેશા સમાયેલું. સામાન્ય માણસોના પ્રશ્નોને વાચા આપવા માટે રાજકારણમાં પણ સક્રિય થયા. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ તેઓએ કામ કર્યું.

કેશુભાઈ દેસાઈએ અનેક નવલકથાઓ લખી છે. ‘વન વનનાં પારેવા’ (1981), ‘જોબન વન’ (1981), ‘સૂરજ બુઝાવ્યાનું પાપ’ (1984), ‘શક્ય’ (1988), ‘હોળાષ્ટક’ (1988), ‘લેડીઝ હૉસ્ટેલ’ (1988), ‘વંશવૃક્ષ’ (1989), ‘પુનઃશ્વિત્રા’ (1989), ‘મૅડમ’ (1990), ‘ઊધઈ’ (1991), ‘મજબૂરી’ (1993), ‘ઝાંઝવા’ (1994), ‘ઓશિયાળ’ (1994), ‘પારમિતાનાં અશ્મિ’ (1995), ‘લીલો દુકાળ’ (1999), ‘ધર્મયુદ્ધ’ (2003), ‘હોનારત’ (2004), ‘ઊજળાં તિમિર’ (2005), ‘અનુસંધાન’ (2008), ‘શુદ્રાવતાર’ (2016) વગેરે તેમણે લખેલી નવલકથાઓ છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેમને 2008માં ‘ઊજળાં તિમિર’ નવલકથા માટે પારિતોષિક એનાયત કર્યું.

‘પ્રાતઃરુદન’ (1983), ‘ઝરમરતા ચહેરા’ (1999), ‘વનરાવન’ (1999) અને ‘ઉંદરઘર’ (2002) તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘ઝરમરતા ચહેરા’ને રાષ્ટ્રીય કલાકેન્દ્ર, સુરતનું સરોજ પાઠક પારિતોષિક મળ્યું છે.

કેશુભાઈ દેસાઈએ નિબંધ અને રેખાચિત્રો પણ લખ્યા છે. ‘એક ઘર જોયાનું યાદ’ (1981), ‘મૈં કછુ નહીં જાનૂ’ (2004) અને ‘શોધીએ એવો સૂરજ’ (2007)એ તેમના નિબંધસંગ્રહ છે. જ્યારે ‘પાંખ વિનાનાં પંખેરુ’ (1982), ‘મારગ મળિયા માધુ’ (1999), ‘સકળ લોકમાં સહુને વંદું (2003), ‘સૂરજના હસ્તાક્ષર’ (2007) અને ‘બાવજી’ (2008) રેખાચિત્રો છે.

‘પેટ’ (2000), ‘રણછોડરાય’ (નાટક) (2006), ‘શહેનશાહ’ (સ્મૃતિકથા) (2005), ‘દીકરી સંગે દેશાટન’ (પ્રવાસવર્ણન) (2008), ‘સોનેરી માનવી’ (સંપાદન : 2006) તેમણે લખેલા વિવિધ સંગ્રહ છે.  

કેશુભાઈ દેસાઈએ કરેલા પુસ્તકોના અનુવાદમાં કિરણ બેદીની આત્મકથાનું ‘પડકાર’ નામે, ‘સાંઈબાબા : ઈશ્વરના પગલાં પૃથ્વી પર’ નામે રંગસ્વામી પાર્થસારથિના સાંઈચરિત્રનો અનુવાદ કર્યો છે. ‘હમ હોંગે કામયાબ, અબ્દુલ કલામના ચરિત્ર અને પ્રેમચંદની ‘સેવા સદન’નો અનુવાદ તેમણે કર્યા છે.