Keshavram Hariram Bhatt Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કેશવરામ હરિરામ ભટ્ટ

નર્મદયુગના ભક્તકવિ

  • favroite
  • share

કેશવરામ હરિરામ ભટ્ટનો પરિચય

45 વર્ષનું આયખું જીવીને ચિરવિદાય લઈ ગયેલા આ સર્જકનાં લૌકિક અને આધ્યાત્મિક પ્રકારનાં - ઈશ્વરસ્તુતિ, અધ્યાત્મ, નીતિબોધ, વૈરાગ્ય, પ્રકૃતિ વર્ણન વગેરેને લગતાં અને મધ્યકાલીન કવિતાની પરંપરાને અનુસરતાં કાવ્યો એકમાત્ર કાવ્યસંચય ‘કેશવકૃતિ’ અથવા ‘અનુભવનો ઉદ્ગાર’(1899)માં પંચશતક પાનાઓમાં વિસ્તરેલાં મળી આવે છે. એમણે આમાંથી 48 ભજનોનું ચયન કરીને એક નાની કાવ્યપુસ્તિકા ‘કેશવકૃતિ’ (1909, બીજી) નામે પણ પ્રગટ કરી છે.

એમાં સંગ્રહિત કાવ્યકૃતિઓ સંસ્કૃત સાહિત્યના પ્રૌઢ સંસ્કારવાળી, કવિ દલપતરામના પ્રભાવને ઝીલતી, અર્થચાતુર્યના પ્રભુત્વથી છલકાતી, સુધારાનાં કેટલાંક અપલક્ષણો પ્રત્યે એમનો કટાક્ષ કરતી જોવા મળે છે. કાવ્યત્વ-પ્રમાણના ખાસ્સા અભાવ છતાં, કવિહૃદયથી ઘોળાયેલી આ કવિતાઓમાં અનુભવની સાર્થકતાનો રણકો જરૂર સંભળાય છે. કેશવરામે વૈરાગ્ય, ઈશ્વરસ્તુતિ તથા આધ્યાત્મિક વિચારો પર સંખ્યાબંધ પદો લખ્યાં છે. ઈશ્વરસ્તુતિનાં પદોમાં કવિના હૃદયની આર્દ્રતા અને સુંદરતા ધ્યાન ખેંચે છે.  

તેમની સુખ્યાત ભજનરચના : મનુષ્ય જાત અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહી છે, ત્યારે કવિ કેશવલાલ ભટ્ટે ઈશ્વરને વૈદ્ય બનાવીને એમના હાથમાં નાડ સોંપવાની વાત કરી છે. સુંદર રાગ દેશ પર આધારિત, ગાંધી આશ્રમ ભજનાવલિમાં તેમનાં સ્થાન પામેલાં ચાર ભજનોમાંથી એક -

“મારી નાડ તમારે હાથે હરી સંભાળજો રે

પ્યારા પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે... ”

‘કેશવકૃતિ’ ઉપરાંત ‘અનુસૂયાભ્યુદય’, ‘ભાગવતી ભાગ્યોદય’, ‘સાવિત્રીચરિત્ર’ વગેરે તેમના કાવ્યગ્રંથો છે. કવિ કેશવરામ ભટ્ટ 19મી સદીની સુધારા વિરોધી અને વૈદિક પરંપરાનો પુરસ્કાર કરતી સંસ્થા ‘વેદધર્મ સભા’ના વર્ષો સુધી મંત્રી તથા તેના મુખપત્ર ‘આર્યધર્મ પ્રકાશ’ના તંત્રી રહી ચૂક્યા હતા. એ સામયિક માટે તેમણે ઘણા લેખો લખ્યા, અનુવાદો કર્યા, પણ તેમાંનું ભાગ્યે જ કશું ગ્રંથસ્થ થયું છે.