Keshav H. Sheth Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કેશવ હ. શેઠ

પંડિતયુગના કવિ

  • favroite
  • share

કેશવ હ. શેઠનો પરિચય

ગુજરાતી કવિ અને અનુવાદક કેશવલાલ હરગોવિંદદાસ શેઠનો જન્મ ખેડાના ઉમરેઠમાં 20 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. ઉમરેઠમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ અમદાવાદમાં આવીને સ્થાયી થયા. તેમણે અંગ્રેજી, મરાઠી, હિંદી તથા અન્ય ભાષાઓનો અભ્યાસ ખાનગી રીતે કર્યો હતો.

આજીવિકા માટે ખડાયતા મુદ્રણકલા મંદિર નામનું પ્રેસ સ્થાપ્યું. ‘ખડાયતા મિત્ર’ના તંત્રીપદે કામગીરી કરી. તેમના ધારદાર લખાણના કારણે તેઓ ‘ગુજરાતી પંચ’ અને ‘પ્રજાબંધુ’ના લેખક થયા. ‘પ્રજાબંધુ’માં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને ‘કૉન્સ્ટેન્ટિનોપલની કથા’ (1921) અને ‘શંભાજીનું રાજ્યારોહણ’ (1922) નામના બે પુસ્તક ભેટમાં મળ્યા હતા. જેનો તેમણે અનુવાદ કર્યો હતો. લૉજિક અને તત્ત્વજ્ઞાન તેમના ગમતા વિષય હતા. તેમનું અવસાન 1 નવેમ્બર, 1947ના રોજ અમદાવાદમાં થયું હતું.

કવિ તરીકે તેમણે ‘લગ્નગીત’ (1916), ‘સ્નેહસંગીત’ (1919), ‘પ્રભુચરણે પ્રાર્થના’ (1919), ‘સ્વદેશ ગીતાવલી’ (1919), ‘રાસ’ (1922), ‘અંજલિ’ (1926), ‘રાસમંજરી’ (1929), ‘કેસરિયાં’ (1930), ‘રણના રાસ’ (1930), ‘રાસનલિની’ (1932), ‘વીરપસલી’ (1933), ‘બાળ ગીતાવલી’ (1938) જેવા કાવ્યગ્રંથો આપ્યા છે.

કવિ ન્હાનાલાલ વિશે તેમણે ડોલનશૈલીમાં ચિત્રાત્મક કાવ્ય ‘મહાગુજરાતનો મહાકવિ’ (1927) લખ્યું. કેશવ શેઠે પોતાના કાવ્યમાં દેશભક્તિ, પ્રભુભક્તિ અને દામ્પત્યપ્રેમનું નિરૂપણ કર્યું છે.

મધૂસુદન પારેખ કેશવ શેઠ વિશે વિશ્વકોશમાં લખે છે, ‘તેમની કાવ્યશૈલી ન્હાનાલાલનું અનુકરણ કરતી જણાય છે. તેઓ કરુણ મધુર ભાવ સુપેરે વ્યક્ત કરી શક્યા છે.’

ગાંધજીએ ચલાવેલી આઝાદીની ચળવળ પર ‘કેસરિયાં’ કાવ્ય લખ્યું છે. તેમણે લખેલા કાવ્યોના ઢાળો લયબદ્ધ છે. તેમણે જ્ઞાતિસુધારા માટે ‘કવિયુગની વાતો’ નામક વાર્તાસંગ્રહ લખ્યો છે. ‘જીવસ્મરણો’ નામનો તેમનો ચરિત્રગ્રંથ જ્ઞાતિના અગ્રેસર પુરુષોનો પરિચય આપે છે. કેશવ શેઠે જ્ઞાતિસુધારક અને કવિ તરીકે સારી એવી ચાહના તેમણે પ્રાપ્ત કરી હતી.