તેઓ પંજાબના પ્રસિદ્ધ ચિશ્તી દરવેશ બાબા ફરીદ શકરગંજના વંશજ હતા. ચિશ્તી સિલસિલાના સૂફી સંત. સૂફી સંત બદરુદ્દીન તેમના પિતા. તેઓ પંજાબના પ્રસિદ્ધ ચિશ્તી દરવેશ બાબા ફરીદ શકરગંજના વંશજ હતા. કાયમુદ્દીન બાવાની આધ્યાત્મિક શિક્ષા-દીક્ષા પિતાની દેખરેખમાં જ સંપન્ન થઈ. તેમના સમયમાં તેમણે ગામેગામ દલિત, પીડિત, આદિવાસી વગેરે સાધારણ લોકમાં ફરી આત્મસમ્માનની ભાવના જગાડેલી તેમ જ માનવ-એકતા માટે નોંધપાત્ર પુરુષાર્થ કર્યો હતો. તેમના હિન્દુ અને મુસ્લિમ અને કેટલાક પારસી મળીને કુલ 200 જેટલા શિષ્યો હતા. તેમાં રતનબાઈ, દિવાળીબાઈ અને બાઈ હઝરત જેવી કેટલીક સ્ત્રી સંતો પણ હતી. ઈ. સ. 1768માં તેઓ ડાંગનાં જંગલો ઓળંગી આજે મહારાષ્ટ્રમાં આવેલા નંદરબાર ગયા હતા. ત્યાંથી પાછા વળતાં નંદરબાર પાસેના એક ગામમાં તેમનું 78 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની ઇચ્છા પ્રમાણે તેમના દેહને વડોદરા પાસેના પાદરા તાલુકાના એકલબારા ગામે લાવી દરગાહ બાંધવામાં આવી. આધ્યાત્મિક તેમ જ સદ્બોધ આપતી તેમની વાણીના બે સંચયો છે: ‘નૂરે રોશન’ (સં. 1755) અને ‘દિલે રોશન’. જેમાં હિન્દી, ગુજરાતી અને સધુક્કડી ભાષામાં રચનાઓ છે. તેમની શિષ્ય-પરંપરામાં એક આખું સૂફી સંતકવિઓનું જૂથ સાંપડે છે.