ગુજરાતી ચારણી લોકસાહિત્યને સમગ્ર વિશ્વમાં ધબકતું રાખનાર અને કવિ દાદ તરીકે ખ્યાત એવા દાદુદાન ગઢવીનો જન્મ તા. 11 સપ્ટેમ્બર, 1940ના રોજ ગીરના ઇશ્વરિયા ગામ ખાતે જુનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર એવા પિતા પ્રતાપદાન ગઢવીને ત્યાં કરણીબાને કુખે થયો હતો. ચોથા ધોરણ સુધીનો અભ્યાસ. તેઓ જૂનાગઢના નિવાસી હતા. કવિતા રચતા મામામાંથી પ્રેરણા લઈ કવિ દાદે માત્ર 15 વર્ષની અલ્પ વયે જ કવિતાઓ લખવાનું શરૂ કર્યું.
તેમણે 15થી વધુ ગુજરાતી ફિલ્મમાં યાદગાર ગીતો આપ્યાં છે. ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...’, ‘કાળજા કેરો કટકો મારો...’, ‘કૈલાસ કે નિવાસી...’ જેવી તેમની ચિરંજીવ રચનાઓ છે. તેમનું સંપૂર્ણ સર્જન ‘ટેરવાં’ (ભાગ-1 થી 8) અને ‘લચ્છનાયણ’(2015)માં સંગ્રહિત છે. તેમના નામે ‘ચિત્તહરણનું ગીત’, ‘શ્રીકૃષ્ણ છંદાવલિ’ અને ‘રામનામ બારાક્ષરી’, ‘બંગ બાવની’(1971) જેવા ગ્રંથો પણ છે.
તેમના બહુમાનમાં ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે તેમની ‘કાળજા કેરો કટકો મારો’ કવિતાથી પ્રભાવિત થઈને ગુજરાત રાજ્યમાં કન્યાનાં માતા-પિતાને સહાયક થવા ‘કુંવરબાઈનું મામેરું’ નામની યોજના શરૂ કરેલી. સરકારી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પડધરી સાથે કવિ દાદનું નામાભિધાન થયેલું છે.
તેમને હેમુ ગઢવી ઍવૉર્ડ, ગુજરાત ગૌરવ પુરસ્કાર, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર, કવિ કાગ પુરસ્કાર (2004) તેમજ સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન માટે 2021માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. તા. 26 એપ્રિલ, 2021ના રોજ 81 વર્ષની જૈફ વયે તેઓ પરલોક સિધાવ્યા.