‘કાશ્મલન’ ઉપનામ ધરાવતા રંજિતલાલ હરિલાલ પંડ્યાએ ‘રામની કથા’ (1926)માં રામાયણની કથા સર્ગબદ્ધ આલેખી છે. આ પુસ્તકમાં તેમણે જુદા જુદા પ્રસંગોનાં વર્ણન દ્વારા રામના જીવનને કવિતામાં ગૂંથી લીધું છે, જેમાં તેમની વર્ણનશક્તિનો અચ્છો પરિચય મળી રહે છે. એમની શૈલી શિષ્ટ અને પ્રાસાદિક છે. કાશ્મલને ‘કાશ્મલનનાં કાવ્યો’ (1934) નામે સંગ્રહ પ્રગટ કર્યો હતો. આ સંગ્રહમાં સારાં ઊર્મિકાવ્યો અને ‘શકુન્તલા’, ‘જમદગ્નિ અને રેણુકા’ વગેરે નોંધપાત્ર ખંડકાવ્યો મળે છે. પણ લેખકની બધી જ કૃતિઓમાં ‘શકુન્તલા’ સૌથી સારી જણાઈ છે, તો ‘પીડિત હૃદય’ સુંદર ઊર્મિકાવ્ય બનેલું છે. આ સંગ્રહ વિશે સુન્દરમે લખેલું કે, “કેટલાંક કાવ્યોમાં તે કાન્તની લલિત બાનીની ઘણા નજીક આવી શક્યા છે”.