Karsandas Manek Profile & Biography | RekhtaGujarati

કરસનદાસ માણેક

ગાંધીયુગીન કવિ, વાર્તાકાર અને નિબંધકાર

  • favroite
  • share

કરસનદાસ માણેકનો પરિચય

તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. તેમનો જન્મ કરાચીમાં થયો હતો અને ત્યાં જ તેમણે પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. અસહકારની ચળવળ વેળાએ કરાચીથી તેઓ ઇન્ટરનો અભ્યાસ છોડી 1921માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા, પણ પરીક્ષા આપ્યા વિના 1923માં ફરીથી કરાચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ 1927માં સંસ્કૃત–અંગ્રેજી વિષયો સાથે તેમણે બી.એ. કર્યું હતું. 1939 સુધી તેમણે કરાચીની બે હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું; અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઇલી મિરર’ નામનું અંગ્રેજી છાપું પણ ચલાવ્યું. 1930 અને 1932માં તેમણે જેલવાસ ભોગવ્યો હતો. 1939થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં કામગીરી બજાવી. 1948માં જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી બન્યા. 1950માં એ સામયિક બંધ પડતાં 1951થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું.

એમની લેખનપ્રવૃત્તિનો આરંભ 1924માં એમણે કરેલા ટાગોરકૃત ‘મુક્તધારા’ અને ‘બે બાળનાટકો’ (‘શરદુત્સવ’, ‘મુકુટ’)ના અનુવાદોથી થયો. ‘ખાખનાં પોયણાં’ (1934) તેમનું પ્રથમ ખંડકાવ્ય છે. તે ઉપરાંત તેમની પાસેથી ‘આલબેલ’ (1935), ‘મહોબતને માંડવે’ (1942), ‘વૈશંપાયનની વાણી’ ભા. 1–2 (1943, 1945), ‘પ્રેમધનુષ્ય’ (1944), ‘અહો રાયજી સુણિયે’ (1945), ‘કલ્યાણયાત્રી’ (1945), ‘મધ્યાહ્ન’ (1958), ‘રામ તારો દીવડો’ (1964), ‘શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ’ (1969) જેવા સંગ્રહો મળે છે. એમની બે દીર્ઘરચનાઓ ‘હરિનાં લોચનિયાં’ (1969) અને ‘લાક્ષાગૃહ’ (1976) અનુક્રમે ગાંધી-કૃષ્ણનાં જીવનની કરુણતા અને મહાભારતકર્મમાં વ્યાસનાં કતૃત્વ-વેદનાને આલેખે છે.

‘માલિની’ (1944), ‘રામ ઝરૂખે બૈઠકે’ (1966), ‘તરણા ઓથે’ (1975), ‘પ્રકાશનાં પગલાં’ (1945), ‘દિવ્ય વાર્તાઓ’ (1955), ‘અમર અજવાળાં’ (1959), અને ‘રઘુકુળરીતિ’ (1963), વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. સિંધની કથાઓ, દંતકથાઓ પર આધારિત ‘સિંધુની પ્રેમકથાઓ’ (1953) અને બે લઘુનવલો ‘સિંધુનું સ્વપ્ન અને પ્રીતનો દોર’ (1965)માં ગ્રંથસ્થ થઈ છે.

‘કળીઓ અને કુસુમો’ (1949), ‘હરિનાં દ્વાર’ (મરણોત્તર, 1979), ‘સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું’ (1959) જેવા નિબંધસંગ્રહો છે. ‘મહાભારતકથા’ ભા. 1, 2, 3 (1972, 1973, 1974)માં એમણે મહાભારતને રસળતી શૈલીમાં નિરૂપ્યું છે. ‘આઝાદીની યજ્ઞજ્વાળા’ (1943)માં 1857થી 1942 સુધીના ભારતના આઝાદી જંગનો ચિતાર છે. ‘સાહિત્ય અને પ્રગતિ’ (અન્ય સાથે, 1945) એમનું ઉમાશંકર જોશી આદિના સહયોગમાં થયેલું સંપાદન છે; તો વિનોબા અને શિવાનંદજીના વિચારોનું એમણે ‘અધ્યાત્મદર્શન’ (1963)માં સંકલન કર્યું છે. ‘ભર્તૃહરિનિર્વેદ’ (1958) એ હરિહર ઉપાધ્યાયના સંસ્કૃત ગ્રંથનો એમણે કરેલો અનુવાદ છે.