Kamal Vora Profile & Biography | RekhtaGujarati

કમલ વોરા

કવિ અને સંપાદક

  • favroite
  • share

કમલ વોરાનો પરિચય

તેમનો જન્મ રાજકોટમાં થયો. પ્રાથમિક અભ્યાસ મુંબઈ ખાતે થયો. મુંબઈમાં સ્થાયી થયેલા કમલ વોરા બી.ઇ. (ઇલેક્ટ્રિક) અને મૅનેજમેન્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી પિતાજી સાથે ફૅક્ટરીમાં નોકરી કરી ભાઈ સાથે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત રહ્યા. તેઓ પોતાની દવાની કંપની ધરાવે છે. ઔષધ વિતરણનો કૌટુંબિક વ્યવસાય ધરાવતા આ સર્જક પાસેથી ત્રણ કાવ્યસંગ્રહ મળે છે. 2010થી નૌશીલ મહેતા સાથે મળી તેઓ સુરેશ જોષી દ્વારા સ્થાપિત ‘એતદ્’ નામના એક ગુજરાતી સાહિત્યિક ત્રૈમાસિક સામયિકનું સંપાદન કરે છે. તેઓ સાહિત્ય અકાદમીના ગુજરાતી સલાહકાર બોર્ડના સભ્ય હતા.

માતાનો વાંચનપ્રેમ અને વિદ્યાર્થીજીવનમાં પાઠ્યપુસ્તકની બહારનું ભણતર ભણાવનાર અધ્યાપકો દ્વારા એમનો સર્જકપિંડ ઘડાયો. અઢાર વર્ષની વયે પ્રથમ કાવ્ય રચાયું. પછી તો તેમનાં કાવ્યો ગુજરાતી ભાષાનાં લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં અવારનવાર છપાતાં રહ્યાં છે. અલબત્ત તેમણે ટૂંકીવાર્તાઓ પણ લખી છે. 1971થી તેમની કવિતાઓ સામયિકોમાં છપાવાની શરૂઆત થઈ. તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘અરવ’ 1991માં છપાયો હતો, ત્યાર બાદ ‘અનેકએક’ (2012) અને ‘વૃદ્ધશતક’ (2015) સંગ્રહો પ્રકાશિત થયા. તેમની કવિતાઓ હિંદી, મરાઠી બંગાળી, કન્નડ અને અંગ્રેજીમાં અનુવાદિત થઈ છે અને ‘ઇન્ડિયન લિટરેચર જર્નલ’, ‘શિકાગો રિવ્યૂ’, ‘એન્થોલૉજી ઑફ એશિયન પોએટ્સ’, ‘મ્યૂઝ ઇન્ડિયા’ ઇત્યાદિમાં પ્રસિદ્ધ થઈ છે. 1950થી 2010 સુધીના ગુજરાતી પદ્યના કાવ્યસંગ્રહનું પ્રવીણ પંડ્યા સાથે મળીને 2017માં ‘આધુનિક ભારતીય કવિતા’ પુસ્તકનું દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા સહસંપાદન કરેલ છે. શબ્દોના ભાવ-રસથી રોમાંચિત થતા કવિનો એક અનોખો પરિચય ‘અનુરણન’ પુસ્તકમાં મળે છે. જેમાં પૂજ્ય નાથાભાઈ(ગોંડલ)ની રચનાઓના રસાનંદને શબ્દમાં ઢાળીને કવિએ આસ્વાદ કરાવ્યો છે.

તેમણે દુબઈ ઇન્ટરનૅશનલ પોએટ્રી ફેસ્ટિવલ (2009), શબદ વર્લ્ડ પોએટ્રી ફેસ્ટિવલ (2014), ઑલ ઇન્ડિયા (2016), અનુઆધુનિક કાવ્યોત્સવ પ્રતિપદા, વગેરેમાં કાવ્યપઠન કર્યું છે. કાવ્યસર્જનની કેફિયત રજૂ કરતાં તેઓ કહે છે :

“હું કોઈ આંતરિક શોધ માટે કવિતા નથી લખતો પણ જાતનો કાવ્યાત્મક સત્ય સાથે સામનો ઇચ્છું છું. સ્થળ-કાળમાં વેરાઈ રહેલા મને, આવા મુકાબલાઓ દ્વારા સમેટીને હું વિશુદ્ધ કવિતાની સન્મુખ કરું છું. કેંદ્રમુક્ત, નરી એકલતાની એ અનુભૂતિ છે. એકલતાની આ ક્ષણો, એની અવધિ દરમ્યાન, ઇતર તમામ પ્રલોભનો અને પ્રયોજનોને અળગાં રાખી કવિતાના નર્યા અને વિશુદ્ધ રૂપને આકારવા મથે છે. કવિતાનું સત્ય ઉજાગર કરાવતી અ-ક્ષણતાની આ વિશિષ્ટ અનુભૂતિનો આહ્લાદ અ-પૂર્વ અને કાળાતીત હોય છે. જીવન આ એકલતામાં ખલેલ પહોંચાડે છે, કવિતા એનો આકાર રચે છે, ઘૂંટે છે. જીવન આ એકલતાને વારંવાર ભુલાવી દે છે, કવિતા એનું સ્મરણ કરાવી ફરી એ આહ્લાદ સાથે જોડી આપે છે. પશ્ચિમની હતાશ અને અર્થશૂન્ય કરી દેતી વિખૂટા પડી ગયાની લાગણી કરતાં આ એકલતા જુદી છે અને પૂર્ણતાનો ઉત્સવ કરનારી છે. આ ક્ષણભંગુર આહ્લાદ, આ ક્ષણ પૂરતું અદ્વૈત – આટલું જ મારી કવિતા પાસેથી હું ચાહું છું.”

કમલ વોરા ગુજરાતી કવિતાનો એક વિશિષ્ટ અવાજ છે. વિષયવસ્તુના નાવીન્ય ઉપરાંત વિષયને જોવાની, પ્રસ્તુત કરવાની અને વિષય સોંસરવું કવિ જે રીતે તાકે છે, ચેતન અને અસ્તિત્વ, માણસ અને મન, ભિન્ન અવકાશ, સાવ સામાન્ય બાબતમાં પ્રગટ થતા સંકુલ મનના રંગો, ક્યાંય બોલકા બન્યા વગર કવિતાના શબ્દોને પણ મૌન કરી દઈ વાચકને પોતાની લિપિ ઉકેલવાનો અવકાશ આપતી કવિતા એટલે કમલ વોરાની કવિતા અને કમલ વોરાનું કવિ અસ્તિત્વ. યુવાની કાળનાં કાવ્યોનો સંગ્રહ કવિએ પ્રગટ નથી કર્યો. પણ ત્યાર બાદ કવિએ ખૂબ મર્યાદિત લખ્યું. કવિ કમલ વોરાની કવિતામાં નાની-નાની વસ્તુ અપૂર્વતા સહ પ્રગટે છે. વસ્તુ પસંદ કરીને એને અલગ અલગ પરિમાણ અર્પી જૂથકવિતા કરવી એ કવિની બારીક–તીક્ષ્ણ નજરની પરિચાયક બની રહે છે. વસ્તુને નવી વસ્તુતા તો સાંપડે પણ ક્યારેક એ પોતાનું સ્વરૂપ ઓગાળી અન્ય બાબતનું પ્રતિનિધિત્વ કરનારું બની રહે છે, એટલે કે રૂપકાત્મક–પ્રતીકાત્મક કોટિએ પહોંચે છે.

પતંગિયું, પથ્થર, ઈંડું, ભીંત, કાગળ, માખી, કાગડો, કિલ્લો જેવી વસ્તુઓના માધ્યમથી બોજિલ વિચારને હળવાશથી મૂકી આપે છે. વસ્તુને નવી રીતે જોતું કલ્પન આવે પછી કવિ એ કલ્પનને આળોટીપળોટી નવી નવી રીતે રજૂ કરે છે, તેથી કલ્પનશ્રેણી ઊભી થાય છે. તેમની પાસેથી આપણને ત્રણ કાવ્યસંગ્રહ મળ્યા છે : તેમના 1991ના પ્રથમ પુસ્તક ‘અરવ’ને ઉમાશંકર જોશી પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક ‘અનેકએક’ (2012) માટે 2016નો ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક ‘વૃદ્ધશતક’(2015)ને 2016માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2022માં તેમને 2020ના વર્ષનો ઓડિસાના ખ્યાતનામ કવિ ગંગાધર મેહેરના નામથી આપવામાં આવતો ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.