Kalapi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કલાપી

લોકપ્રિય કવિ અને પ્રવાસલેખક

  • favroite
  • share

કલાપીનો પરિચય

  • મૂળ નામ - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  • જન્મ -
    26 જાન્યુઆરી 1874
  • અવસાન -
    09 જૂન 1900

ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને ગઝલકાર કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. લાઠીના રાજવી પરિવારમાં 26 જાન્યુઆરી, 1874ના રોજ જન્મેલા કલાપી પિતા અને મોટાભાઈના અવાસનના કારણે સગીર વયે 'પ્રિન્સ' બની ગયા હતા. 1889માં જ રાજગાદી સંભાળી હતી.

રાજબાના પુત્ર કલાપીએ 1882થી 1890ની વચ્ચે રાજકોટની કૉલેજમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન 1889માં કચ્છના રોહાનાં કુંવરી રાજબા (રમા) અને કોટડા સાંગાણીનાં કુંવરી કેસરકુંવરબા ખાંડાની સાથે એક જ દિવસે લગ્ન કર્યા.

આંખોની તકલીફ અને લગ્ન વગેરેના કારણે કલાપીએ અંગ્રેજીમાં પાંચમા ધોરણ સુધી ઔપચારિક શિક્ષણ લીધું હતું. અંગ્રેજી, સંસ્કૃત, ફારસી અને ઉર્દૂનો અભ્યાસ શિક્ષકોને ઘરે રાખીને કર્યો હતો. વાંચન અને અધ્યયનને કારણે તેમને સાહિત્યમાં રસ પડ્યો હતો. સાહિત્ય, તત્વજ્ઞાન, ધર્મ વગેરેનું જ્ઞાન દરબાર વાજસૂરવાળા, મણિલાલ દ્વિવેદી, કાન્ત અને સંચિત જેવા મિત્રો દ્વારા પ્રાપ્ત થયેલું.

કલાપીએ 1890ની આસપાસ કવિતાઓ લખવાનું શરૂ કર્યું. આ સમયગાળામાં રમા સાથે આવેલી દાસી મોંઘીનાં પ્રેમમાં પડ્યા હતા. પત્ની રમાથી એ સહન ન થતાં પરિવારમાં તીવ્ર સંઘર્ષ થયો. આ સંઘર્ષમાંથી તેમણે અનેક કવિતાઓ લખી. આ પછી કવિતા તેમની ભાવનાઓને વ્યક્ત કરવાનું સાધન બની.

કલાપી રમા અને શોભના (મોંઘી) બંનેને સ્વીકારવા તત્પર હતા, પરંતુ રમાને તે મંજૂર ન હોવાથી તેઓ લગ્ન કરી શકતા ન હતા. જોકે ઘણાં સંઘર્ષને અંતે 1898માં તેઓ શોભના સાથે લગ્ન કરી લે છે. પછી બે જ વર્ષ બાદ લાઠીમાં દુષ્કાળ પડે છે અને કલાપીનું અવસાન 9 જૂન, 1900માં થાય છે.

કલાપીએ શરૂઆતમાં ‘મધુકર’ના ઉપનામથી કવિતાઓ લખી. મિત્ર જટિલે 1898માં ‘કલાપી’નું ઉપનામ સૂચવતા તે નામ પરથી કવિતા લખવાનું શરૂ કર્યું. તેમણે 1892માં ખેડેલા કાશ્મીરના પ્રવાસનું વર્ણન 'કાશ્મીરનો પ્રવાસ' એજ વર્ષે પ્રગટ થયો હતો.

કલાપીની કવિતાઓ પર કાન્ત, બાલાશંકર, મણિલાલ, નરસિંહરાવ વગેરે જેવા તે સમયના લેખકોનો પ્રભાવ જોવા મળે છે. પશ્ચિમના વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ ઇત્યાદિ કવિઓની કવિતાથી પ્રભાવિત થયેલા કલાપીએ તેમની કવિતાનાં રૂપાંતરો અને અનુવાદો પણ કરેલાં છે.

કવિતામાં તેમનો આંતરસંઘર્ષ અને સંવેદનશીલ વ્યક્તિત્વ પ્રગટ થયેલાં છે. કલાપીની કવિતાઓમાં તીવ્ર સંવેદનાઓ રહેલી છે અને સ્પષ્ટ ભાવ પણ પ્રદર્શિત થાય છે. કલાપીની કવિતા પ્રેમ, પ્રકૃતિ, પ્રભુપ્રેમ અને જીવનચિંતનના વિષયને લગતી રહી છે. આ મુખ્યત્વે આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારની છે. તેમની પરલક્ષી કવિતામાં ખંડકાવ્યો અને અમુક અધૂરાં દીર્ઘકાવ્યો છે. કલાપીના ઊર્મિકાવ્યોમાં સંવેદના પ્રગટાવતી એમની ગઝલો નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાની ગઝલોમાં કલાપીનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સરળ ભાષા અને છંદોની મદદથી તેમણે પોતાની કવિતાઓને સમૃદ્ધ બનાવી છે.

કલાપીની કવિતા યુવાનોને ખૂબ જ ગમતી. મધુર વર્ણનો, સરળ અને વ્યસ્થિત રીતે થતી રજૂઆત અને પ્રભાવશાળી ચિંતનના કારણે તેમની કવિતાઓ યુવાનોમાં લોકપ્રિય બની હતી. તેમના ખંડકાવ્યોમાં પાત્રોનું સુંદર નિરૂપણ કરવામાં આવતું, સંવેદનાઓને સારી રીતે રજૂ કરવામાં આવતી હતી. તેમની કવિતાઓ વાચકોના મનમાં પ્રકૃતિનું સ્પષ્ટ ચિત્રણ ઊભું કરી શકતી હતી.

‘હૃદયત્રિપુટી’ નામના દીર્ઘકાવ્યમાં કલાપીએ પોતાના પ્રેમસંઘર્ષને વર્ણવ્યો છે. કલાપીએ મિત્ર જટિલની મદદથી ચાર અધ્યાયનું મહાકાવ્ય ‘હમીરજી ગોહેલ’ લખવાનો પ્રયત્ન કર્યો હતો. ‘ત્યાગ’, ‘વિસ્મરણ’, ‘આપની યાદી’, ‘હમારા રાહ’ જેવી ગઝલો તથા ‘શિકારીને’, ‘મને જોઈને ઊડી જતાં પક્ષીઓને’ જેવાં ઊર્મિકાવ્યોથી કલાપીએ ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે. 

કલાપીની ગદ્યસમૃદ્ધિનો પરિચય આપણને ‘કાશ્મીરનો પ્રવાસ’, ‘કલાપીના સંવાદો’ અને ‘સ્વીડનબૉર્ગનો ધર્મવિચાર’ જેવા લખાણોમાંથી મળે છે. ‘કાશ્મીરનો પ્રવાસ’ તેમણે પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્ર તરીકે લખ્યો હતો. આમાં કલાપીની અંદર ચાલી રહેલી પીડાઓ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ‘કાશ્મીરના પ્રવાસમાં’ સંસ્કૃત ‘કાદંબરી’ની ગદ્યશૈલીનો પ્રભાવ જોવા મળે છે. ‘સ્વીડનબૉર્ગનો ધર્મવિચાર’ એ કવિ કાન્તને લખેલો ચિંતનાત્મક પત્ર છે.

કલાપીએ લખેલા 679 પત્રોમાંથી આપણને તેમના પ્રેમ અને જીવન વિશેની ઘણી વાતો જાણવા મળે છે. સગાસંબંધીઓ અને મિત્રોને લખેલા આ પત્રોમાં તેમણે સાહિત્યની ચર્ચા પણ કરી છે.

કલાપીના પત્રો તેમના નરમ, નિખાલસ, પ્રેમાળ સ્વભાવનો અને સાહિત્ય પ્રત્યેના લગાવનો પરિચય આપે છે. કલાપીના મૂલ્યવાન પત્રો ‘કલાપીના 144 પત્રો’ (સંપા. મુનિકુમાર ભટ્ટ, 1925) અને ‘કલાપીની પત્રધારા’ (સંપા. જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, 1931) નામે ગ્રંથસ્થ થયેલા છે. કલાપીએ ‘માલા અને મુદ્રિકા’ તથા ‘નારીહૃદય’ નામની બે નવલકથાઓ લખી હતી. જે અંગ્રેજી કથાનાં રૂપાંતરો છે.

કલાપીના અવસાન બાદ કવિ કાન્તે 'કલાપીનો કેકારવ' નામનો કાવ્ય સંગ્રહ 1903માં પ્રગટ કર્યો. જેમાં 1892થી 1900ની વચ્ચે કલાપીએ લખેલી કવિતાઓનો સમાવેશ કરાયો છે.