જન્મ મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના જબલપુર મુકામે પિતા ચંદ્રિકાપ્રસાદ અને માતા કસ્તૂરીબેનને ત્યાં થયો. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ. મુંબઈની ગેબ્રિયલ ઇન્ડિયા લિ. કંપનીમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે સેવા આપતા કૈલાસ પંડિત મુંબઈમાં સ્થાયી થયા હતા. મૂળ હિન્દીભાષી હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે.
દ્વિતીય વિશ્વયુદ્ધ અને આઝાદી પશ્ચાત્ જોયેલાં રંગીન સ્વપ્નો મુકુરિભૂત ન થતાં પ્રત્યાઘાતરૂપે માનવજીવન પર એની અસર થઈ તેમ જ સાહિત્યમાં એનો પડઘો ઝિલાયો. કૈલાસ પંડિત એવા જ આધુનિક ગઝલકાર છે કે જેમની ગઝલોમાં મહાનગરના માનવજીવનની યંત્રણાનું પ્રતીતિકર આલેખન થયું છે. ગઝલના અંતરંગ-બહિરંગ તત્ત્વોના સામંજસ્ય વડે તેમણે સમકાલીન રંગો તો ક્યાંક આધ્યાત્મિક ભાવ પણ વણી લીધા છે.
‘દ્વિધા’ (1978), ‘સંગાથ’ (1983), ‘ઉમળકો’ (1991) અને ‘ખરાં છો તમે’ (1995) તેમના ગઝલસંગ્રહો છે. ગઝલ ઉપરાંત મુક્તકો અને હાલરડાં પણ લખ્યાં અને ‘અમર મુક્તકો’ નામે સંપાદન પુસ્તક આપ્યું.
માંડ અડધી સદી જેટલું જીવેલા આ સર્જકે આટલા ટૂંકા ગાળામાં પણ ‘દીકરો મારો લાડકવાયો’, ‘ચમન તુજને સુમન’, ‘ન આવ્યું આંખમાં આંસુ’, ‘અર્થનો અવકાશ હોવો જોઈએ’ જેવી તો કંઈ કેટલીય રચનાઓથી ગુજરાતી સાહિત્યને શણગાર્યું છે. ‘દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે’ કવિ કૈલાસ પંડિતની આ રચના તેમના સમગ્ર સર્જનની લોકપ્રિયતાને વટાવી ગઈ છે. આ રચના ઉપરાંત ઘણી રચનાઓને મનહર ઉધાસે ગાઈને ગુજરાતી સંગીતમાં અમર કરી દીધી છે. તેમના ગયા પછી તેમની રચનાઓની ખૂબ ચર્ચા થઈ છે. આજે પણ તેમની ઘણી રચનાઓ લોકોને કંઠસ્થ છે. તેમણે ચિનુ મોદી સાથે સુખનવર શ્રેણી અંતર્ગત 20 ગઝલકારોનું પણ મૂલ્યવાન સંપાદન આપ્યું છે.