Jyotish Jani Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જ્યોતિષ જાની

કવિ, વાર્તકાર, નવલકથાકાર, નિબંધકાર, બાળસાહિત્યકાર, વિવેચક અને પત્રકાર

  • favroite
  • share

જ્યોતિષ જાનીનો પરિચય

તેમનો જન્મ 9 નવેમ્બર, 1928ના રોજ ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના પીજ ગામે જગન્નાથ જાનીને ત્યાં થયો. આણંદ જિલ્લાનું ભાલેજ ગામ તેમનું વતન. સુરતની ગોપીપુરાની શાળામાંથી 1945માં મૅટ્રિક, એમ.ટી.બી. અમદાવાદ કૉલેજમાંથી મુખ્ય વિષય રસાયણશાસ્ત્ર સાથે 1951માં બી.એસસી., 1963માં એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા કોર્સ - સુધીનો અભ્યાસ કર્યો. 1962થી 1966 ગુજરાતી દૈનિક ‘સંદેશ’ના ઉપતંત્રી, 1965માં ‘ધર્મસંદેશ’ના સહસંપાદક, 1966થી 1967 દરમિયાન જ્યોતિ લિ. વડોદરામાં આસિસ્ટંટ પબ્લિસિટી ઑફિસર, 1971થી ત્રણેક વર્ષ પ્રગટ થયેલા સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા'ના તંત્રી, 1974થી 1977 દરમિયાન વડોદરામાં જ સિટીઝન્સ કાઉન્સિલમાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઑફિસર, 1983થી 1986 ગુજરાતી દૈનિક ‘લોકસત્તા’ના ઉપતંત્રી, 1986થી 1990 દરમિયાન ‘શબ્દસૃષ્ટિ'ના માનાર્હ સંપાદક, અમદાવાદમાં સાહિત્યિક મિત્રોની રે’ મઠની તેમજ મુંબઈમાં ચુનીલાલ મડિયાના માર્ગદર્શન તળે ચાલતી ‘વાર્તાવર્તુળ’ની સ્થાપનામાં સહકાર્યકર્તા - એમ પોતાની કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકા અદા કરી. તેમને ભારત સરકાર દ્વારા 1993-95માં લોકનાટ્ય માટે સિનિયર ફેલોશિપ પ્રાપ્ત થઈ હતી. 17મી માર્ચ, 2005ના રોજ 77 વર્ષની વયે વડોદરામાં તેમનું દેહાવસાન થયું.

તેમની પાસેથી ‘ફીણની દીવાલો’ (1964) નામક કવિતાસંગ્રહ, ‘ચાર દીવાલો એક હેંગર’ (1966), ‘અભિનિવેશ’ (1975), ‘પંદર આધુનિક વાર્તાઓ’ (1977), ‘જ્યોતિષ જાનીની શ્રેષ્ઠ વાર્તાઓ' (ગુલાબદાસ બ્રોકર સાથે, 1989) આદિ વાર્તાસંગ્રહ, ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (1969), ‘અચલા’ (1980), ‘સૂરજ ઉગ્યાનું મુહૂર્ત' (અચલાની દ્વિતીય આવૃત્તિ, 1991) વગેરે નવલકથા, ‘ઉર્દૂ વાર્તાઓ’ (1972), ‘મુક્તમાનવ’ (1978) આદિ અનુવાદ, ‘શબ્દના લેન્ડસ્કેપ’ (1981) નામે નિબંધસંગ્રહ અને ‘હૅન્રિ ઈબ્સન’ (1981), ‘સંવાદ-વિવાદ’ (1983) વગેરે વિવેચન પુસ્તક મળી આવે છે. ઉપરાંત બાળવાર્તા પર પણ તેમણે હાથ અજમાવ્યો છે.

તેમણે ‘ઘાસની નદી’ ટૂંકીવાર્તા માટે તેમજ સમગ્ર નવલિકાના ક્ષેત્રે કરેલા પ્રદાન માટે સાબરકાંઠાનાં ભિલોડા કેળવણીમંડળ ટ્રસ્ટ તરફથી ઉમાશંકર જોશી પારિતોષિક, ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ નવલકથાને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 1970નું પારિતોષિક તેમજ ‘અચલા’ નવલકથાને પારેખ વલ્લભરામ હેમચંદ્ર લાઇબ્રેરી પારિતોષિક અને આંતરરાષ્ટ્રીય બાળવર્ષ 1979માં જોડિયાં બાળકો ઉપર બાળવાર્તાઓ લખી ત્રણે ત્રણ પારિતોષિકો મેળવ્યાં હતાં.