Jyotindra Dave Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જ્યોતીન્દ્ર દવે

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ હાસ્યકાર

  • favroite
  • share

જ્યોતીન્દ્ર દવેનો પરિચય

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેનો જન્મ સુરત ખાતે 21 ઑક્ટોબર, 1901ના રોજ થયો હતો. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ સુરતમાં મેળવ્યું હતું. 1919માં મૅટ્રિક પાસ. 1923માં સંસ્કૃતિ અને ગુજરાતી વિષયો સાથે બી.એ. અને 1925માં એમ.એ. થયા.

જયોતીન્દ્ર દવે 1926માં મુંબઈ પહોંચ્યા અને કનૈયાલાલ મુનશીની સાથે મળીને ગુજરાતી સાહિત્યના ઇતિહાસની પ્રવૃત્તિમાં જોડાયા. આ દરમિયાન તેમણે લખેલાં હાસ્યલેખો પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થવાના શરૂ થયા હતા. આ હાસ્યલેખોનો પ્રથમ સંગ્રહ ‘મારી નોંધપોથી’ શીર્ષકથી 1933માં પ્રગટ થયો. શરૂઆતમાં ‘ગુપ્તા’ના તખલ્લુસથી પુસ્તક પ્રકાશિત કર્યું હતું જોકે બાદમાં આ તખલ્લુસ છોડી દીધું.

ક.મા. મુનશી સાથે થોડા વર્ષો કામ કર્યા પછી 1933માં સુરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને 1937 સુધી ત્યાં કામ કર્યું. આ સમયમાં તેઓએ મુંબઈની વિવિધ કૉલેજોમાં પણ પ્રાધ્યાપક તરીકેની કામગીરી કરી. 1937માં મુંબઈ પરત ફર્યા અને ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં અનુવાદક તરીકે કામ કર્યું. સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ કચ્છના માંડવીની કૉલેજમાં ત્રણ વર્ષ સુધી આચાર્ય રહ્યા. તેમનું અવસાન 11 સપ્ટેમ્બર, 1980ના મુંબઈમાં રોજ થયું.

તેમનો હળવા નિબંધોનો સંગ્રહ 1932માં પ્રકાશિત થયો હતો જોકે આ પછી ઉચ્ચકોટીના હાસ્યલેખક તરીકે પ્રતિષ્ઠા પામ્યા. ‘રંગતરંગ’ના પહેલા ભાગ પછી 1941માં બીજો, ત્રીજો, ચોથો; 1944માં પાંચમો અને 1946માં છઠ્ઠો ભાગ પ્રકાશિત થયા.

જ્યોતીન્દ્ર દવેના હાસ્યની વિશેષતાએ છે કે તેમણે પોતાની આસપાસની સૂક્ષ્મ વિગતો કે જેની પર કોઈને હાસ્ય કરવાનું સૂઝે નહીં તેના પર હાસ્ય ઉત્પન્ન કર્યું છે. આ ઉપરાંત ગંભીર વિષયોને તેમણે સાદી તર્કભાસી દલીલો દ્વારા રજૂ કર્યા છે. ‘અજ્ઞાન’ વિશેના લેખમાં અજ્ઞાનના સમર્થનમાં તેમણે જે રોચક અને તર્કબદ્ધ દલીલો રજૂ કરી છે તે વાચકને આનંદ અને આશ્ચર્ય પમાડે છે.

‘રંગતરંગ’ની શ્રેણી પછી સૂક્ષ્મ બાબતોને લઈને હળવા નિબંધો પ્રકાશિત કર્યા. જેનાથી સામાન્ય લોકોની સાથે વિદ્વાનોને પણ આનંદ મળ્યો. આ નિબંધો ‘પાનનાં બીડાં’ (1946), ‘અલ્પાત્માનું આત્મપુરાણ’ (1947), ‘રેતીની રોટલી’ (1952), ‘નજર : લાંબી અને ટૂંકી’ (1956), ‘ત્રીજું સુખ’ (1957), ‘રોગ, યોગ અને પ્રયોગ’ (1960) અને ‘જ્યાં જ્યાં પડે નજર મારી’ (1965) છે.

‘ચૂંટણી’, ‘જીભ’, ‘કાન’, ‘પેટ’, ‘છીંક’ જેવા વિષયો પર સરળતાથી હાસ્યલેખન કર્યું છે. સાહિત્યની સમીક્ષા જેવાં ગંભીર વિષયોમાં પણ તેમણે હાસ્ય ઉત્પન્ન કર્યું છે. ‘ઊંઘ’, ‘ચોરોના બચાવમાં’, ‘કરકસર’, ‘પરતંત્ર પુરુષ’ વગેરે હાસ્યનિબંધોમાં તેમનું વાકચાતુર્ય તમને આનંદ કરાવે છે.

‘જ્યોતીન્દ્ર તરંગ’(1976) નામનો હાસ્યલેખોનો સંગ્રહ પોતે જ પ્રકાશિત કર્યો. રસશાસ્ત્રના અને સંસ્કૃત ભાષાસાહિત્યમાં તેમણે મેળવેલા પાંડિત્યની વાત તેમના હાસ્યલેખન પાછળ ઢંકાઈ ગઈ છે. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનશ્રેણી(1957)માં રસશાસ્ત્ર વિશે જે પાંચ વ્યાખ્યાનો આપ્યા તે ‘વાઙ્મય ચિંતન’(1984) નામના પુસ્તકમાં છે. ‘વિષપાન’ નામનું તેમનું ત્રિઅંકી નાટક 1928માં પ્રકાશિત થયું. ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના ‘માઇઝર’ના નાટકનું રૂપાંતરણ ‘વડ અને ટેટા’(1954)માં પ્રગટ થયું.

બીરબલની હાસ્યકથાઓનું સંપાદન ‘બીરબલ અને બીજા’માં કર્યું છે. સર્જકોનો પરિચય હળવી શૈલીમાં ‘વાઙ્મયવિહાર’ (1961)ના ચાર ખંડોમાં આપ્યો છે. તેમાં સર્જકોની લેખનશૈલી પર પણ પ્રકાશ પાડ્યો છે. ‘સામાજિક ઉત્ક્રાંતિ’ (1930) અને ‘અબ્રાહમ લિંકન – જીવન અને વિચાર’ (1931) તેમણે કરેલા અનુવાદો છે.

‘અમે બધાં’ (1936) નામની હાસ્યથી ભરપૂર નવલકથા ધનસુખલાલ મહેતાની સાથે મળીને લખી. જે ‘ભદ્રંભદ્ર’ પછીની અદ્ભુત કૃતિ છે. તેમાં ‘સરી જતા સુરત’ની વાર્તા હળવી શૈલીમાં લખી છે. તેના પરથી ‘સરી જતું સુરત’ નાટક પણ લખ્યું છે.

હાસ્યલેખન બદલ જ્યોતીન્દ્ર દવેને 1941માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. સુરતની સાહિત્ય સભાએ નર્મદ ચંદ્રક અર્પણ કર્યું. 1966માં સુરત મુકામે યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. જ્યોતીન્દ્ર દવેએ ભલે અધ્યાપન કાર્યકર્યું હોય પરંતુ તેઓ એક અભૂતપૂર્વ હાસ્યલેખક તરીકે જ પ્રતિષ્ઠા પામ્યા છે.