
જુગતરામ દવેનો પરિચય
જુગતરામ દવે આમ તો ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને આઝાદીના લડવૈયા પરંતુ, તેમણે ગુજરાતીમાં ઉચ્ચકક્ષાનું સાહિત્ય આપ્યું છે. સુરેન્દ્રનગરના લખતરમાં તેમનો જન્મ. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમના માતા બાળકો સાથે મુંબઈથી લખતર આવીને સ્થાયી થયા.
જુગતરામભાઈએ વઢવાણ અને ધ્રાંગધ્રાની હાઈસ્કૂલ તેમજ મુંબઈની ગોકુળદાસ તેજપાલ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. જોકે, મૅટ્રિકની પરીક્ષામાં બે વાર નાપાસ થતા મોટા ભાઈએ એક અમેરિકન કંપનીમાં કારકુનની નોકરી શોધી આપી. આ દિવસોમાં જ જુગતરામભાઈનો સ્વામી આનંદનો પરિચય થયો. સ્વામી આનંદે તેમની સાહિત્યિક અભિરુચિ જોઈને પરદેશી કંપનીની નોકરી છોડાવી અને તેઓ ‘વીસમી સદી’ નામના માસિકમાં જોડાયા. સ્વામી આનંદ સાથે દોસ્તીને કારણે તેમની કાકાસાહેબ કાલેલકર, રવિશંકર રાવળ અને કેશવ દેશપાંડે જોડે ઓળખાણ થઈ. જુગતરામભાઈએ થોડો સમય વડોદરામાં મારુતિ મંદિરના પૂજારી તરીકે સેવા આપી.
સ્વામી આનંદને મદદ કરવા અમદાવાદ આવીને ‘નવજીવન’માં તેમજ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા. 1919થી 1923 દરમિયાન તેમણે આ કામ કર્યું. ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓના ભાગરૂપે તેઓ સુરતના સરભોણ આશ્રમમાં 1924માં જોડાયા. બારડોલીના રાનીપરજમાં 1926માં વિદ્યાલય શરૂ કર્યું. સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહમાં પણ જોડાયા હતા. 1928થી વેડછીને પોતાની કર્મભૂમિ બનાવી અને ‘આશ્રમ ઉદ્યોગશાળા’ શરૂ કરી. ગાંધીજી શરૂ કરેલી ‘સવિનય કાનૂનભંગ’ની લડત અને ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો અને જેલમાં ગયા.
જુગતરામ દવેએ આદિવાસી બાળકોને શિક્ષણ આપવા માટે વેડછીમાં ‘નઈ તાલીમ’ના સિદ્ધાંતોને લક્ષમાં રાખીને શાળા શરૂ કરી. આ વિદ્યાલયોએ આદિવાસી વિસ્તારના ઉદ્યોગ, શિક્ષણ અને સમાજસેવાનાં કાર્યમાં મોટું યોગદાન આપ્યું. આવાં વિદ્યાલયોની સંખ્યા સો કરતાં પણ વધારે થઈ છે.
આઝાદી બાદ તેઓ ભૂદાન આંદોલનમાં પણ જોડાયા. દેશભરમાં આવતી કુદરતી આફતોમાં રાહતનું કામ તેમની પ્રેરણાથી વેડછી આશ્રમના કાર્યકરો અને વિદ્યાર્થીઓ કરતા. તેમણે તૈયાર કરેલા શાંતિસૈનિકોએ 1971માં બાંગ્લાદેશના શરણાર્થીઓ વચ્ચે પણ કામ કર્યું હતું. 1971થી 1978 સુધી તેમણે ‘વટવૃક્ષ’ માસિકનું સંપાદન કરેલું. 14 માર્ચ 1985માં તેમનું વેડછી મુકામે અવસાન થયું.
જુગતરામ દવેએ પ્રાસંગિક પરંતુ શ્રેષ્ઠ કવિતાઓ લખી હતી. તેમણે 1926માં ‘કૌશિકાખ્યાન’ કથાકાવ્ય લખ્યું હતું. પ્રૌઢ શૈલીમાં લખાયેલા આ કાવ્યમાં તેમણે મરાઠીના ઓવી છંદનો પ્રયોગ કર્યો છે. ગીતાના શ્લોકોના આધારે તેમણે ‘ગીતામંજરી’ (1945) લખી. જેમાં રૂપકાત્મક ગેય રચનાઓ છે.
જુગતરામભાઈએ લખેલા બે નાટકો ‘આંધળાનું ગાડું’ (1927), ‘ગાલ્લી મારી ઘરરર જાય’ (1957)ની ગણના ગુજરાતી સાહિત્યના ઉત્તમ બાળનાટ્યોમાં થાય છે. આ ઉપરાંત ‘પ્રહલાદ નાટક તથા સાહસવીરનાં ગીતો’ (1929); ‘ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ’ (1931); ‘રોકડિયો ખેડૂત’ (1957) તેમણે લખેલાં નાટકો છે.
રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યોનો ‘ગુરુદેવનાં ગીતો’ (1972)ના નામે અનુવાદ કર્યો છે. ‘ઈશ ઉપનિષદ’ (1966) સમજૂતી સાથેનો પદ્યાનુવાદ છે. આત્મકથા અને ‘ગાંધીજી’ (1939), ‘ભારતસેવક ગોખલે’ (1940), ‘ખાદીભક્ત ચૂનીભાઈ’ (1966), ‘મારી જીવનકથા’ (1975) એમ ચાર જીવનચરિત્રો તેમણે લખ્યાં છે. ઉત્તમ ભજનોનું સંપાદન તેમણે ‘ગ્રામભજનમંડળી’ (1938)ના નામે કર્યું છે.
‘ચાલણગાડી’ (1923), ‘પંખીડાં’ (1923), ‘ચણીબોર’ (1923) અને ‘રાયણ’ (1923) બાળકો માટે વિશેષ તૈયાર કરેલા સંપાદનો છે.
(તસવીર સૌજન્ય: જગન મહેતા)