તોરલના સંપર્કમાં આવીને તેમને સત્યનું ભાન થયું અને મહાપંથી સંત બન્યા. કચ્છના આ સંતકવિનું ચરિત્ર જુદા જુદા પ્રકારે આલેખાયું છે. મહાપંથના બીજમાર્ગી નિજારી સંપ્રદાયના અનુયાયી જેસલનો જન્મ કચ્છના દેદા વંશના જાડેજા રાજપૂત ચાંદોજીને ત્યાં થયો હતો એમ નોંધાયું છે. જેસલનું પૂર્વજીવન રાજ્ય સામે બહારવટે ચડેલા કાળઝાળ લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રના સલડી / સરલી / વાંસાવડ ગામના સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધિ સમયે અચાનક સાંસતિયાની પત્ની તોરલને જોઈ. ક્રૂર અને પાપી જેસલના જીવનનો ઉદ્ધાર કરવાના આશયથી સાંસતિયાએ પોતાની ઘોડી–તલવાર સાથે તોરલ/તોળીરાણી પણ જેસલને સોંપી દીધી. અનેક કસોટીઓની વચ્ચે તોરલે એનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હૃદય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા પછી એણે ભજનવાણીની રચનાઓ કરી છે. જેમાં પોતાના પાપોનું પ્રાયશ્ચિત અને હૃદયવ્યથાનું નિરૂપણ છે. અંજાર(કચ્છ)માં જીવતાં સમાધિ લેનાર જેસલ આજે ‘જેસલ પીર’ તરીકે પૂજાય છે.