Jaymangauri Pathakji Profile & Biography | RekhtaGujarati

જયમનગૌરી પાઠકજી

ગુજરાતી કવયિત્રી

  • favroite
  • share

જયમનગૌરી પાઠકજીનો પરિચય

ગુજરાતી કવયિત્રી જયમનગૌરીનો જન્મ સુરત મુકામે 15 સપ્ટેમ્બર, 1902ના રોજ સાક્ષર મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)ના ત્યાં થયો હતો. તેમણે અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ સુરત, અમદાવાદ અને મુંબઈની શાળાઓમાં મેળવ્યું. સાહિત્યકાર વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી (1895-1935) સાથે 1918માં લગ્ન થયાં. સુરતનાં યુવતી મંડળના થોડાં વર્ષો સુધી પ્રમુખ રહ્યાં. ગુજરાતી અને હિન્દી કવિતામાં ખૂબ રસ પડતો. તેમનું અવસાન 22 ઑક્ટોબર, 1984ના રોજ સુરતમાં જ થયું હતું.

‘ગુણસુંદરી’ નામના સામાયિકમાં તેમનાં કાવ્યો છપાયાં હતાં. તેમાંથી કેટલાંક પસંગીનાં કાવ્યોનો સંગ્રહ ગુણસુંદરી કાર્યાલયે ‘ગુણસુંદરીના રાસ’ (1931) નામે પ્રકાશિત કર્યો હતો. આ પહેલાં સુરદાસની કવિતાઓનો અનુવાદિત કાવ્યસંગ્રહ ‘સુરદાસ ને તેનાં કાવ્યો’ (1927)ના નામે પ્રકાશિત થયેલો. તેમણે રાસ વિશેની સમજ આપતી રોચક પુસ્તિકા ‘રાસવિવેચન’ 1932માં લખી હતી.

‘તેજછાયા’(1940) નામનો જયમનગૌરીનો કાવ્યસંગ્રહ કેશવ શેઠ(1888-1947)ની પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયો હતો. તેમાં 39 છંદોબદ્ધ કવિતાઓ અને 30 ગીતકાવ્યો છે. અનંતરાય રાવળ(1912-1988)ની પ્રસ્તાવના સાથે છંદોબદ્ધ કવિતાઓ અને ગીતોનો ‘સોણલાં’ નામનો કાવ્યસંગ્રહ 1957માં પ્રકાશિત થયો હતો. ‘પ્રપા’ (1980) નામના કાવ્યસંગ્રહમાં મોટાભાગના ગરબાં છે અને બાકીના ગીતો છે. ભગવતીકુમાર શર્માએ તેની પ્રસતાવના લખી છે.

જયમનગૌરીની કવિતાઓ નમ્ર અને વૈવિદ્યસભર ભાવોને રજૂ કરે છે. તેમણે મહાકાવ્યોનાં પાત્રોની મનોદશા, ઉત્સવો, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રકૃતિની સુંદરતા અને સ્વાનુભવરસિક કવિતાઓ લખી છે. આ કવિતાઓ નાજુક અને મનોહર છે. પૌરાણિક અને ઐતિહાસિક સ્ત્રીપાત્રોના લાક્ષણિક પ્રસંગકાવ્યો તેમણે લખ્યા છે. તેમણે કૃષ્ણ, રાધા, જશોદા અને દેવકીની કવિતાઓ પણ લખી છે. સ્ત્રીકવિઓમાં એમની પ્રતિભા નોંધપાત્ર રહી છે.

જયમનગૌરીએ બાળગીતો પણ લખ્યા છે. ‘બાલરંજના’ (1944) અને ‘ભૂલકાં’ એમનાં બાળકાવ્યસંગ્રહો છે. ‘બાલરંજના’માં બાળકોને સમજાય તેવા ગીતો, અભિનયગીતો, રાસગીતો અને નૃત્યગીતો મળીને કુલ 26 રચનાઓ છે. નાનાં બાળકોના રસને ધ્યાનમાં રાખીને જે 26 ગીતો રચવામાં આવ્યા છે તે ‘ભૂલકાં’ નામના કાવ્યસંગ્રહમાં છે. બાળકોના રસના વિષયો જેમ કે તહેવારો, રમકડાં, ખાવાનું, કળા, કુદરત, પંખી વગેરેને આવરીને કાવ્યો તૈયાર કર્યાં છે.