Jayesh Solanki Profile & Biography | RekhtaGujarati

જયેશ સોલંકી

કવિ અને લોકનાટ્યકાર અને કર્મશીલ. વિવિધ આંદોલનો સાથે જોડાણ. કાવ્યસંગ્રહ વળાંકનું પ્રકાશન મરણોપરાંત મિત્રો દ્વારા.

  • favroite
  • share

જયેશ સોલંકીનો પરિચય

"વીતેલા છત્રીસ વરસ...

11 મે, 1980માં ગરીબ-દલિત મજૂર મા-બાપનાં ઘરમાં જન્મયો. બાપ દારૂડિયો અને એની સાથે કદી ગોઠ્યું જ નહીં. 80થી 85નો સમય પ્યૉર બાળપણમાં વીત્યો હશે એવું માની શકાય. 85થી 95 થોડું ભણવાનું ચાલ્યું અને વધારે ચાલ્યું આમ-તેમથી કમાવાનું. ઘરમાં રોજ રાતે ઝઘડાં થતાં રહેતા અને કદી કદી તો મારો બાપ અમને મધરાતે ઘરમાંથી કાઢી મૂકતો. ગણિતમાં મને ટપ્પી પડતી નહોતી અને એમાં દસમાં ધોરણમાં બે વિષયમાં નાપાસ થયો. એ દિવસોમાં ઘરની હાલત જ એવી હતી કે મારું નાપાસ થઈને કારખાનામાં કામે વળગી જવું ખૂબ જરૂરી હતું અને એમ એપ્રિલ, 1995થી કારખાને જવાનું શરૂ કર્યું. ઘરની ગરીબી મટાડવા સતત રાતદિવસ મજૂરી કરી. ગરીબી તો ન હઠી પણ કેમિકલથી મારું શરીર બરબાદ થઈ ગયું. કેમિકલના કારખાનામાં સાત વર્ષ કામ કરો તો શરીરને અમુક ખરાબ લત લાગે જ અને જે લગભગ તમામ મજૂરો સાથે થાય છે એમ મારી સાથે પણ થયું અને ગળાને લત લાગી ગઈ...2002માં ગોધરાકાંડ અને અનુગોધરાકાંડ થયાં. 2003માં એક એનજીઓ સાથે જોડાયો અને એ એનજીઓમાં 2012 સુધી નવ વર્ષ કામ કર્યું. આ નવ વર્ષ મારા માટે સમાજવાદી નવ વર્ષ હતા પણ બીજી તરફ જેમણે આદર્શો આપ્યા હતા તેઓ તો આદર્શોનો વેપાર કરે છે એમ જાણ્યું ત્યારે દિલને આઘાત લાગ્યો. ખૂબ ઊંડો આઘાત લાગ્યો. દોષી એ લોકો પણ નથી આ સાલો સમય જ ખૂબ જટિલ છે. ત્રણ-ચાર વર્ષથી સાવ બિન્દાસ્ત છું. ભૂત અને ભવિષ્યની વચ્ચે જે વર્તમાન પડે છે એમાં જીવું છું અને જાતિવાદ સામે, પિતૃસત્તા સામે, મૂડીવાદ સામે અને તમામ અસમાનતાઓ સામે મારી તાકાત પ્રમાણે લડું છું...આજે છત્રીસ વરસનો થઈ ગયો છું...હાલ બેકાર છું...નોકરી મળશે, એક મહિનો કામ કરીશ પછી પગાર આવશે અને ત્યારે તમને પાર્ટી પણ મળી જ જશે હોં!"

(11 મે, 2015ના રોજ સાંજે 4.14 વાગે જયેશ જીવીબેન સોલંકીએ એમની ફેસબુક વૉલ પર હિંદી ભાષામાં પોતાનો જ પરિચય રજૂ કર્યો હતો તેનો આ ગુજરાતી તરજૂમો છે.)