જયેન્દ્ર શેખડીવાળાનો જન્મ 23 ઓગસ્ટ, 1952ના રોજ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના શેખડી ગામમાં થયો હતો. તેમની પાસે બી.એ., એમ.એ., એલએલ.બી.ની ડિગ્રી છે. તેમણે તેમના સંશોધન ‘રાવજી પટેલ : એક અધ્યયન’ (કવિ રાવજી પટેલનાં જીવન અને કાર્યો પર સંશોધનકાર્ય) માટે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી અને ત્યાંથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી, જયેન્દ્ર ચિત્રકલામાં સક્રિયપણે સામેલ છે અને તેમણે એકલ અને સમૂહ પ્રદર્શન બંને યોજ્યાં છે.
કાવ્યતત્ત્વને પામીને લખનારા કવિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. એવા કવિઓમાં જયેન્દ્ર શેખડીવાળા કાવ્યત્ત્વના નખશિખ પારખુ કવિ છે. જેવી રીતે ભક્તિમાર્ગનું નરસિંહ પછી અનુસંધાન રાજેન્દ્ર શાહ અને હરીશ મીનાશ્રુ જેવા કવિઓની કવિતામાં ઝિલાય છે, તેવી રીતે જ્ઞાનમાર્ગી પરંપરાનું અનુસંધાન અખા પછી જયેન્દ્ર શેખડીવાળાની કવિતામાં અનુભવાતું જોવા મળે છે. જોકે જયેન્દ્ર શેખડીવાળાની કવિતામાં અલૌકિક તત્ત્વ, બ્રહ્મતત્ત્વને પામી જવાની પ્રક્રિયાની રમણાઓ અને સાંપ્રત સાથેનું અકબંધ ઐક્ય અનુસ્યૂત છે.
રાવજી પટેલના સાહિત્યના સઘન અભ્યાસી, સદૈવ પ્રયોગધર્મી સિસૃક્ષાના રચનાકાર, અકળ અને સકળ સંદિગ્ધતાને તાગવા મથતા આ સર્જકે ‘કલ્કિ’ (1982), ‘કિંવદંતી’ (1988), અને ‘કર્દમપલ્લી’ (1988) આદિ કાવ્યસંગ્રહ આપ્યા. ગઝલ, ગીત, અછાંદસ અને સૉનેટ એમ બહુવિધ કાવ્યસ્વરૂપોમાં એમણે કલમ ચલાવી છે. ગીતોની અભિવ્યક્તિરીતિ, આકાર, સંવેદન એમ સર્વ બાબતે અરૂઢતાના આગ્રહી. ગીત-ગઝલ ઉભયની પદાવલિમાં સંકુલતમ અવ્યાખ્યેય ચૈતસિક સંચલનોનાં ભાષિકરૂપો મૂર્ત કરવાની મથામણ જોવા મળે છે. ગઝલોમાં પરંપરાને પૂર્ણપણે ચાતરી જવાની સર્જકવૃત્તિ. દીર્ઘ લયનાં અગેય ગીતો સાથે પરંપરિત લયનાં કાવ્યો પણ ધ્યાનપાત્ર છે. ‘નાટ્યાંજલિ’ નામે એક નાટક ઉપરાંત તેમણે ‘બીપ બીપ સંદીપ’ નામે બાળનાટક પણ લખ્યું છે. આધુનિક ગુજરાતી ગઝલોનો ઉત્સવ રચતો સંચય ‘નખશિખ’ (હરીશ મીનાશ્રુ, અદમ ટંકારવી, અને રાજેન્દ્રસિંહ જાડેજા સાથે) કરવામાં આવ્યો છે. રાવજી પટેલ સર્જિત સાહિત્યના સઘન અભ્યાસના ફળરૂપ ‘કથેતિ’ એ તેમની સંશોધન કૃતિઓ છે. આ ઉપરાંત, નરસિંહ મહેતા યુનિવર્સિટી એન્થમ ગીત તેમણે લખ્યું છે, તો થોડીક નવલિકાઓ લખવાનો પ્રયાસ પણ કર્યો છે. દેશમાં તેમ જ યુ.કે.માં કાવ્યપઠન પણ કર્યાં છે.
તેમના પુસ્તક ‘કલ્કિ’ને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ઇનામો મળ્યાં છે. 2017માં તેમને કવીશ્વર દલપતરામ ઍવૉર્ડ એનાયત થયો. આ ઉપરાંત તેઓ ઉમાશંકર જોશી ગોલ્ડ મૅડલ અને ગુજરાતી સાહિત્ય ઍકેડમી ઍવૉર્ડના પણ પ્રાપ્તકર્તા છે.