Jaydev Shukla Profile & Biography | RekhtaGujarati

જયદેવ શુક્લ

ગુજરાતી કવિ, વિવેચક અને સંપાદક

  • favroite
  • share

જયદેવ શુક્લનો પરિચય

જયદેવ શુક્લનો જન્મ સુરતમાં ચંદ્રકાન્તભાઈ અને વીરબાળાબેનને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં થયો. વેદ, ઉપનિષદનું મંત્રમંડિત વાતાવરણ, ચંડીપાઠ, વિદ્વાનો સાથે પિતાની સંસ્કૃત ગોષ્ઠિથી કેળવાયેલા ધાર્મિક માહોલમાં ઉછેર. સુરતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા જીવનભારતીમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ (હિમાંશી શેલત એમના સહપાઠી રહ્યાં), મ.ઠા.બા. કૉલેજમાંથી સ્નાતક. પ્રથમ વર્ષમાં ‘એક પરિચય’ વાર્તા લખીને ભગવતીકુમાર શર્માને બતાવેલી, પછી ‘આરામ’ સામયિકમાં પણ છપાઈ. કૉલેજના ‘સાર્વજનિકમ્’ સામયિકમાં બીજી વાર્તા પ્રકાશિત થઈ અને આ જ સામયિકમાં એક કાળે સતીશ વ્યાસની ગઝલો પણ પ્રકાશિત થયેલી. કૉલેજકાળ દરમિયાન સાહિત્યિક સમજ વિકસતી ગઈ ને આધુનિકતાના ખોફમાં નહિ, પરંતુ આધુનિકતાના ખ્યાલોમાં રહી સમકાલીન વાતાવરણ ને જયંત પાઠક અને નટવરસિંહ પરમાર જેવા સાહિત્યકાર અધ્યાપકો તેમ જ વડીલો થકી સૂઝ સમયાંતરે વધુ પરિપ્લાવિત બની, સાહિત્યરુચિનું ઘડત2 થયું. મ.ઠા.બા કૉલેજમાં જ અનુસ્નાતક થયા. ગ્વાલિયર ઘરાનાના પંડિત ઓમકારનાથ ઠાકુરના શિષ્ય મહાદેવશર્મા શાસ્ત્રીના પડોશને લીધે સંગીતની અભિરુચિ અને એમના પુત્ર ઋષિકુમાર શાસ્ત્રી થકી તબલાંવાદનની તાલીમ, તો જગન્નાથ અહિવાસીની લુપ્ત થતી જતી પરંપરા જાળવતા પ્રસિદ્ધ ચિત્રશાળા અધ્યાપક વાસુદેવ સ્માર્ત, તથા ભત્રીજા જગદીપ સ્માર્તની મૈત્રીને લીધે ચિત્રકળાના આયામોનો પરિચય થયો. કૉલેજના અભ્યાસ દરમિયાન તેમણે થોડો સમય ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં કામ કર્યું, જ્યાં ભગવતીકુમાર શર્મા પાસે સાહિત્ય અને પત્રકારત્વના પાયાના પાઠ શીખવા મળ્યા.

1973માં જયદેવ શુક્લ મોડાસાની કૉલેજમાં, ધીરુભાઈ ઠાકરના આચાર્યપદ નીચે ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. પછી 1974થી નિવૃત્તિ (2008) સુધી આર્ટ્સ કૉલેજ સાવલી (જિ. વડોદરા)માં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. પુરુરાજ જોષી અને બીજા સાથી અધ્યાપકો સાથે મળી સાવલી કૉલેજમાં પરિસંવાદો અને વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો, બે વર્ષ પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં સિનેમા-આસ્વાદને લગતો અભ્યાસ. થોડોક સમય ગુજરાતીનો અધ્યાપક સંઘના મંત્રી રહ્યા, ગ્રંથસમીક્ષાનું ત્રૈમાસિક ‘પ્રત્યક્ષ’ના આરંભના આઠ અંકોનું એમણે રમણ સોની અને નીતિન મહેતા સાથે સંપાદન કર્યું. 2005થી એઓ શિરીષ પંચાલ અને બકુલ ટેલર સાથે ‘સમીપે’નું સંપાદન કરે છે. પ્રમોદ પટેલ, સરોજ પાઠક, અને અશ્વિન દેસાઈ, વગેરેનું પણ માર્ગદર્શન સાંપડેલું.

શરૂઆતના ગાળામાં સરોજ પાઠકે કવિતાના ક્ષેત્રમાં દિશાસૂચન કરી એમની પાંગરતી પ્રતિભાને વેગ આપ્યો અને ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના વર્ચસ્વના ગાળામાં જયદેવ શુક્લ પોતાની કાચી-પાકી સમજથી કાર્યરત થયા. આ સમય દરમ્યાન કવિતાક્ષેત્રે મહત્ત્વનાં પરિમાણો પ્રસ્થાપિત થઈ ચૂક્યાં હતાં અને એના મધ્યે નવા આયામો થકી ચીલો ચાતરવાનું પડકારજનક હતું. જયદેવ શુક્લ અને સમકાલીન કવિઓએ પોતપોતાના રીતે પડકાર ઝીલ્યા ને એનું સુફળ સાહિત્યજગતને સાંપડ્યું.

‘પ્રાથમ્ય’ (1988), ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ (2013) નામક કાવ્યસંગ્રહો, ‘ખંડકાવ્ય’ (1986) નામે વિવેચનસંગ્રહ, ‘હનુમાનલવકુશમિલન’ (ભૂપેશ અધ્વર્યુનો વાર્તાસંગ્રહ, રમણ સોની અને ધીરેશ અધ્વર્યુ સાથે, 1982), ‘પ્રથમ સ્નાન’ (ભૂપેશ અધ્વર્યુનો કાવ્યસંગ્રહ, મુકેશ વૈદ્ય અને રમણ સોની સાથે, 1986), ‘ગુજરાતી કવિતાચયન : 1998’ (2001), ‘વીસમી સદીનું ગુજરાત’ (શિરીષ પંચાલ અને બકુલ ટેલર સાથે, 2002) આદિ સંપાદન.

આ ઉપરાંત સમીક્ષાઓ, અભ્યાસલેખો, અને કાવ્યાસ્વાદો તથા ચિત્ર, સંગીત, અને સિનેમા વિશે લેખો અને કળાકારોની મુલાકાતો લીધી છે.

પંચેન્દ્રિયોને સંતૃપ્ત કરે તેવાં નવાં તાજાં ઇન્દ્રિયગોચર કલ્પનો, સહજ અને કરકસરયુક્ત ભાષા, કાવ્યપ્રબંધન સૂઝ, અછાંદસ સંરચનાના પ્રયોગો, સંગીત, સિનેમા સાથે ચિત્રકળાના અનેક પારિભાષિક સંકેતો, કાવ્યપદાવલિનું અદ્વૈત, સાદૃશ્યો–સાહચર્યોનો સઘન વિનિયોગ, કાવ્યગત સંવેદન–ભાષા–પ્રયુક્તિની બહુવિધતા થકી કાવ્યો વિશેષ આસ્વાદ્ય બન્યાં છે.

‘પ્રાથમ્ય’ સંગ્રહના ‘ભેજલ અંધકાર’, ‘પરોઢ’, ‘ચાંચમાં રણઝણતી પૃથ્વી’, ‘વૈશાખ : બે’, ‘તાલકાવ્ય’ 1–2, ‘તાળું’, ‘કાંટો’, ‘પણ આમ કેમ બનતું હશે?’, ‘વ્રેહસૂત્ર’ જેવાં કાવ્યો તીવ્ર સંવેદના અને ઇન્દ્રિયસંતર્પકતાને કારણે રમણીય રહ્યાં છે. તો કવિ જયદેવ શુક્લનો અલાયદો સર્જક નવોન્મેષ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ નામક દ્વિતીય સંગ્રહમાં મળી રહે છે. અહીં કલ્પનશ્રેણીઓની મુખરતા ઘટી અને વર્ણનાત્મક, કથનાત્મક અને ક્યારેક નાટ્યાત્મક રચનારીતિઓ પ્રયોજવાનું વલણ પ્રવર્તે છે. જનાન્તિક ગુચ્છ અને નાયિકાગુચ્છનાં કાવ્યો ઉપરાંત રાજકીય–સામાજિક વાસ્તવ વિશેનાં થોડાંક કાવ્યો એ દૃષ્ટિએ ખાસ મહત્ત્વનાં છે. ‘દરજીડો’, ‘અંધારું ધસી પડે છે’, ‘પપ્પા, બોલો ને...’, ‘યાદ આવે છે’, ‘રસ્તો ઓળંગતી વેળાએ’, ‘તે સાંજે’, અને ‘આજે, ભૂખી સાંજે’ જેવી જનાન્તિક ગુચ્છની રચનાઓમાં નિજી સંવેદન, હૃદયસ્પર્શી ચિત્રો, તાટસ્થ્ય બયાન સાથે કવિકર્મનાં અવનવાં પરિમાણો દેખા દે છે. ‘આ ભૂતિયાવાસમાં’, ‘હજી તો’, ‘કદાચ’, ‘તે સાંજે’, ‘ચંદ્ર તાકી રહ્યો છે’ નાયકપક્ષેથી તો ‘એ વૈશાખી સાંજ’, ‘આગમન’, ‘ફરી’, ‘ટપ્... ટપક્...’, ‘કેવેફી વાંચતાં જાગેલું એક સ્મરણ અને આજ’, ‘આરપાર જોવા ન દે’, અને ‘ફુવારો આકાશ આંબતો હતો’ જેવી નાયિકા ગુચ્છની રચનાઓ વાચકો–વિવેચકોનું ધ્યાન ખેંચે તેવી છે. તીવ્ર કામાવેગનું સાહસિક આલેખન પ્રગલ્ભતાથી પણ પ્રતીકાત્મક રીતે થયું છે. ‘સ્તનસૂત્ર’નાં બાર લઘુકાવ્યો એની સાથે પૂરે છે. ત્રણેક પૃથ્વીકાવ્યો પણ ધ્યાન ખેંચે છે. આસમાની સુલતાની ઘટનાઓને કેન્દ્રમાં રાખીને જયદેવ શુક્લ ‘એક પીળું ફૂલ’, ‘માગશરની અમાવાસ્યા’, ‘ધુમાડો’, ‘26મી જુલાઈ 2008’, ‘હા ભઈ હા, બધેબધ પડે જ છે’ આદિ સમકાલીન છતાં સાંપ્રત સુસંગત કાવ્યો ચોટદાર–વેધક છે, સાથોસાથ ‘ગબડાવી દે, ફંગોળી દે...’ રચના થકી સામાજિક વ્યવસ્થાની સ્થિતિ પર અંગુલિનિર્દેશ કરી પુનર્વિચાર માટે બદ્ધ કરે છે. જયદેવ શુક્લે પોતાની ચિત્ર–સંગીત–સાહિત્યની સૂઝ થકી તેમ જ અવનવા આયામોથી પોતાની કવિતા તેમ જ ગુજરાતી કવિતાને નવો વળોટ આપ્યો છે.